સાવરકરની આંદામાનની કાળા પાણીની સજા અને પિટિશન કેવા હતા? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સાવરકરની આંદામાનની કાળા પાણીની સજા અને પિટિશન કેવા હતા?

સાવરકરની આંદામાનની કાળા પાણીની સજા અને પિટિશન કેવા હતા?

 | 8:10 pm IST
  • Share

“એકસરખું કોલુ ફેરવ્યા કરવાથી તમ્મર આવતાં. શરીર એટલું દુખતું કે પાટિયા પર સૂવા માટે આડા પડીએ તો ઊંઘ આવવાને બદલે આખું શરીર દુખવા માંડતું ને તાવ ભરાતો…કોલુ (ઘાણીમાં તેલ કાઢવા માટે ફેરવવો પડતો લાકડાનો દાંડો) ફેરવતી વખતે પરસેવાથી તરબોળ થયેલા શરીર પર ઊડી રહેલો તે ભૂસો, પીસાઈ-પીસાઈને નીકળતો એ લોટ તેમજ કચરા વડે ગંદું બનેલું ઉઘાડું શરીર…નહાવા માટે મર્યાદિત અને સમુદ્રનું ખારું પાણી…રાત્રે કેદીને છ-સાત વાગ્યે પૂરી દેવાતો અને સવારે છ વાગ્યે ખોલવામાં આવતો. તે સમય દરમિયાન પેશાબ માટે માત્ર એક નાનકડી માટલી અંદર મૂકવામાં આવતી. રાતના બાર કલાક દરમિયાન કેદીને ઝાડે જવાની જરૂર પડે અને વોર્ડર પરવાનગી આપે તો જ બહાર જઈ શકતો. આવી પરવાનગી ન મળે અને મલાવરોધ અશક્ય થવાથી કોટડીમાં જ શૌચ કરવું પડે અને આઠ-દસ ફૂટની કોટડીમાં તે મળની પાસે જ માથું મૂકીને સૂવું પડે.” આ શબ્દો છે વીર સાવરકર દ્વારા આંદામાનની કાળા પાણીની સજાના દિવસોના તેમનાં સંસ્મરણોના. માઝી જન્મઠેપ એટલે કે મારી જનમટીપ નામના પુસ્તકમાં તેમણે લગભગ ૧૦ વર્ષ કાળા પાણીની સજા ભોગવી એનો વિસ્તારપૂર્વક વૃત્તાંત છે. એ પુસ્તકમાં જે યાતનાઓની વાત આલેખી છે એ વાંચતા-વાંચતા અરેરાટી ન થઈ જાય, આંખમાં આંસુ ન આવી જાય તો જ નવાઈ!

બધી જ સ્થાવરજંગમ મિલકતની જપ્તી, ૫૦ વર્ષ માટે આંદામાનમાં કાળા પાણીની સજા આખા ભારતમાં અત્યાર સુધી ફ્ક્ત વીર સાવરકરને ફ્રમાવવામાં આવી હતી. આવી સજા ફ્ક્ત તેમને જ નહીં પણ તેમના પિતા અને ભાઈને પણ કરવામાં આવી હતી. વીર સાવરકરે આવી કાળા પાણીની સજાની યાતના ભોગવ્યા બાદ માફી માગી હતી અને છુટકારો મેળવ્યો હતો એવું ઘણાં લોકો માને છે. અત્યારે આ મુદ્દે રાજકારણીઓ સામસામે આવી ગયા છે અને આરોપ-પ્રતિઆરોપ કરી રહ્યા છે. આપણે એ વિશે કોઈ વિશ્લેષણ કરવું નથી. માત્ર તથ્યો જાણવા અને સમજવાનો પ્રયાસ કરીશું. વીર સાવરકર વિશે આપણામાંના ઘણાંને બહુ માહિતી નથી. હકીકત શું હતી એની વિગતો માત્ર ઇતિહાસનાં પાનાંઓ પરથી કાઢીને અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે.

વીર સાવરકરે ૫ ઓક્ટોબર, ૧૯૧૭ના બ્રિટિશ સરકારને જે એક લેખિત અરજી કરી હતી, એની પ્રત લંડન વસતા સંકેત કુલકર્ણી પાસેથી પ્રાપ્ત થઈ છે. સાડા પાંચ ફુલસ્કેપ પેપર ભરીને અંગ્રેજીમાં ટાઇપ કરેલી આ પિટિશનનો સ્થળસંકોચને કારણે સંપૂર્ણ અનુવાદ કરીને આપી નથી શકતા, પરંતુ એનો સાર મૂકવાનો અહીં પ્રયત્ન કરી રહ્યા છીએ.

આંદામાનના યાતનામય દિવસોની કથા ‘માઝી જન્મઠેપ’ વાંચનારને ખ્યાલ આવ્યા વિના ન રહે કે આવી દોઝખને પણ સારું કહેવડાવે એવી સ્થિતિમાં રહ્યા પછી પણ સાવરકર ક્યાંય નિરાશ થયા નહોતા. સાડા પાંચ પાનાની આ અરજીમાં એ જ સૂર છે જેનો તેમણે જેલના અનુભવોના પુસ્તકમાં પણ ઉલ્લેખ કર્યો છે. “આંદામાનની જેલમાં રહીને માતૃભૂમિની સેવા કરી શકાતી નથી, સમય બરબાદ થાય છે. આ અફ્સોસ તેમને ફ્ક્ત પોતાના માટે નહીં ત્યાં પુરાયેલા તમામ રાજકીય કેદીઓ માટે છે. રાજદ્રોહ માટે જેલમાં સબડી રહેલા લોકોની જિંદગી અહીં જ વીતશે તો સર્વસામાન્ય લોકોનું નેતૃત્વ કોણ કરશે એનો તરફ્ડાટ છે.” આ જ કારણસર કેદી નંબર ૩૨૭૭૮ વી.ડી. (વિનાયક દામોદર) સાવરકરે એ અરજીમાં લખ્યું છે, ‘હવે કાળ બદલાયો છે. જગતની કોઈ પણ સરકાર હવે રાજકેદીઓને જેલમાં રાખતી નથી. મને ભલે ન છોડવો હોય તો ન છોડો પણ અહીંના બાકીના રાજકેદીઓને છોડો. જો તેમને છોડવામાં તમને મારે કારણે અડચણ થતી હોય તો મને ન છોડતા પણ તેમને છોડી મૂકો. જો તમે તેમને છોડી મૂકશો તો મને એટલો જ આનંદ થશે જેટલો મને મારી મુક્તિથી થાય.’

તો આવો છે વી. ડી. સાવરકરની આંદામાન જેલમાંથી અંગ્રેજ સરકારને કરવામાં આવેલી પીટીશનની વિગતોનો ટૂંકસાર.

ઝીરો લાઈન : ગીતા માણેક

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો