Saudi Arebia Crown Prince Signs Mous Worth $20bn In Pakistan
  • Home
  • Featured
  • સાઉદી અરેબિયાના પ્રિન્સે કંગાળ પાકિસ્તાન માટે ખોલ્યો ખજાનો, ઈમરાન બન્યા ડ્રાઈવર

સાઉદી અરેબિયાના પ્રિન્સે કંગાળ પાકિસ્તાન માટે ખોલ્યો ખજાનો, ઈમરાન બન્યા ડ્રાઈવર

 | 12:37 pm IST

ફટેહાલ પાકિસ્તાન કંગાળ થવાના આરે આવીને ઉભું છે ત્યારે જ સાઉદી અરેબિયા તેના માટે તારણહારની ભૂમિકામાં સામે આવ્યું છે. પાકિસ્તાનના પ્રવાસે આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાને પાકિસ્તાન સાથે 7 MoU કરી 20 અબજ ડૉલરની લ્હાણી કરી છે. સાથે જ તેમણે પાકિસ્તાનને લઈને એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

વલી અહદનું પદ સંભાળ્યા બાદ સલમાનની આ પહેલી પાકિસ્તાન યાત્રા છે અને તેમની પાત્રા પહેલા જ ભારતના જમ્મુ-કાશ્મીરના પુલવામમાં થયેલા અત્મઘાતી હુમલાને કારણે પાકિસ્તાન યાત્રા એક દિવસ ટાળવામાં આવી હતી.

પાકિસ્તાનની મુલાકાતે આવેલા સાઉદી પ્રિન્સને વડા પ્રધાન ઇમરાન ખાન ડ્રાઈવર બન્યા છે. ઈમરાને જાતે કાર ચલાવીને સાઉદી પ્રિન્સને હોટલ સુધી લઈ ગયા હતા. પાકિસ્તાન સાથે સાઉદી પ્રિન્સે પાવર, પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ સહિતના સાત ક્ષેત્રે એમ.ઓ. યુ કર્યા છે.

મોહમ્મદ બીન સલમાને જણાવ્યું, 20 અબજ ડૉલરનું રોકાણ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં આ રોકાણમાં વધારો થશે. અમે દર મહિને રોકાણમાં વધારો કરતા જઈશું. પાકિસ્તાન ભવિષ્યમાં ખૂબ જ મહત્ત્તવપૂર્ણ દેશ સાબિત થશે.

સાથે જ તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન સાઉદી અરેબિયાના લોકોનો એક પ્રિય દેશ છે. અમે શરૂઆતથી જ તેના ભાગીદાર છીએ અને રહીશું. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન આર્થિક ભાગીદારી ખાસ કરીને પર્યટન ક્ષેત્રે વિસ્તાર કરવા સાથે મળીને કામ કરતા રહ્યાં છે.

પાકિસ્તાન બાદ સાઉદી પ્રિન્સ ભારતની મુલાકાતે આવશે. ભારતમાં તેઓ વડા પ્રધાન મોદી અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરશે. ભારતની મુલાકાત બાદ તેઓ ગરૂવારે ચીનની મુલાકાત પણ લેશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે સાઉદી અરેબિયા સાચા મિત્રની જેમ પડખે ઊભું રહ્યું છે. આજનો દિવસ પાકિસ્તાન માટે ઐતિહાસિક દિવસ છે.

પાકિસ્તાને કર્યં ભવ્ય સ્વાગત

સલમાન અને તેમના પ્રતિનિધિમંડળના ભવ્ય સ્વાગત માટે ઈસ્લામાબાદે ખાસ વ્યવસ્થા કરી છે. સંસદ ભવન પર મોહમ્મદ બિન સલમાનની 120 ફુટ ઉંચી અને 45 ફૂટ પહોળી વિશાળ તસવીરો લગાવવામાં આવી છે. તેવી જ રીતે પાકિસ્તાનમાં સલમાનને 21 તોપોની સલામી આપવામાં આવી. સાઉદી ક્રાઉન પ્રિંસનું વિમાન રાવલપિંડ્દીના નૂર ખાન એરફોર્સ એરપોર્ટ પર ઉતર્યું હતું. જ્યાં ઈમરાન ખાને પ્રિંસનું ઉમળકાભેર વ્યાગત કર્યું હતું. ઈમરાન ખાનના મંત્રિમંડળના સહયોગી અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ પણ એરફોર્સ એરપોર્ટ પર પહોંચી ક્રાઉન પ્રિંસનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ઈમરાન ખાને પ્રોટોકોલ તોડતા જાતે જ કાર હંકારી હતી અને મોહમ્મદ બિન સલમાનને વડાપ્રધાન હાઉસ લઈ ગયા હતાં. જ્યાં તેમના સ્વાગતમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.