વિજ્ઞાન, વિજ્ઞાની અને રાજકારણી - Sandesh

વિજ્ઞાન, વિજ્ઞાની અને રાજકારણી

 | 12:42 am IST

કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલર અણુબોમ્બ (પરમાણુ બોમ્બ) બનાવશે એવા ખબર જાણીને આઈન્સ્ટાઈને અમેરિકાને વહેલી તકે એ બનાવવાની સલાહ આપેલી. એ મહાન વિજ્ઞાનીની ઈચ્છા બોમ્બનું પરીક્ષણ કરીને હિટલરને યુદ્ધ સમાપ્ત કરવાની ફરજ પાડવાની હતી. એના બદલે રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બનેલ હેરી ટ્રુમેને એનો ઉપયોગ જાપાન ઉપર કર્યો. જાપાનનું લશ્કર લડતું હતું. જાપાનની લશ્કરી છાવણી ઉપર બોમ્બ નાખવાની આજ્ઞા કરી હોત તો કંઈક પણ ઠીક ગણાત, પરંતુ હિરોશીમા અને નાગાસાકી જેવાં બે શહેરો ઉપર બોંબ ઝીકીને લાખો માણસોને મારી નાખવાની વાત કોઈને યોગ્ય લાગતી નહોતી.

એ શહેરો ઉપર નાખેલા બે બોમ્બને કારણે માત્ર માણસોનું જ નહીં, પ્રાણીઓ, નાનકડાં જીવ-જંતુઓ અને વનસ્પતિનો પણ કલ્પના ન કરી શકાય એટલો વિનાશ થયો. નિર્દોષ માનવીઓ તો ઠીક વનસ્પતિ અને પ્રાણીઓ સાથે અમેરિકાને શું દુશ્મનાવટ હતી?

કહે છે કે વિમાનમાંથી બોમ્બ નાખનાર માણસ પોતાના હાથે થયેલ વિનાશ જોઈને ગાંડો થઈ ગયો હતો અને, મરતાં સુધી ગાંડો રહ્યો હતો. આઈન્સ્ટાઈને ધ્વંસની એ વાત જ્યારે જાણી ત્યારે કહેલું કે, પોતે વિજ્ઞાની બનવાને બદલે સુથાર બન્યો હોત તો સારું હતું. એ શબ્દો કદાચ એમના હોય કે ન હોય, પણ ત્યાર પછીની એમની જિંદગીમાં એમણે યુદ્ધ અને વિનાશ રોકવા માટે શક્ય એટલા પ્રયત્નો કર્યા હતા. બ્રિટિશ ફિલસૂફ બટ્રાન્ડ રસેલે તો ધરણા કરીને ધરપકડ વહોરી લીધી હતી.

પરંતુ ટ્રમેનને તો એ કામથી કશો જ અફસોસ થયો નહોતો No remorse! એમણે તો જાણે પોતાના જીવનનું કોઈ મહાન કાર્ય કર્યું હોય એમ કહ્યું હતું કે, ફરી એવી પરિસ્થિતિ ઊભી થશે તો ફરી પોતે એવા જ આદેશો આપશે.

અમેરિકા માનતું હતું કે એની પાસે અણુશસ્ત્રો હોવાથી દુનિયા ઉપર એ એક હથ્થુ સત્તા ભોગવશે, પરંતુ એવું બન્યું નહીં. એ વખતે રશિયામાં સામ્યવાદી સરકાર હતી. એણે અણુરહસ્ય મેળવી લીધું હતું અને અણુબોમ્બ બનાવીને અમેરિકાને આશ્ચર્યચક્તિ કરી દીધું હતું.

એ પછી તો ચાઈનામાં પણ સામ્યવાદ ફેલાયો અને માઓત્સે તુંગે (માઓ ઝે ડોંગે) અમેરિકાની મશ્કરી કરતાં કહ્યું કે, અણુબોમ્બ તો કાગળનો વાઘ છે, અને પછીના વર્ષોમાં ચીને પણ કાગળનો વાઘ બનાવ્યો. આ રીતે દુનિયામાં નવી જ શસ્ત્ર હરીફાઈ શરૂ થઈ અને આ હરીફાઈ નિર્દોષ માણસોને મારવાની હતી.

આજે સ્થિતિ એ છે કે અમેરિકા, રશિયા, ચીન જેવાં બીજા દેશો પાસે પણ એટલાં અણુશસ્ત્રો છે કે આ દુનિયાનો અનેકવાર નાશ કરી શકે અને નાશ કરવાનું તો એક જ વાર પૂરતું છે.

ભૂતકાળમાં રાજ્યનું ભાવિ નક્કી કરવા માટે, એટલે કે દેશ ઉપર રાજ કરવા માટે યોદ્ધાઓ લડતા હતા.

મહાભારતનું યુદ્ધ પણ હસ્તિનાપુરની રાજગાદી માટે હતું, પરંતુ એ યુદ્ધ પણ બે પક્ષો વચ્ચેનું- સૈન્યનું યુદ્ધ હતું. લડાઈમાં હસ્તિનાપુરના પ્રજાજનોને મારી નાખવાની કે હસ્તિનાપુરનો નાશ કરવાની વાત નથી.

શહેરોને બાળી મૂકવાની અને શહેરના માણસોની કતલ કરવાની વાત માત્ર ચંગેઝખાન સાથે જોડાયેલી જોવા મળે છે, પરંતુ આજના સુધરેલા કહેવાતા દેશો જે વિનાશ વેરી રહ્યા છે એની તોલે આવી શકે એવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી.

કારણ?

કારણ કે, અગાઉના યુદ્ધો દેશ જીતીને એના ઉપર રાજ કરવા માટેના હતા. ચંગેઝખાન કે નાદિર શાહ જેવાં બે-પાંચને બાદ કરતાં, વિજેતાઓ જીતેલા દેશ ઉપર રાજ કરતા. પણ આજે બદલાયેલા જમાનામાં પોતાના દેશને આબાદ કરવા માટે બીજા દેશને બરબાદ કરવાની વાત છે. બીજાનું શોષણ કરીને પોતે તગડા થવાની વાત છે. આજે એક દેશ બીજા આખા દેશનું શોષણ કરે છે. આજે ખનીજ તેલ અને બીજા કીમતી ખનીજનાં ક્ષેત્રો ઉપર કબજો મેળવીને લૂંટ કરવાની વાત છે.

આ શક્ય બન્યું છે, કારણ કે વિજ્ઞાનનો વિકાસ ગુણાકારમાં થયો છે અને વિજ્ઞાનીઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. હર્તાકર્તા રાજકારણીઓ બની ગયા છે.

અણુશક્તિ એ એક એવી શક્તિ છે કે જે પૃથ્વી ઉપર સ્વર્ગ ખડું કરી શકે છે. કેમિસ્ટ્રી, બાયોલોજી- રસાયણશાસ્ત્ર અને જૈવિકશાસ્ત્રનો એટલો વિકાસ થયો છે કે દુનિયાના લોકો ગમે તેટલું ખાય તોય ખૂટે નહીં એટલું અનાજ પેદા થઈ શકે, પરંતુ રાજકારણીઓ વધારાનું અનાજ સડવા દેવાનું કે દરિયામાં પધરાવી દેવાનું પસંદ કરે છે પણ ભૂખ્યા લોકોના પેટમાં એ જાય એવું કરતા નથી.

હા, વર્ષે બે વર્ષે દુનિયાના કેટલા દેશોમાં ભૂખમરો છે અને કેટલા લોકો અપોષણથી પીડાય છે, એના આંકડા એમના વર્ચસ્વ નીચે રહેલી રાષ્ટ્રસંસ્થા અચૂક બહાર પાડે છે અને, એ રીતે પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ મેળવી લે છે.

બીજી તરફ રાજકારણીઓ એ જ રસાયણશાસ્ત્રનો દુરુપયોગ કરીને રાસાયણિક શસ્ત્રો બનાવે છે. આવા શસ્ત્રો ઉપરનો પ્રતિબંધ કોઈ દેશ પ્રમાણિક્તાથી સ્વીકારતો નથી. જ્ઞાન ઉપરનો કબજો રાજ કરવાવાળાઓએ મેળવી લીધો છે.

હવે માનવરહિત યુદ્ધ વિમાનો અને ડ્રોન જેવા રોકેટો બનાવાની હરીફાઈ ચાલે છે. નાનાં અણુશસ્ત્રો બનાવવાનું પણ શરૂ થયું છે કે જેના ઉપયોગથી નક્કી કરેલા દેશને ટાર્ગેટ કરીને એના ખનીજ અને તેલના માલિક બનીને વધુ લાભ લઈ શકાય.

ધનવાન અને બળવાન દેશો ગરીબ અને અવિકસિત કહેવાતા દેશોમાં લોકશાહી દ્વારા વિકાસની વાત કરીને, પ્રજાની જાગૃતિની વાત કરીને

કે તાનાશાહોને હટાવવાની વાત કરીને, એવા દેશોની કુદરતી સંપત્તિ ઉપર કબજો જમાવી દે છે અને એ માટે પ્રજાના માણસોને મારવા પડે તો એમાં પણ એમને કોઈ અફસોસ થતો નથી.

ઈરાકમાં સદમ હુસેનની એકહથ્થુ સત્તા ખતમ કર્યા પછી ઈરાકના લોકો આજે કેટલા સુખી થયા છે? અંદરોઅંદર લડાવવાની બ્રિટનની જૂની પદ્ધતિ હજુ પણ શક્તિશાળી દેશો અપનાવી જ રહ્યા છે. ‘ઓઈલ’નું પાકું થતું હોય તો બીજી ચિંતા એ લોકો કરતા નથી.

આપણે સ્પેસશિપની અને એમાં કોઈક મૂળ ભારતીયની વાત વાંચીએ છીએ ત્યારે ધન્યતા અનુભવીએ છીએ. પરંતુ એ જ સ્પેસશિપથી થયેલ સંશોધનનો ઉપયોગ ક્યારેક નિઃસહાય લોકો અને એમની માલમિલકતનો નાશ કરવા થશે એવો વિચાર આપણે ભાગ્યે જ કરીએ છીએ.

વિજ્ઞાનની નવી નવી શોધો થતી જ રહેશે અને એનો દુરુપયોગ પણ રાજકારણીઓ દ્વારા થતો જ રહેશે.

કોઈ એક વખતે વિજ્ઞાનીઓ આઈન્સ્ટાઈન જેવો આઘાત અનુભવે અને ગાંધીને અનુસરીને જુલ્મી રાજકર્તાઓના હાથા બનવાની ના કહે તો જ આ વાતનો અંત આવશે. આપણે ઈચ્છીએ કે એવા દિવસ વહેલા આવે અને માનવજાત આ પૃથ્વી ઉપર ફાલતી ફૂલતી રહે! બાકી, રાજકર્તાઓને ક્યારેય અફસોસ થતો નથી.

[email protected]