કૌભાંડોની મોસમ : હવે ૪૪૭ કંપનીઓ ૩,૨૦૦ કરોડનું ટીડીએસ ચાંઉ કરી ગઈ - Sandesh
NIFTY 10,978.20 -29.85  |  SENSEX 36,393.52 +-126.44  |  USD 68.5800 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કૌભાંડોની મોસમ : હવે ૪૪૭ કંપનીઓ ૩,૨૦૦ કરોડનું ટીડીએસ ચાંઉ કરી ગઈ

કૌભાંડોની મોસમ : હવે ૪૪૭ કંપનીઓ ૩,૨૦૦ કરોડનું ટીડીએસ ચાંઉ કરી ગઈ

 | 4:32 am IST

મુંબઈ, તા. ૫

પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ દેશભરની બેન્કો અને એજન્સીઓમાંથી વિવિધ કૌભાંડનાં ભૂતો બહાર આવી રહ્યાં છે. હવે ઇન્કમટેક્સ વિભાગે ૩,૨૦૦ કરોડનું કૌભાંડ ઉજાગર કર્યું છે. ૪૪૭ કંપનીઓ દ્વારા કર્મચારીઓના ટીડીએસ કાપી લેવામાં આવ્યાં હતાં પણ આ રકમ સરકારનાં ખાતામાં જમા કરાવાઈ નહોતી. આ રીતે કંપનીઓ કર્મચારીઓનું ૩,૨૦૦ કરોડનું ટીડીએસ ચાંઉ કરી ગઈ, આ કંપનીઓએ ટીડીએસના પૈસા કાપીને પોતાનો વેપાર વધારવા માટે તેનો ઉપયોગ કરાયો હતો. છેલ્લા એક વર્ષમાં આ ગોટાળો કરવામાં આવ્યો હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કંપનીઓ સામે ૨૭૬બી હેઠળ પગલાં લેવામાં આવી શકે છે.

એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ વચ્ચે કૌભાંડ થયું

ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું હતું કે, આ કંપનીઓ દ્વારા કર્મચારીઓના પગારમાંથી ટીડીએસ કાપવામાં આવ્યો હતો પણ સરકારી ખાતામાં જમા કરાવાયો નહોતો. તેમણે આ રકમ પોતાના વેપારમાં ઉપયોગમાં લઈ લીધી હતી. એપ્રિલ ૨૦૧૭થી માંડીને માર્ચ ૨૦૧૮ સુધીમાં ૪૪૭ કંપનીઓ દ્વારા આ ગોટાળા કરાયા હતા. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આ કંપનીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલીક કંપનીઓ સામે વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે. ગોટાળા કરનારી કંપનીઓમાં ફિલ્મ પ્રોડક્શનહાઉસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓનો સમાવેશ થાય છે. જેમા મોટાભાગની કંપનીઓ મુંબઈ સ્થિત છે.

કંપનીઓનાં ખાતાં એટેચ કરવાની શરૂઆત

ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું કે, આટલું મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ કંપનીઓ પાસેથી રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોપી કંપનીઓનાં બેન્કએકાઉન્ટ એટેચ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, કેટલાક કિસ્સામાં કંપનીઓએ પૈસા કાપીને તેનો ઉપયોગ વર્કિંગ કેપિટલમાં જોડવામાં કરી દીધો હતો. કેટલીક કંપનીઓ દ્વારા આ મુદ્દે માફી માગવામાં આવી છે અને તમામ રકમ તાકીદે જમા કરાવવાની ખાતરી આપવામાં આવી છે.

સાચી પ્રક્રિયા શું છે? 

કંપનીઓએ કર્મચારીઓનાં ખાતામાંથી ટીડીએસ કાપીને સરકારમાં જમા કરાવવાનું હોય છે.

મહિનો પૂરો થયાના સાત દિવસમાં આ કામગીરી કરવાની હોય છે.

કંપની ઇચ્છે તો દર ત્રણ મહિને આ રકમ જમા કરાવી શકે છે.

બેન્કમાં જઈને અથવા તો ઈ-પેમેન્ટ સિસ્ટમ દ્વારા આ રકમ જમા કરાવી શકાય છે.

રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડે છે

કંપનીઓ જો યોગ્ય સમયે ટીડીએસ જમા ન કરાવે તો કર્મચારીને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડે છે.

ટીડીએસ જમા ન થયો હોવાથી સરકારી ડેટામાં તેનો ઉલ્લેખ આવતો નથી.

કર્મચારીના પગારમાંથી ટીડીએસ કપાયો હોવા છતાં સરકારને આપવાનો બાકી બતાવે છે.

કર્મચારીએ આ આંકડા સેટલ કરવા માટે જાતે ટીડીએસ ભરવો પડે છે.

એકંદરે કર્મચારીને જ મુશ્કેલીઓ ભોગવવાની ઔઆવે છે.

સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે 

નિયમો પ્રમાણે કર્મચારીઓનું ટીડીએસ કાપ્યા બાદ કંપનીએ આ પૈસા કેન્દ્ર સરકારનાં ખાતામાં જમા કરાવાના હોય છે. ઘણી કંપનીઓ ત્રિમાસિક ગાળામાં આ પૈસા જમા કરાવતી હોય છે. ઈ-પેમેન્ટ અથવા તો બેન્ક બ્રાન્ચમાં પૈસા જમા કરાવવાના હોય છે. ટીડીએસમાં ગોટાળો પકડાય તો કંપની સામે કડક કામગીરી કરવામાં આવે છે. ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું કે, આવા કિસ્સામાં ૩ મહિનાથી માંડીને ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.