NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.3775 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • સાઉદી અરબમાં યોગને મળ્યો ખેલનો દરજ્જો

સાઉદી અરબમાં યોગને મળ્યો ખેલનો દરજ્જો

 | 4:22 pm IST

ભારતમાં જ્યાં યોગ અને ધર્મને લઈને વિવાદ છેડાયો છે, ત્યાં બીજી તરફ ઈસ્લામિક દેશ સાઉદી અરબમાં યોગને એક ખેલ તરીકે અધિકારિક માન્યતા મળી ગઈ છે. સાઉદી અરબની ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રીએ સ્પોર્ટસ એક્ટિવિટીઝ તરીકે યોગ શીખવાડવાને અધિકારિક માન્યતા આપી છે. સાઉદી અરબમાં હવે લાઈસન્સ લઈને યોગ શીખવાડી શકાય છે.

રસપ્રદ બાબત એ છે કે, નૌફ મારવાઈ નામની એક મહિલાને સાઉદી અરબની પહેલી યોગ ટીચર તરીકેનો દરજ્જો મળ્યો છે. યોગને ખેલ તરીકે સાઉદીમાં માન્યતા અપાવવાનું મોટું શ્રેય નૌફને જાય છે. નૌફે તેના માટે લાંબા સમયથી અભિયાન ચલાવ્યું હતું. અરબ યોગા ફાઉન્ડેશનની ફાઉન્ડર નૌફનું માનવું છે કે, યોગ અને ધર્મની વચ્ચે કોઈ પ્રકારના સંઘર્ષ નથી. અરબી યોગાચાર્યના રૂપમાં નૌફે વર્ષ 2010માં અરબ યોગ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેણે જેદ્દામાં રિયાદ-ચાઈનીઝ મેડિકલ સેન્ટર ખોલ્યું છે. જ્યાં આર્યુવેદ અને યોગના માધ્યમથી દર્દીઓની સારવાર કરે છે. તેનું માનવું છે કે, યોગનું ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.

ઈસ્લામ ધર્મને લઈને કટ્ટરપંથી વલણ અપનાવનાર સાઉદી અરબ હાલ મોટા બદલાવ કરી રહ્યું છે. આ પહેલા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સાઉદી અરબની વિવિધ ભારતીય સ્કૂલોમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત દિવસોમાં સાઉદીના શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝના દીકરા અન ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાને સાઉદી અરબને ઉદારવાદી ઈસ્લામ તરફ લઈ જવાનો વાયદો કર્યો હતો. આ હેતુથી ત્યાં મહિલાઓને કાર ચલાવવાનો પ્રતિબંધ પણ હટાવી લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગને વૈશ્વિક લેવલે સ્વીકૃતિ મળી હતી અને 21 જૂનના રોજ દર વર્ષે વિશ્વભરમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે.