Saurashtra Flooded Authorities evacuate stranded citizens
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના 161 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ, 6,748 લોકોનું સ્થળાંતર

ગુજરાતના 161 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ, 6,748 લોકોનું સ્થળાંતર

 | 9:26 pm IST
  • Share

ભાદરવા મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે સાંજે 6 વાગ્યા સુધી સુધી ગુજરાતના 161 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યુ હોય તેમ રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે અનેક ઠેકાણે પૂરની સ્થિતિ સર્જાયી છે, જ્યારે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

અનેક ગામો બેટમાં ફેરવાયા, 6,748 લોકોનું સ્થળાંતર
ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગુજરાતમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. જ્યારે 130 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય 13 અન્ય રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ કરવાની ફરજ પડી છે.

ભારે વરસાદની સ્થિતિને જોતા રાજ્યમાં કુલ 6,748 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી જામનગરમાં સૌથી વધુ 3,966 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટમાં 2,523 અને પોરબંદર જિલ્લામાં 224 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જૂનાગઢ જળ બંબાકાર
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગાઢના પ્રખ્યાત દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ નરસિંહ મહેતાની મૂર્તિ સુધી આવી ગયો છે.

જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી કાળવા અને સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું છે. લાલઢોરી નજીક આવેલ નવાબીકાળનો પુલ પણ ધરાશાયી થઈ ગયો છે. આટલું જ નહીં, સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. આ સાથે જ જૂનાગઢની જીવાદોરી કહેવાતો વિલિગ્ડન ડેમ પણ ઓવર ફ્લો થયો છે. આ સાથે જ 200થી વધુ ગામોને સિંચાઈનું પાણી પુરુ પાડતા ઓઝત-2 ડેમ ઓવર ફ્લો થતાં તેના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

રાજકોટ થયું પાણી-પાણી
16 ઈંચ વરસાદથી રાજકોટ પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે રાજકોટના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોથી લઈને શહેરના પોશ વિસ્તારો પણ બેટમાં ફેરવાઈ ગયા છે.

રાજકોટના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત શહેરના પોશ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. અનેક ઠેકાણે બેરિકેડ મૂકીને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.

રાજકોટ જિલ્લામાંથી પસાર થતી મોજ નદીમાં પુર આવતા જામકંડોરણાના તાલુકાના મોજ ખીજડીયા, નવા જુના માત્રવડ,જામ ટિબડી ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જૂના માત્રવડ ગામની ગ્રામ પંચાયતની કચેરી પાણીમાં ગરક થઈ જતાં રેકોર્ડ પલળીને નાશ પામ્યા છે. આજ રીતે મોજખીજડીયા ગામના 250 જેટલા લોકોને ચિત્રાવડ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

જામનગરમાં ગામડાઓ પાણીમાં ગરકાવ, હેલિકૉપ્ટરથી લોકોને રેસ્ક્યું કરાયા
જામનગર જિલ્લાના કાલાવડ અને જામનગર તાલુકામાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે હાલાર પંથક લાચાર બની ગયું છે. જામનગર જિલ્લામાં ગામડાઓ પાણીમાં ગળાડૂબ થઈ ગયા છે. જામનગર શહેરના રસ્તાઓ પણ નદીઓમાં ફેરવાઈ ગયા છે. અહીંના કાલાવડમાં 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારનાં ગામોમાંથી મોટાપાયે રેસ્ક્યૂ કરીને લોકોને બચાવવાની ફરજ પડી. હેલિકોપ્ટર દ્વારા અને NDRFની ટીમ દ્વારા વિવિધ ગામોમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઇ છે.

જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા તેના પાણી કાલાવડ વિસ્તારના નગુણા અને હરીપર ગામમાં ફરી વળ્યાં છે. આવી જ રીતે ખીમરાણા ગામમાં પણ પાણી ફરી વળતા ગ્રામજનોને અગાશીઓ અને ધાબા પર આશરો લેવાની ફરજ પડી છે.

ભારે વરસાદના પગલે તાલુકામાં આવેલ વોડીસાંગ ડેમ, ફુલઝર નદી, બાલભંડી ડેમ, નિકાવા ગામે આવેલ ખારાનો ડેમ સહિત અનેક ડેમો ઓવરફ્લો થયા છે. આવી જ રીતે ધ્રોલમાં બાવલી નદી ગાંડીતૂર બની છે. નદીઓમાં ઘોડાપુર આવતા આસપાસનાં ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. અહીંના ઉંડ-1 ડેમનાં દરવાજા 17 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. જામનગરનાં કાલાવડનાં આલિયાબાડા ગામમાં રૂપારેલ નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને સુરક્ષિત બહાર નીકાળવા રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે.

પોરબંદરમાં ભાદર નદીના પાણી ફરી વળ્યાં
પોરબંદર-જૂનાગઢ હાઈવે પર ભાદર નદીના પાણી ફરી વળતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે આ સિવાય કુતિયાણા મૈયારી ગામને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કુતિયાણાના ઘેડ વિસ્તારના 14 ગામને જોડતા રસ્તા પર ભાદરના પાણી ફરી વળતા આ રસ્તા પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ-પોરબંદર હાઇવે પર આવેલા ચોંટા ગામ નજીક હાઇવે પર પાણી ફરી વળતા તંત્રએ રસ્તા પર બેરિકેડ લગાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન