Schwok was spoken in Surat and Puja took place in Canada in an NRI Gujarati family
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સત્ય નારાયણ દેવની અનોખી કથા: શ્લોક સુરતમાં બોલાયા અને પુજા કેનેડામાં NRI ગુજરાતી પરિવારમાં થઈ

સત્ય નારાયણ દેવની અનોખી કથા: શ્લોક સુરતમાં બોલાયા અને પુજા કેનેડામાં NRI ગુજરાતી પરિવારમાં થઈ

 | 9:51 am IST
  • Share

વૈશ્વિક મહામારી કોરોના (Global Epidemic Corona)ને કારણે લોકોના જીવનની પરિભાષા બદલાઇ ગઇ છે. સામાજિક (Social), શૈક્ષણિક (Educational) અને ધાર્મિક ક્ષેત્રે (Religious sector) અકલ્પનીય પરિવર્તન નોંધાયું છે. લોકડાઉન (Lockdown)ના કપરા દિવસો દરમિયાન રેગ્યુલર ધોરણે વિદ્યાર્થીઓ (Students)નું શિક્ષણ ઓનલાઇન (Education online), બિઝનેસની મિટિંગ ઓનલાઇન (Business Meeting Online) તો મંદિર (Temple)માં પ્રભુના દર્શન પણ ઓનલાઇન કરવાનો નવો શિરસ્તો શરૂ થયો છે.

એકાએક બદલાયેલી દશા અને દિશા વચ્ચે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન સત્ય નારાયણ ભગવાનની કથા પણ હવે સાત સમંદર પાર ઓનલાઇન કરાવવાનું શરૂ છે. સુરતના ગોર બ્રાહ્મણે ઘર બેસી કેનેડામાં સ્થાયી થયેલા NRI ગુજરાતી પરિવારમાં સત્ય નારાયણ ભગવાનની ઓનલાઇન પૂજા કરાવી છે.

હિન્દુ ધર્મમાં સત્યનારાયણ દેવની પૂજાનું સવિશેષ મહત્વ છે. કરોડો લોકો આ પૂજા સાથે અતૂટ અને અનોખી રીતે આસ્થાથી જોડાયેલા છે. ઘર, ઓફિસ કે ધંધાકીય સ્થળે શુભ કાર્યની શરૂઆત પહેલા પરિવાર સાથે શ્રધ્ધાભેર કથાનું આયોજન કરવામાં આવે છે. પરાપર્વથી ચાલી આવતી આ પરંપરામાં હવે આધુનિકતાનો સમન્વય થયો છે. પરદેશમાં રહી સ્વદેશની યાદો, પરંપરા અને સંસ્કૃતિથી જોડાયેલા સંખ્યાબંધ લોકો સત્યનારાયણ ભગવાનની રેગ્યુલર ધોરણે પૂજા કરાવે છે.

ભારતની જેમ કેનેડામાં પણ કોરોનાની મહામારી અને લોકડાઉનના ગ્રહણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘરમાં આધ્યાત્મિક માહોલ જળવાય રહે. હિન્દુ દેવી-દેવતાઓની દિવ્યતાનો પ્રકાશ ફેલાયેલો રહે તે માટે મૂળ સુરતી હિરેન અનાજવાલાએ કેનેડા સ્થિત તેમના નવા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથાનું ઓનલાઇન આયોજન કર્યું હતું.

પાલ ગૌરવ પથ રોડ વિસ્તારના ગૌર બ્રાહ્મણ દેવાંગ હરિહરભાઇ વ્યાસ દ્વારા તાજેતરમાં આ અનોખી ઓનલાઇન કથા કરવામાં આવી હતી. આ અંગે તેમણે કહ્યું કે, લોકડાઉનથી સામાજિક શૈલી બદલાઈ છે. ઓનલાઇન પૂજાનો નવો અધ્યાય શરૃ થયો છે. મૂળ સુરતના વતની અને છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં રહેતા યજમાન હિરેન અનાજવાલાએ બ્રેન્ટોન સિટીમાં નવું ઘર ખરીદ્યું છે. ગૃહપ્રવેશ નિમિત્તે સૌથી પહેલા સત્ય નારાયણ દેવની પૂજા કરાવવા તેમને અદમ્ય ઇચ્છા વ્યક્ત કરી હતી.

સુરતમાં રહેતા તેમના પરિવાર સાથે ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ ઓનલાઇન કથા યોજવાનું આયોજન નક્કી કરાયું હતું. તારીખ અને સમય નક્કી થયા બાદ બેથી અઢી કલાક સુધી સત્ય નારાયણ ભગવાનની ઓનલાઇન પૂજા કરાવાઇ હતી. કેનેડાના સમય મુજબ સવારે નવ કલાકે તો ભારતીય સમય પ્રમાણે રાતે આઠ વાગ્યે પૂજા શરૂ થઇ હતી.

દક્ષિણા પણ ઓનલાઇન અપાઇ

કથા પૂર્ણ થયા બાદ બ્રાહ્મણને દક્ષિણા આપવામાં આવે છે. આ ઓનલાઇન કથા પૂર્ણ થયા બાદ મહારાજને દક્ષિણ પણ શ્રધ્ધાભેર અપાઇ હતી.ઓનલાઇન દક્ષિણા આપવામાં આવી હોવાનું મહારાજ દેવાંગ વ્યાસે જણાવ્યું હતું. આ અગાઉ ભારતમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન મે મહિનામાં પણ યુએસ ખાતે ઓનલાઇન સત્યનારાયણ દેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જુઓ આ પણ વીડિયો; રસી લેનારને નહીં મળે પસંદગીનો અવકાશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન