સાઉદી અરબમાં વિશ્વના સૌથી મોટા ઓઇલ પ્રોસેસિંગ એકમો પર ડ્રોન હુમલા - Sandesh
  • Home
  • World
  • સાઉદી અરબમાં વિશ્વના સૌથી મોટા ઓઇલ પ્રોસેસિંગ એકમો પર ડ્રોન હુમલા

સાઉદી અરબમાં વિશ્વના સૌથી મોટા ઓઇલ પ્રોસેસિંગ એકમો પર ડ્રોન હુમલા

 | 2:40 am IST

। દુબઈ ।

સાઉદી અરબમાં સાઉદી અરામ્કો દ્વારા સંચાલિત મોટા ઓઇલ ફિલ્ડ અને ઓઇલ પ્રોસેસિંગ રિફાઇનરી પર શનિવારે વહેલી સવારે ડ્રોન હુમલો કરાયો હતો જેના કારણે વિશ્વમાં ક્રૂડ ઓઇલ સપ્લાય માટે અત્યંત મહત્ત્વના ગણાતા ઓઇલ એકમમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. સાઉદીમાં આવેલા બુક્યાક અને ખુરિયાસ ઓઇલ ફિલ્ડ પર કરાયેલા ડ્રોન હુમલા માટે યમનમાં સક્રિય હૌથી આતંકવાદીઓએ જવાબદારી લીધી છે.

આ હુમલાઓમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાનું હજુ સાઉદી સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયું નથી. બુક્યાક ઓઇલ ફિલ્ડ ખાતે શૂટ કરાયેલા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વીડિયોમાં ગોળીબારના અવાજો પણ સંભળાઈ રહ્યાં છે. બુક્યાકના અબક્વૈક ઓઇલ પ્રોસેસિંગ એકમ ખાતે લાગેલી આગ ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી. સાઉદી અરબના ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ડ્રોન હુમલાના કારણે બુક્યાક અને ખુરિયાસ ઓઇલ પ્રોસેસિંગ એકમો ખાતે આગ પાટી નીકળી હતી. હાલમાં હુમલાની તપાસ ચાલી રહી છે. સાઉદી સરકારની માલિકીની સાઉદી અરામ્કો કંપની દ્વારા આ સંદર્ભમાં હજુ કોઈ નિવેદન જારી કરાયું નથી.

ઈરાનનું સમર્થન ધરાવતા યમનના હૌથી બળવાખોરો દ્વારા હુમલો

માર્ચ ૨૦૧૫થી સાઉદી અરબના નેતૃત્વ હેઠળની ગઠબંધન સેના અને યમનમાં ઈરાન સર્મિથત હૌથી બળવાખોરો વચ્ચે લડાઈ ચાલી રહી છે. હૌથી બળવાખોરો હાલમાં યમનની રાજધાની સેના અને અન્ય વિસ્તારો પર કબજો ધરાવે છે. હૌથી બળવાખોરો અને સાઉદીના નેતૃત્વ હેઠળની ગઠબંધનની સેના વચ્ચેનું યુદ્ધ વિશ્વની સૌથી બદતર માનવીય કટોકટી બની રહી છે. હિંસા અને દુકાળના કારણે યમનમાં ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૯૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. સાઉદી સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી હૌથી બળવાખોરો સાઉદી પર હુમલા માટે ડ્રોન વિમાનોનો ઉપયોગ કરી રહ્યાં છે. આરોપ છે કે, ઈરાન આ યુદ્ધમાં હૌથી બળવાખોરોને શસ્ત્રો સહિતની સહાય પૂરી પાડી રહ્યો છે. યુએનના તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર હૌથી બળવાખોરો પાસે યુએવી-એક્સ ડ્રોન વિમાનો છે જેની રેન્જ ૧,૫૦૦ કિલોમીટરની મનાય છે.

આ એકમમાં સોવર ક્રૂડ ઓઇલને સ્વીટ ક્રૂડ ઓઇલમાં પ્રોસેસ કરાય છે

સાઉદી અરામ્કો કંપની અબક્વૈક ખાતે આવેલા ઓઇલ પ્રોસેસિંગ એકમને વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ ગણાવે છે. આ એકમ ખાતે સોવર ક્રૂડ ઓઇલને સ્વીટ ક્રૂડ ઓઇલમાં પ્રોસેસ કરાય છે. ત્યારબાદ તેને પર્શિયાની ખાડી તથા રાતા સમુદ્રમાં આવેલા ટ્રાન્સશિપમેન્ટ પોઇન્ટ ખાતે મોકલી અપાય છે. આ એકમમાં રોજના ૭૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ થાય છે. ખુરિયાસ ઓઇલ ફિલ્ડ ખાતે દરરોજ ૧૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ થાય છે. આ એકમ ખાતે ૨૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલનો અનામત જથ્થો રાખવામાં આવે છે.

યમનમાંથી થયેલા હુમલાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું

સાઉદીના ઓઇલ પ્લાન્ટ પર ડ્રોન હુમલાના કારણે આરબ રાષ્ટ્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. ઈરાનની પરમાણુ સંધિના મુદ્દે આમ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તેમાં સાઉદીના ઓઇલ પ્લાન્ટ પર યમનમાંથી થયેલા હુમલાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. મે મહિનામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ ઈરાન પરના હવાઈ હુમલા સ્થગિત કર્યા પછી બંને દેશ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને સાઉદી અરબ પર્શિયાની ખાડીમાં ઓઇલ ટેન્કરો પર હુમલા માટે ઈરાન પર આરોપ મૂકી રહ્યાં છે.

વર્ષ ૨૦૦૬માં અલ કાયદાએ આ ઓઇલ એકમ પર આત્મઘાતી હુમલો કર્યો હતો

ભૂતકાળમાં પણ સાઉદીના આ ઓઇલ પ્લાન્ટ પર આતંકવાદી હુમલા થઈ ચૂક્યાં છે. ફેબ્રુઆરી ૨૦૦૬માં આ ઓઇલ પ્લાન્ટ પર અલકાયદાના આત્મઘાતી બોંબરો દ્વારા હુમલો કરાયો હતો. અલકાયદાના આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલી ટ્રક લઈને પ્લાન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બે સુરક્ષા ગાર્ડ અને બે આતંકવાદીનાં મોત થયાં હતાં. ૨૦૧૪માં સાઉદીની અદાલતે આ હુમલા સાથે સંકળાયેલા અલકાયદાના એક આતંકવાદીને મોતની સજા આપી હતી. બીજા બે સાઉદી નાગરિકોને ૩૩ અને ૨૭ વર્ષ કેદની સજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન