દીવઃ બુચરવાડા નજીક ખાનગી સ્કુલ બસ ઉંધી વળી, ૩૧ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ - Sandesh
  • Home
  • Gujarat
  • દીવઃ બુચરવાડા નજીક ખાનગી સ્કુલ બસ ઉંધી વળી, ૩૧ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

દીવઃ બુચરવાડા નજીક ખાનગી સ્કુલ બસ ઉંધી વળી, ૩૧ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

 | 7:49 pm IST

વણાંકબરાથી વાંસોજ ગામે જતી ખાનગી સ્કુલની મીની બસ પલ્ટી મારી જતા તેમાં બેસેલા ૩૧ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ તંત્રને થતા તંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું. તેમજ અકસ્માત અંગે કલેક્ટરે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

ઉના તાલુકાના વાંસોજ ગામે આવેલી જ્યુપિટર અંગ્રેજી શાળાની ડીડી૦૨ ૯૦૫૨નંબરની બસ વણાંકબારાથી વાંસોજ જઈ રહી હતી. ત્યારે બુચરવાડા ગામે આવેલા પોલીસ ચોકી નજીક બસના ડ્રાઈવર જાવિદ ઉમર શેખે બસના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી ગઈ હતી. બસ પલટી મારી જતા વિદ્યાર્થીઓની ચીસોથી સ્થાનિકો એકઠા થઈ ગયાં હતાં.

તેમજ સ્થાનિકોએ સ્કુલના વિદ્યાર્થીઓને બસની બહાર કાઢીને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે બસમાં બેસેલા ૩૧ જેટલા વિદ્યાર્થી તથા ભાઈ બહેનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમજ વિદ્યાર્થીઓનો કુદરતી બચાવ થયો હતો. આ અકસ્તાની ઘટનાની જાણ વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કલેક્ટર હેમંતકુમાર, ડે.કલેક્ટર ડૉ. અપૂર્વ શર્મા, મામલતગાર ચંદ્રહાસ વાજા, મ્યુનિસીપાલીટીના પ્રમુખ હિતેષ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ વિદ્યાર્થીઓને સાંતવના પાઠવી હતી.

આ અંગે કલેક્ટર હેમંતકુમારે જણાવ્યું હતુ કે, અકસ્માતની તપાસ કરવામાં આવશે. જેના માટે આરટીઓ સંદિપ બારીયા અને મામલતદાર ચંદ્રહાસ વાજાની સમિતિ બેસાડવામાં આવી છે. જેમાં સ્કુલોમાં ચાલતા વાહનોનું ફિટનેશ અને વિમો, ડોક્યુમેન્ટ સહિતની ચકાસણી કરવામાં આવશે.

ડ્રાઈવર પુરપાટ ઝડપે બસ ચલાવતા હતા
આ અંગે સ્કુલના વિદ્યાર્થીઓને અકસ્માતનું કારણ પુછતા કહ્યું હતું કે, બસનો ડ્રાઈવર પુરપાટ ઝડપે બસ ચલાવતો હતો. તેમજ બસમાં મોટા અવાજે ગીતો વગાડી તેની ઉપર જુમી રહ્યાં હતાં. જેથી આ અકસ્માત સર્જાયો છે.