શાળાઓમાં શાંતિપાઠને લઈને નાસ્તિકોએ અશાંતિ વધારી - Sandesh
  • Home
  • Columnist
  • શાળાઓમાં શાંતિપાઠને લઈને નાસ્તિકોએ અશાંતિ વધારી

શાળાઓમાં શાંતિપાઠને લઈને નાસ્તિકોએ અશાંતિ વધારી

 | 2:54 am IST

ફોર્થ ડાઇમેન્શન :-  વિનોદ પંડયા

ભારતમાંથી ઉદ્ભવેલા તમામ ધર્મો બીજા ધર્મોનો આદર કરવાનું શીખવે છે. હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ કોઈપણ ધર્મ બીજા ધર્મોનાં લોકોને નફરત કરવાનું શીખવતા નથી. વેદો અને ઉપનિષદો સમગ્ર માનવજાતની પ્રાર્થનાઓ છે અને તેમાં કોઈ માટે ભેદભાવ નથી. ભારતના ધર્મો એ સ્રોતમાંથી રચાયા છે અને તેથી જ સહિષ્ણુ છે, પણ હમણાં ઘણાં વરસોથી જે સંસ્કૃત ભાષામાં હોય તેનો વિરોધ કરવો તેવી હઠ લઈને ઘણાં લોકો બેઠાં છે. ભારતના વિજ્ઞાનીઓ શુક્રવારે એકસોમું આકાશી મિશન લોન્ચ કરવાના હતા તેની સમાંતરે દેશમાં ડિબેટ થઈ રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દેશનાં ૧,૧૦૦ કેન્દ્રીય વિદ્યાલયોમાં ગવાતી પ્રાર્થના ઘાર્મિક છે કે આધ્યાત્મિક છે? એ સંસ્કૃતમાં છે તેથી હિંદુવાદી છે, હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એવી દલીલ થઈ રહી છે.

મધ્ય પ્રદેશના વિનાયક શાહ નામના એક નિરીશ્વરવાદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે કેન્દ્રીય વિદ્યાલયોમાં જે પ્રાર્થના ગવાય છે તે ભારતીય બંધારણની કલમ ૨૮નો ભંગ કરે છે. અન્ય ધર્મના વિદ્યાર્થીઓને તે બોલવી પડે છે. નમસ્તેની મુદ્રામાં હાથ જોડીને અને આંખો બંધ કરીને તે બોલવાની હોય છે અને શિક્ષકોએ તે જોવાનું રહે છે કે તેઓ એ શિસ્તનું પાલન કરે. અન્યથા શિક્ષક વિદ્યાર્થીને સજા કરી શકે છે. વિનાયક શાહનું કહેવું છે કે ઘણા વિદ્યાર્થીઓ નિરીશ્વરવાદી હોય કે હિંદુ સિવાય બીજા કોઈ ધર્મના હોય તો તેમના અધિકારોનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીર ગણી ભારત સરકાર પાસેથી જવાબ માગ્યો છે અને નવી ચર્ચા શરૂ થઈ છે. બે પ્રાર્થના સંસ્કૃતમાં છે. હિન્દીમાં પણ પ્રાર્થના છે જેમાં અરેબિક અથવા ઉર્દૂ શબ્દો છે. તમસો મા જ્યોતિર્ગમયનો અર્થ એવો છે જેનો કોઈ ધર્મ વિરોધ ન કરી શકે, જેમ કે, પ્રભુ, અજ્ઞાનતા, અંધારામાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્ય તરફ અને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જા. બીજી પ્રાર્થના છે ઓમ સહનોભુનક્ત, જેનો ટૂૂંક અર્થ છે કે પ્રભુ તને સાથે રાખીને અમે બધા સાથે મળીને સારાં કાર્યો કરીએ. કયો ધર્મ આનો વિરોધ કરી શકે?

ચર્ચા શરૂ થઈ ત્યારે અમુક જ્ઞાની મુસ્લિમોને બાદ કરતાં ઘણાં મૌલવીઓ પ્રાર્થનાનો વિરોધ કરવા આવી ગયા. અમુક હિંદુઓ પણ સાથે જોડાયાં છે. ખાસ કરીને એ રાજકીય પક્ષોના નેતાઓ જેમની નોકરીઓ અને દાળ-રોટી મુસ્લિમોના મતો પર નિર્ભર કરે છે. સર્વધર્મ સમભાવ જરૂર હોવો જોઈએ પણ આ પ્રાર્થનાઓમાં એવું શું છે કે સર્વધર્મ સમભાવની ભાવના મટી જાય છે? રહી વાત નિરીશ્વરવાદી વિદ્યાર્થીઓની, તો તેઓને પુખ્ત થઈને પોતાની રીતે વિચાર કરવા દો. અમુક રાજકીય પક્ષના પ્રવક્તાઓને આ આખી ઘટનામાં ભાજપનું કાવતરુંં જણાયું પણ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રાર્થના અને તે માટેની શિસ્તની જોગવાઈનો નિર્ણય મનમોહનસિંહની યુપીએ સરકારમાં કપિલ સિબ્બલ પ્રધાન હતા ત્યારે લેવાયો હતો. આજકાલ શાળાઓમાં કોઈ ભારે શિક્ષા કરવામાં આવતી નથી અને જેઓ નિરીશ્વરવાદી હોય તે વાલીઓએ શાળામાં જઈને રજૂઆત કરવી જોઈએ કે અમે ભગવાનમાં માનતા નથી તેથી અમારુંં બાળક પ્રાર્થના ગાશે નહીં. બંધારણ પ્રમાણે આટલી છૂટ આપી શકાય. સર્વોચ્ચ અદાલત આ મુદ્દા પર જ વિચારણા કરશે એવું ફરિયાદનું હાર્દ જોતાં લાગી રહ્યું છે.

પણ અમુક લોકોને એ વાંધો છે કે પ્રાર્થના સંસ્કૃતમાં છે. તેઓ સવાલ કરે છે કે સંસ્કૃતમાં શું કામ? જેમણે બાબાસાહેબ આંબેડકરને બરાબર સમજ્યા નથી તેઓ, ખાસ કરીને સવર્ણો તેમનો વિરોધ કરતા હોય છે પણ બાબાસાહેબે ભારતને એક રાખે એવી તમામ નીતિઓની હિમાયત કરી હતી. એમની ઇચ્છા હતી કે સંસ્કૃત દેશની રાષ્ટ્રભાષા બને અને જો બની હોત તો આજે દક્ષિણનાં રાજ્યોને હિન્દી સામે વાંધો છે તે સંસ્કૃત સામે ન હોત. તેઓની ભાષાઓ પણ સંસ્કૃતથી પ્રચૂર છે પણ સંસ્કૃતને હિંદુ ધર્મની ભાષા માનીને વિધર્મીઓ તેનો વિરોધ કરે છે. બાળાસાહેબ ઠાકરે સામેના કેસમાં ત્યારના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. એમ. વર્માએ ચુકાદો આપ્યો હતો કે હિંદુ એ કોઈ ધર્મ નથી પણ જીવન-પ્રણાલી છે. વેદો અને ઉપનિષદોની ભાષા સંસ્કૃત છે તે એનું માધ્યમ છે પણ તે વિધર્મીઓને રુચતું નથી. કાલે તેઓ ભારત સરકારનાં સૂત્ર ‘સત્યમેવ જયતે’નો વિરોધ કરશે. ભારત નામ પણ સંસ્કૃત છે. ભારતની સરકારી સંસ્થાઓનાં સિદ્ધાંત-વાક્યો સંસ્કૃતમાં છે. શું તેનો પણ વિરોધ કરવાનો? સંસ્કૃતમાં હોવાને કારણે યોગ અને આયુર્વેદનો પણ વિરોધ થઈ ચૂક્યો છે, પરિણામે તેઓ આરોગ્યપ્રદ લાભથી વંચિત રહી જાય છે. થોડો સમય અગાઉ પાકિસ્તાનમાં નવાઝ શરીફ(વડા પ્રધાન હતા ત્યારે) અને બીજા રહેનુમાઓની હાજરીમાં પાકિસ્તાનની બાળાઓએ ગાયત્રીમંત્રનું પઠન કર્યું હતું. સોશિયલ મીડિયામાં એ વીડિયો વાઇરલ થયો હતો તે સાચો હોય તો સદ્ભાવનાનું પ્રતીક છે. ‘અલ્લા હુ અકબર'(ઈશ્વર મહાન છે) તે બોલવાનો કોઈને પણ વાંધો ન હોવો જોઈએ. અરેબિકમાં છે તેથી સત્યને ર્વિજત ન ગણી શકાય.

ભારત એક ધર્મનિરપેક્ષ દેશ જરૂર છે પણ તેથી ભારતની સંસ્કૃતિની નિંદા કરવી, નફરત કરવી તે સ્વીકાર્ય નથી. સિત્તેર વરસથી આ પ્રાર્થના કેન્દ્રીય વિદ્યાલયોમાં ગવાય છે તેથી શું નફરત વધી ગઈ? વિદ્યાર્થીઓે મોટા થઈને હિંદુ ત્રાસવાદીઓ બન્યા? ના, બિલકુલ નહીં પણ મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ત્રાસવાદી બને છે તેમ પાકિસ્તાનના લશ્કરના એક ઉચ્ચ અધિકારી અને ભારતમાં શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષનું પણ કહેવં છે. હમણાં એમનાં કથનથી બબાલ મચી ગઈ હતી. એમણે કહ્યું હતું કે કટ્ટર ઘાર્મિક શિક્ષણથી કોઈ એન્જિનિયરો કે ડોક્ટરો પાકતા નથી, માત્ર થોડા મૌલવીઓ અને ત્રાસવાદીઓ પેદા થાય છે. દુનિયા સમક્ષ તેના પુરાવા છે. દુનિયાના સૌથી મોટા ગણાતા મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાએ સંસ્કૃત શબ્દો અને સંંસ્કૃત જાળવી રાખ્યાં છે પણ ભારતમાં તેમ થાય તો તેનો વિરોધ થાય છે. ભારતના તમામ નહીં તો પણ અમુક મુસ્લિમોએ ઉદારદિલ બનવાની જરૂર છે, જોકે વિવાદની શરૂઆત હિંદુઓએ જ કરી છે. વિનાયક શાહના વકીલ પલ્લવી શર્મા પ્રાર્થનાનો એ રીતે વિરોધ કરી રહ્યાં હતાં કે જાણે સતીપ્રથાનો વિરોધ કરતા હોય. સુપ્રીમ કોર્ટે અરુણા રોય વિરુદ્ધના એક ચુકાદામાં કહ્યું હતું કે દરેક જગ્યાએથી સંસ્કૃતનો નાશ કરવાનો જાણે કે કાર્યક્રમ ચાલી રહ્યો છે, જોકે અદાલતો જ્યારે હોય ત્યારે હિંદુઓને સહિષ્ણુ અથવા ટોલરન્ટ બનવાના જ ઉપદેશો આપતી હોય છે, તો પ્રાર્થના જેવી બાબતોમાં અદાલતો અને વિધર્મીઓએ પણ સહિષ્ણુ બનવું જોઈએ. આ પ્રાર્થનાઓ ઘાર્મિક નથી, આધ્યાત્મિક છે. જો સંસ્કૃત અને તેમાં લખાયેલાં શાસ્ત્રોનો વિરોધ કરવો હોય તો ‘શૂન્ય'(ઝીરો)નો પણ વિરોધ કરીને લોકોએ ગણિત બંધ કરી દેવું જોઈએ. આજે કમ્પ્યૂટરના લોજિક સાથે સૌથી વધુ બંધ બેસે તેવી કોઈ સૌથી લોજિકલ ભાષા હોય તો તે સંસ્કૃત છે. પ્રોગ્રામ લખવા માટે સૌથી ઉપયુક્ત ભાષા છે. ઉર્દૂ ભાષાની તહેજીબ અને પરશિયનની મીઠાશ પણ સ્વીકાર્ય છે. જર્મન વિદ્વાન મેક્સમૂલર સંસ્કૃત ગ્રંથોને માથે ચડાવીને નાચ્યા હતા. ભારતમાં સંસ્કૃતના વિરોધને કારણે વેદોની અવગણના થઈ રહી છે. સોમનાથનું મંદિર તોડવાના અને મોગલોના અમુક પ્રકરણોને નેવે મૂકીને શાળાઓમાં વેદ વિશેનું એક પ્રકરણ હશે તો નહેરુ ખાનદાન ભલે નારાજ થાય પણ તમામ ધર્મોના વિદ્યાર્થીઓ માટે તે હિતકારી નીવડશે.