અમેરિકાના પ્રયાસો પર ચીન, સાઉદી અરબ અને તુર્કીએ પાણી ફેરવી પાકિસ્તાનને બચાવી લીધુ - Sandesh
  • Home
  • World
  • અમેરિકાના પ્રયાસો પર ચીન, સાઉદી અરબ અને તુર્કીએ પાણી ફેરવી પાકિસ્તાનને બચાવી લીધુ

અમેરિકાના પ્રયાસો પર ચીન, સાઉદી અરબ અને તુર્કીએ પાણી ફેરવી પાકિસ્તાનને બચાવી લીધુ

 | 6:08 pm IST

આંતરરાષ્ટ્રિય આતંકવાદને ફંડિગ આપનારા દેશોની લિસ્ટમાં પાકિસ્તાનને શામેલ કરવામાં આવશે કે કેમ તેને લઈને હજી સુધી કોઈ જ સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ ચીન, સાઉદી અરબ અને તુર્કી પાકિસ્તાનની વારે ચડતા અમેરિકાને ભારે ઝાટકો લાગ્યો હતો. પાકિસ્તાને આ બાબતને તેના વિજય તરીકે જોઈ રહ્યું છે, જ્યારે અમેરિકાએ હજી હથિયારે હેઠા મુક્યા નથી અને પેરિસમાં ફાઈનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની મીટિંગમાં હજી પણ પડદા પાછળ કામ કરી રહ્યું છે.

અમેરિકાના વૉલ સ્ટ્ર્રીટ જર્નલમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ મુદ્દે ટ્રમ્પ પ્રશાસન અને સાઉદી અરબ વચ્ચે સમહતિ ન સધાઈ હોય એવું આ કંઈ પહેલીવાર નથી બન્યું. સાઉદી અરબ પાકિસ્તાનનો સાથ ગલ્ફ કોઓપરેશન કાઉન્સીલ (GCC)ના કારણે આપી રહ્યું છે. પરંતુ અમેરિકા હજી પણ પ્રયત્ન કરી રહ્યું છે કે FATF આ મુદ્દે આજે કોઈ નિર્ણય લે. જો કે પાકિસ્તાને બુધવારે દાવો કર્યો હતો કે તેને અમેરિકાના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધા છે. પેરિસના આંતરરાષ્ટ્રિય વોચડોગે તેને ત્રણ મહિનાની છુટ આપી દીધી છે.

FATF એક આંતરરાષ્ટ્રિય સંગઠન છે જે જુદા જુદા દેશો વચ્ચે મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિગ જેવા મુદ્દાઓ જુઓ છે. 18 ફેબ્રુઆરીએ પેરિસમાં FATFની બેઠક શરૂ થઈ તે પહેલા એ ચર્ચા થઈ રહી હતી કે અમેરિકા પ ઓતાના યૂરોપીય સહયોગીઓની મદદથી પાકિસ્તાનને દેખરેખ યાદીમાં મુકવાનો પ્રયત્ન કરશે. જોકે એ અમેરિકાના દબાણનું જ પરિણામ છે કે ગુરુવારે આ મુદ્દે પાકિસ્તાન વિરૂદ્ધ ફરીથી મતદાનની એક તક બચી છે. બીજી બાજુ પાકિસ્તાન પણ સમર્થન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

અમેરિકાનું સ્પષ્ટ કહેવું છે કે પાકિસ્તાને આતંકવાદીઓને ફંડિંગ રોકવાના અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને લાગુ કરવા યોગ્ય પગલા ભર્યા નથી. જો કે પાકિસ્તાન આ આરોપો ફગાવતું કરતું આવ્યું છે. પાકિસ્તાન પર દબાણ વધારવા અમેરિકાએ ગત મહિને જ પાકિસ્તાનને મળનારી કરોડો ડોલરની સૈન્ય સહાયતા અટકાવી દીધી હતી.

જો પાકિસ્તાનને આ યાદીમાં સામેલ કરવામાં આવે તો તેને જોરદાર આર્થિક ફટકો પડી શકે છે. તેનાથી પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા ઈચ્છુક આંતરરાષ્ટ્રિય કંપનીઓ, બેંક અને વ્યાજે રકમ આપનારી અન્ય સંસ્થાઓ ત્યાં રોકાણ કરતા સો વાર વિચાર કરશે. તેની સીધી અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પડશે. FATFની મીટિંગ શુક્રવાર સુધી ચાલે તેવી શક્યતા છે.