ગૃધ્રસી-સાયટિકાનો સરળ ઉપચાર - Sandesh

ગૃધ્રસી-સાયટિકાનો સરળ ઉપચાર

 | 1:16 am IST

નિરામય । વૈદ્ય મનુભાઈ ગૌદાની

આવખતે અહીં વાયુના પ્રકોપથી થતી એક વ્યાધિનો સંક્ષિપ્ત પરિચય કરાવવાનો ઉપક્રમ છે. આયુર્વેદના ગ્રંથોમાં આ વ્યાધિનો ‘ગૃધ્રસી’ લોકવ્યવહારમાં ‘રાંઝણ’ અને અંગ્રેજીમાં ‘સાયટિકા’ કહેવામાં આવે છે.

આ રાંઝણનો દુખાવો એક વિશેષ પ્રકારની અનુભૂતિ કરાવે છે અને તે કમરના ચોથા-પાંચમા મણકાથી ચાલુ થઈ નિતંબનો મધ્ય ભાગ, ઉરુ, જાનુ-સાથળ, પીંડીથી છેક પગની પાની સુધી અને પગની પાછળના ભાગે જ થાય છે. જેને લીધે પગમાં જકડાટ, તાણ અને સોયો ભોંકાતી હોય એવી તીવ્ર વેદના થાય છે. આયુર્વેદિય સિદ્ધાંત પ્રમાણે વાયુના પ્રકોપ વગર દુખાવો વેદના થાય નહીં. એટલે જ વાયુના ૮૦ પ્રકારના રોગોમાં આ ગૃધ્રસી-સાયટિકાનો પણ સમાવેશ થાય છે.

ગૃધ્રસી નામની આપણા શરીરની સૌથી મોટી નાડી-નર્વમાં સોજો આવી જવાથી કે તેની ગાદીમાં ખસી જવાથી આ વિકૃતિની ઉત્પત્તિ થાય છે. આ રોગની ઉત્પત્તિના મૂળભૂત કારણોમાં પડી જવું, કંઈ વાગવું, ઘોડેસવારી, વાહનમાં પછડાવું, કબજિયાત, શીતળ વાયુનું સેવન, ઉદર ટયૂમર, મધુપ્રમેહની વિષાકતતા, કમરના હાડકાંઓના કે મણકાના રોગો, સખત પરિશ્રમ, પગ ખાડામાં પડવો, વાગવું, ખેંચાવું વગેરે ગણાવાય છે.

આ રાંઝણ સાયટિકાનો દુખાવો કમર અને નિતંબથી શરૂ થઈને પગની પાછળના ભાગમાં સાથળ, પીંડી અને છેક પાની સુધી જાય છે. આ વ્યાધિનો પ્રારંભ પગની પાછળના ભાગમાં ઝણઝણાટ અને શૂન્યતા-જડતાથી થાય છે. ત્યાર પછી કોઈ પણ વખતે તેના તીવ્ર દુખાવા વખતે અંદર કંઈ ચીરાતું હોય, ભોંકાતું હોય, દબાતંુ હોય એવી વેદના થાય છે. ઊઠવા-બેસવાથી, ચાલવાથી, સૂવાથી, હસવાથી, ઉધરસ ખાવાથી આ દુખાવો વધી જાય છે. રોગી એક તરફ નમીને લંગડાતો ચાલે છે. આક્રાંત ભાગનું શરીર થોડું નમી જાય છે. આ રોગ જૂનો થવાથી પેશીઓનો સ્નાયુઓનો ક્ષય-હ્રાસ થાય છે. આ રોગમાં મોટાભાગે એક જ પગની નાડી આક્રાંત થાય છે. જો આ રોગની ઉપેક્ષા કરવામાં આવે તો તે ચિરકાળનું બંધી-ક્રોનિક બની જાય છે. ઘણાં દર્દીઓમાં આ રોગ અમુક સમય શાંત થઈ જાય છે અને તેને અનુકૂળ કારણો મળતા તે ફરી ઉત્પન્ન થાય છે.

ઉપચાર

આયુર્વેદિય દર્દીની દૈહિક પ્રકૃતિ, સાર, સંહનન, દોષ, રોગનો પ્રકાર, ઋતુ, સાત્મ્ય, બળ વગેરે અનેક બાબતો ધ્યાનમાં રાખી પ્રયોજાય છે અને આ બાબતોને આધારે જ ષધ, તેની માત્રા, અનુપાન, પરેજી વગેરે ગોઠવાય છે. એટલે એક જ રોગના બે દર્દીઓમાં ઉપચાર ક્રમની ભિન્નતા જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખી સાયટિકા-ગૃધ્રસીનો વિશેષ નહીં, પરંતુ સામાન્ય ઉપચારક્રમનું નિરૂપણ કરું છું.

  • ગૃધ્રસી ‘વાયુ’દોષ પ્રધાન રોગ હોવાથી ‘માત્રા બસ્તિ’નું વિશેષ મહત્ત્વ છે. એકાંતરે દિવસે અથવા દર ત્રીજે દિવસે અડધો કપ જેટલા એરંડિયા તેલની સવારે મળ પ્રવૃત્તિ પછી ડાબા પડખે સૂઈને ધીમેથી માત્રા બસ્તિ અથવા ડૂશ લેવો. માત્રા બસ્તિને લઘુ એનિમા પણ કહી શકાય.
  • નગોડના તેલનું નીચેથી ઉપરની ગતિએ માલિશ કરીને હળવો શેક કરવો. સિંધવાદિ તેલ, મહાવિષગર્ભ તેલ કે મહાનારાયણ તેલથી પણ માલિશ કરી શકાય.

મહારાસ્નાદિ ક્વાથ : અડધા કપની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે પીવો.

  • નગોડ, આકડો, એરંડો, ધતૂરો, શેફાલી જેવા પર્ણો મળે તેને સહેજ તલનું તેલ લગાડી ગરમ કરી દુખાવાના મૂળ સ્થાને મૂકી પાટો બાંધવો.
  • ત્રયોદશાંગ ગૂગળ બે બે ગોળી સવારે અને રાત્રે લેવી.

વાવિધ્વંસક રસ : એક એક ટેબ્લેટ સવારે અને રાત્રે લેવી.

  • વાયુ વધારે એવા આહાર વિહારનો ત્યાગ કરવો. ઊભડક બેસવું નહીં. પલાંઠી વાળીને બેસવું નહીં. સાઇકલ ચલાવવી નહીં. વાંકા વળાય એવા પરિશ્રમથી બચવું. ટૂંટિયું વાળીને સૂવુંનહીં. પાટ ઉપર ચત્તું અને સીધું સૂવું.

ગાગરમાં સાગર

અશ્વગંધાને આયુર્વેદમાં ‘બૃંહણ’ કહેવાયું છે. બૃંહણનો અર્થ થાય હૃદય પુષ્ટ કરનાર અથવા વજન વધારનાર. જેમનું શરીર વધતું ન હોય, તેમણે ધીરજપૂર્વક અશ્વગંધાનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ જેટલા બકરીના દૂધમાં એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ અને એક ચમચી સાકર નાખી તેને ઉકાળવું. ઠંડું પડે એટલે રાત્રે જમ્યા પછી પી જવું. જો બીજી કોઈ શારીરિક તકલીફ હોય તેનો પણ ઉપચાર કરાવવો.