સુબ્રતો રોયને SCની વોર્નિંગ, 600 કરોડ ચૂકવો નહી તો જશો જેલમાં

631

સુપ્રિમ કોર્ટે ગુરૂવારે સહારા સમૂહની તે અરજીને ફગાવી દીધી જેમાં સેબી પાસે 600 કરોડ રૂપિયા જમા કરાવવા માટે વધારે સમય આપવાની માંગ કરી હતી. સમૂહે કોર્ટમાં કહ્યું કે, તેમને નોટબંધીના કારણે પૈસા એકઠા કરવામાં મુશ્કેલી થઈ રહી છે, પરંતુ કોર્ટે તેમની આ દલીલ માની નહતી. અરજી ફગાવતા કોર્ટે તે સંકેત પણ આપ્યા કે, આપેલા સમય પર પૈસા જમા ન કરાવવા પર સુબ્રતો રોયને ફરી જેલમાં મોકલવામાં આવશે. જણાવી દઈએ કે, પાછલી સુનવણીમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, 6 ફેબ્રુઆરી, 2017 સુધી 600 કરોડ રૂપિયા જમા ના કરાવવા પર સહારા ચીફને ફરીથી જેલમાં જવું પડશે.

સહારા સમૂહે કોર્ટમાં અરજી કરીને માંગ કરી હતી કે, પૈસા જમા કરાવવા માટે તેમને વધારે સમય આપવામાં આવે કેમ કે, નોટબંધીના કારણે તેઓ પૈસા એકઠા કરી શકતા નથી. સમૂહે કહ્યું કે, નોટબંધીને લઈને તેમને સપંતિ વેચવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ કોર્ટે આવી એકપણ દલીલને ગ્રાહ્ય રાખી નહતી. જણાવી દઈએ કે, 28 નવેમ્બર 2016એ સુપ્રિમ કોર્ટે સહારા સુબ્રતો રોયને જેલથી બહાર રાખવા માટે 6 ફ્રેબ્રુઆરી, 2017 સુધી 600 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલા 25 ઓક્ટોબરે સુપ્રિમ કોર્ટ રોયની પેરોલ 28 નવેમ્બર સુધી વધારી દીધી હતી. ત્યારે કંપનીએ સેબી પાસે 200 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તે સમય સુનવણી દરમિયાન સહારા સમૂહ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેઓ રોકાણકારોની બાકીની બધી જ રકમ 26 મહિનામાં પાછી આપી દેશે. સુપ્રિમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, 2018 સુધીમાં બાકીના બધા જ પૈસા રોકાણકારોને ચૂકતે કરી દેવામાં આવશે.

તિહાડ જેલમાં 2 વર્ષથી બંધ સુબ્રતો રોય પાછલા વર્ષે ત્યારે બહાર આવી શક્યા હતા, જ્યારે તેમની માતાનું નિધન થઈ ગયું હતું. રોયની પેરોલ તે શરતે વધારી હતી કે, તેઓ રોકાણકારોના પૈસા સમય-સમય પર સેબી પાસે જમા કરાવતા રહેશે. સુપ્રિમ કોર્ટના નવા આદેશ બાદ સહારા સમૂહ સમય પર 600 કરોડ રૂપિયા જમા કરાવશે નહી તો સુબ્રતો રોયને ફરી એકવાર જેલમાં જવું પડી શકે છે.