છૂટાછવાયાં ઘટાદાર વૃક્ષોનાં મેદાનોએ માણસજાતને બુદ્ધિશાળી બનાવી! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • છૂટાછવાયાં ઘટાદાર વૃક્ષોનાં મેદાનોએ માણસજાતને બુદ્ધિશાળી બનાવી!

છૂટાછવાયાં ઘટાદાર વૃક્ષોનાં મેદાનોએ માણસજાતને બુદ્ધિશાળી બનાવી!

 | 1:22 am IST

પોઈન્ટ બ્લેન્ક : એમ.એ. ખાન

ગીચ જંગલમાં શિકાર કરવો પ્રમાણમાં સરળ હોય છે. ઊંચાં ઊંચાં વૃક્ષોની ઘનઘોર ઘટાઓની આરપાર કશું ન દેખાય. પવનના સપાટા પણ વૃક્ષોના વિરાટ થડની આસપાસ ફરતા ફરતા એનું મૂળ ખોઈ બેસે. એટલે શિકારને પોતાના કોઈ દુશ્મનની ગંધ આવે તો પણ એની ચોક્કસ દિશા નક્કી ન કરી શકે. નજીક નજીક વિરાટ થડ હોવાથી સીધી નજરમાં દૂર સુધી કશું દેખાય નહીં. ઘનઘોર ઘટામાં સંતાયેલા શિકારીને પણ જોઈ શકાય નહીં. એટલે પ્રમાણમાં ગીચ જંગલમાં શિકાર સરળ બને છે. એક જ રેમ્બો એકલેહાથે સેંકડો દુશ્મનોને એક એક કરી રહેંસી શકે. માણસજાત બીજો શિકાર પાણીમાં રહેનારા જીવોનો કરતી હતી. પાણીમાં શિકાર કરવો પણ પ્રમાણમાં સરળ હતો.

ઘટાદાર વૃક્ષો છૂટાછવાયાં હોય અને ઘાસનાં મેદાનો હોય એવા વગડામાં શિકાર અઘરો બને છે. બધાં પ્રાણીઓ દૂર દૂર સુધી જોઈ શકે છે. પવનની લહેરખી પણ સીધી વહી જાય અને કોઈની ગંધ આવે તો એ કઈ દિશામાં છે એ તરત ખબર પડી જાય. આવામાં શિકાર કરવો હોય તો અઘરું પડે.  પર્યાવરણમાં ધરમૂળથી થયેલાં પરિવર્તનોના કારણે ઘોર જંગલો પાંખાં થવા લાગ્યાં અને છૂટાછવાયાં વૃક્ષો ધરાવતાં ઘાસનાં મેદાનો બનવા લાગ્યાં તો માણસજાતને શિકાર કરવામાં ભારે મુશ્કેલી પડવા લાગી. એ શિકાર કરી જ ન શકે એવી સ્થિતિ સર્જાય. ઘાસમાં સંતાય તો એને પણ પોતાનો શિકાર ન દેખાય. ઊંચો થાય તો જેનો શિકાર કરવાનો છે એ પ્રાણી પણ માણસોને જોઈ જાય. વૃક્ષોની ઘટા પણ પાંખી થવા લાગી એટલે એમાં સંતાઈને શિકાર પર ત્રાટકવાનું પણ શક્ય ન રહ્યું. ત્યારે ભૂખમરો ભોગવવાનો આવ્યો.

જીવન ટકાવવા માટે માણસજાતના મગજમાં નવી સર્કિટો બનવા લાગી. મગજનો વિકાસ થવા લાગ્યો. મગજમાં નવી સર્કિટો તો ભૂખમરો શરૂ થયો એ પહેલાંથી જ બનવા લાગી હતી. ખુલ્લાં મેદાનોમાં ગીચ જંગલો કરતાં વધારે દૂર સુધી નજર પહોંચવા લાગી. વધારે દૂર સુધીનાં દૃશ્યો દેખાવાં લાગ્યાં તો એ દૃશ્યની વિગતો પણ વધારે દેખાવાની શરૂ થઈ. એને પ્રોસેસ કરીને સમજવાની જરૂર પડવા લાગી. તેથી તરત જ મગજમાં નવી સર્કિટો બનવા લાગી અને મગજનો વિકાસ થવા લાગ્યો. જે કંઈ દેખાય એ શું છે, ક્યાં છે, કેવું છે વગેરે બાબતો તરત સ્પષ્ટ થતી રહેવી જોઈએ. એ માટે મગજે પણ ઝડપથી કામ કરવાની ટેવ કેળવવી પડે. ઝડપથી કામ કરવું હોય તો મગજમાં વધારે ન્યૂરોન બનવા જોઈએ. વધારે સર્કિટો બનવી જોઈએ. ન્યૂરોન અને સર્કિટો વધુ તો મગજનો વિકાસ થયો કહેવાય.

હવે શિકાર માટે કીમિયા શોધવાની જરૂર પડવા લાગી. ભૂખમરાથી બચવા માટે માણસજાતના અનુભવી શિકારીઓ શિકાર કરવા માટે નવા કીમિયા શોધવા લાગ્યા. દૂરથી ભાલો ફેંકવાની રીત શોધાઈ, તીર કામઠાં શોધાયાં જેથી નજીક ગયા વગર શિકાર કરી શકાય. માણસજાતના અનુભવીઓ જેમજેમ કીમિયા શોધતા હતા એમ એમ ધરતી વધારે પાંખાં વૃક્ષો સાથે વધારે ને વધારે ખુલ્લી થતી જતી હતી. શિકાર માટેના નવા કીમિયા કંઈ રોજ એક શોધી શકાય નહીં, કારણ કે માનવજાત પાસે એટલી તીવ્ર બુદ્ધિ નહોતી. ભૂખમરાથી મરી જવું પડે એવી કારમી સ્થિતિ ઊભી થવા લાગી તો બુદ્ધિની ધાર ઘસાઈને તેજધાર બનવા લાગી.

માણસજાત ધીમેધીમે શિકારના નવા કીમિયા બનાવીને સફળ થવા લાગી તો એ કીમિયાને વધારે અસરકારક બનાવવા માટે એમાં સુધારા-વધારા કરવાની કવાયત ચાલુ થઈ. એમાં મગજની ધાર વધારે તેજસ્વી બનવા લાગી.

હવે માણસજાતને સમજાયું કે અગાઉ શિકાર ઉપર ટોળું બનીને, ધારદાર હથિયારો લઈને તૂટી પડવાથી શિકાર થઈ જતો હતો એ હવે શક્ય નથી. ખુલ્લા મેદાનમાં શિકાર કોઈપણ દિશામાં પૂરપાટ દોડીને છટકી જતો હતો. એને છટકી જતો રોકવા માટે માણસજાતે નવો કીમિયો અજમાવ્યો. એકસાથે ટોળું બનીને હુમલો કરવાને બદલે શિકારની આસપાસનાં વૃક્ષો પર તથા ઝાડીઓ પાછળ ધીમેધીમે માણસો ગોઠવાઈ જાય અને પછી હુમલો કરે તો ભાગવા જતા શિકારને દરેક દિશામાંથી હુમલો કરી ગૂંચવીને સરળતાથી શિકાર કરી શકાય.

આ બધા વિવિધ અખતરાઓમાં એક વાત માણસજાતને સ્પષ્ટ સમજાઈ ગઈ કે ગીચ જંગલ કે તદ્દન ખુલ્લાં મેદાનો કરતાં ચાર-પાંચ ફૂટ ઊંચી બોરડી જેવી ઝાડીઓવાળા મેદાનમાં શિકારને વધારે સહેલાઈથી ઘેરી શકાય એમ હોય છે. ઝાડીઓમાં માણસો સરળતાથી પ્રવેશીને અંદર સુધી જઈ શકતા હતા. ઝાડીમાં હોય ત્યાં સુધી શિકારની નજર એમના પર ભાગ્યે જ પડતી હતી. એટલે માણસજાતે પણ શિકાર કરવા માટે એવા મેદાનમાં રહેનારાં પ્રાણીઓને પસંદ કર્યા અને એવાં મેદાનોની આસપાસ જ પોતાનાં ગુફા-નિવાસ બનાવ્યાં.   જિજ્ઞાસુઓને સવાલ થતો હતો કે જો માણસજાત મુશ્કેલીઓમાંથી ઉકેલ કાઢવા માટે પોતાનું મગજ કસતી ગઈ તો શું શિકાર થઈ જનાર પ્રાણીઓએ પોતાનો જીવ બચાવવા માટે મગજ નહીં કસ્યાં હોય?

એમણે મગજ ન કસ્યાં એનાં બે કારણ છે. એક શિકાર બનનાર પ્રાણીઓનો વસતીવધારો પૂરઝડપે થાય છે. એ વર્ષમાં બે-ત્રણ વખત બચ્ચાંને જન્મ આપે છે. એટલે એમના માટે શિકાર થઈ જવાથી લુપ્ત થઈ જવાનું જોખમ ઊભું થતું નથી. એટલે એમણે બુદ્ધિ વિકસાવવાની એટલી તીવ્ર જરૂર નહોતી. બીજું, મોટાભાગનાં પ્રાણીઓ જન્મજાત સ્વભાવ પ્રમાણે વર્તન કરતાં રહે છે. એટલે એ લોકો દરેક સમસ્યા સામે પોતાની કેળવાયેલી ટેવ પ્રમાણે જ ઝઝૂમે છે. એમાં હારીને મૃત્યુ પામવું સહજ-સરળ હોય છે. એટલે નવા ન્યૂરોન્સ કે સર્કિટ બનવાની પ્રેરણા માણસજાત જેવી તીવ્ર નહોતી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન