સમુદ્રમાંથી પ્રચંડ ઊર્જા મળશે, કુંડામાં મીટ પાકશે એસ્ટેરોઇડસ કિંમતી ધાતુ આપશે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સમુદ્રમાંથી પ્રચંડ ઊર્જા મળશે, કુંડામાં મીટ પાકશે એસ્ટેરોઇડસ કિંમતી ધાતુ આપશે

સમુદ્રમાંથી પ્રચંડ ઊર્જા મળશે, કુંડામાં મીટ પાકશે એસ્ટેરોઇડસ કિંમતી ધાતુ આપશે

 | 4:32 am IST

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

આજથી સો કે દોઢસો વરસ અગાઉ ભાગ્યે જ કોઇ વિજ્ઞાાનીએ વર્તમાન વિજ્ઞાાનયુગમાં જે આવિષ્કારો અને તેના પ્રતાપે જે જીવનશૈલી વિકસી છે તેની કલ્પના કરી હશે. વિજ્ઞાાન જેમ જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ નવા વિજ્ઞાાનની શક્યતાઓ અને સંભાવનાઓ પણ વિજ્ઞાાનીઓની સમજણમાં વધુ આવી રહી છે. આ સદીમાં માનવજીવન પર તદ્ન નવી જ અને યુગપ્રવર્તક અસર નીપજાવે તેવી કેટલીક હેરતઅંગેજ શોધની શરૂઆત પણ થઇ ચૂકી છે. જેમ કે વાહનવ્યવહારની તરાહ સાવ બદલાઇ જશે. દુનિયામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા નહિવત્ હશે. કસાઇખાનાઓની જરૂરત રહેશે નહીં, મીટ અહિંસક રીતે લેબોરેટરીમાં ઊગાડવામાં આવશે. ચલણી નોટોનો જમાનો જશે. બિટકોઇનની માફ્ક સત્તાવાર (બિટકોઇન સત્તાવાર નથી) કરન્સીથી વહેવારો ચાલતા હશે અને તે માટેની બ્લોકચેઇન ટેકનોલોજી વિકસી રહી છે. દરિયાના પાણીમાંથી પ્રદૂષણરહિત સ્વચ્છ ઊર્જા પ્રાપ્ત થતી હશે વગેરે આ સદીની યુગપ્રવર્તક શોધો પૈકીની હશે.

હમણાં આંકડા પ્રસિદ્ધ થયા તે મુજબ વરસ ૨૦૧૩માં માર્ગ અકસ્માતોને કારણે દુનિયાના ૧૨ લાખ લોકો મરણ પામ્યા હતા અને બે કરોડ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. આમાંના ચાલીસ ટકા મરણ માત્ર ભારત અને ચીનમાં મળીને નીપજ્યાં હતાં. પ્રત્યેક દસમાંથી નવ અકસ્માત માનવીય ભૂલને કારણે સર્જાય છે. જેમાં નશો કરીને વાહન ચલાવવું, બેધ્યાન અને બેદરકારી અને અતિ ઝડપ જેવાં પરિબળો જવાબદાર હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે સ્વયંચાલિત વાહનો દોડતા થશે ત્યારે માર્ગ અકસ્માતમાં થતાં ૯૦ ટકા મરણને નિવારી શકાશે. ૨૦૧૩ના ડેટા અનુસાર વરસે દસ લાખ ૮૦ હજાર લોકોના જીવ બચી જશે. અમેરિકાના વિજ્ઞાાન આધારિત ઉદ્યોગોના સાહસિક ઉદ્યોગવીર ઇલોન મસ્કની ટેસલા કાર કંપની ૨૦૧૯ સુધીમાં સ્વયંચાલિત વાહનો બજારમાં મૂકવા માગે છે. આ બાબતમાં ઘણી પ્રગતિ થઇ છે છતાં સ્વયંચાલિત વાહનો હજી પરફેક્ટ બન્યા નથી. ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે ક્ષતિરહિત સ્વયંચાલિત વાહનો ૨૦૨૫ બાદ જ શક્ય બનશે. જો કે આવનારી નવી ટેકનોલોજી કેટલીક નવી સમસ્યાઓ લાવશે. જેમ કે આ સ્વયંચાલિત વાહનને હેક પણ કરી શકાશે. હેક થાય તો તે અકસ્માત પણ કરી બેસે અને ચોરાઇ પણ જાય. વિજ્ઞાાન તેના પણ ઉપાયો શોધી કાઢશે. ઊંટે કાઢયાં ઢેકાં, તો માણસે બનાવ્યા કાંઠા (ઢેકા પર ફીટ બેસે એવી સીટ).

નોનવેજ બર્ગર એટલે કે પ્રાણીના મીટમાંથી તૈયાર થતા બર્ગરની જગ્યાએ કુંડા કે બેલોરેટરીમાં ઊગાડવામાં આવતા મીટના બર્ગર આવશે. આ માત્ર નરી કલ્પના નથી. શરૂઆત થઇ ચૂકી છે. જીવતા પ્રાણીના શરીરમાંથી સૂક્ષ્મ સ્ટેમસેલ મેળવવામાં આવશે. તેને લેબોરેટરીના કુંડાઓમાં પોષકતત્ત્વો પૂરા પડાશે જેથી તે વિકસીને આરોગી શકાય તેવા બનશે. આ પ્રકારે જે ખોરાક મળે છે, તે લેબ-ગ્રોન મીટ તરીકે ઓળખાતો થયો છે. જે રીતે માછલીની છીપોમાં કૃત્રિમ રીતે મોતી વિકસાવવામાં આવે છે તે સાચા મોતી જેવું જ હોય છે પણ કલ્ચર્ડ મોતી તરીકે ઓળખાય છે તેમ લેબ-ગ્રોન મીટ કલ્ચર્ડ અથવા ક્લીન મીટ તરીકે ઓળખાય છે. ક્લીન એટલા માટે કે આ પ્રકારનું મીટ પેદા કરવામાં પર્યાવરણ પર તેના કોઇ દુષ્પરિણામો નહીં પડે અને વળી અહિંસક હશે. કારણ કે જે પ્રાણીમાંથી સ્ટેમસેલ મેળવ્યા હશે એ પ્રાણીની કતલ કરવાની જરૂર નહીં રહે. ચારેક વરસ અગાઉ થયેલા એક સંશોધનમાં બહાર આવ્યું હતું કે સ્ટેમસેલમાંથી ૧ કિલોગ્રામ મીટ પેદા કરવા માટે જેટલી જમીન જોઇએ તેના કરતાં ૨૦૦ ગણી વધુ જમીન અને ૩૦ ગણુ વધુ પાણી એક જીવતા પ્રાણીના મીટ માટે જરૂર પડે. આ ઉપરાંત જે માનવીય શક્તિ અને વીજળીની જરૂર પડે તેના કરતાં બમણાથી વધુ જરૂર સાચા પ્રાણીને પાળવા માટે પડે છે. જોકે મરઘા-બતકાના મીટ કરતાં લેબ-ગ્રોન મીટ વધુ મોંઘું પડશે, છતાં અમેરિકાની એક સ્ટાર્ટ-અપ કંપનીએ જાહેર કર્યું છે કે તેણે લેબ-ગ્રોન ચીકન અને ડક મીટ પેદા કરવામાં સફ્ળતા મેળવી છે. ૨૦૧૩માં લંડનમાં એક પત્રકાર પરિષદમાં લેબ-ગ્રોન મીટ પકવીને પીરસવામાં આવ્યું હતું. આવતા વરસે અમેરિકન સ્ટાર્ટ-અપ બજારમાં ચિકન અને ડકનું મીટ બજારમાં મૂકવા માગે છે, પરંતુ તેનું ઉત્પાદન હજી એક પડકાર છે. કારણ કે હાલમાં તેનું લેબોરેટરીમાં ઉત્પાદન કરવામાં આવે તો એક કિલો ચિકન માટે લગભગ વીજ હજાર અમેરિકી ડોલર (લગભગ ૧૩ લાખ રૂપિયા)નો ખર્ચ પડે છે. છતાં સમય જતાં તેનું કિફયતી દરે ઉત્પાદન થઇ શકશે. હાલમાં દુનિયાની ૮૦ ટકા કૃષિ જમીન પશુઓના નિભાવ માટે વપરાય છે. લેબોરેટરીમાં તેનું મોટા પાયે ઉત્પાદન શક્ય બનશે ત્યારે ખેતીની જમીન પરનું પ્રાણીઓનું ભારણ ખૂબ ઓછું થશે જે આવનારા દશકાઓ અને સદીઓ માટે એક મહત્ત્વની વૈજ્ઞાાનિક ઘટના હશે.

સમુદ્રના પાણીમાંથી સ્વચ્છ ઊર્જા પ્રાપ્ત કરી શકાય તો દુનિયાના પર્યાવરણ માટે તેનાથી રૂડું બીજું કશું હોઇ ન શકે. પરમાણુ પ્રતિક્રિયા (રિએકશન)ના પરિણામે અખૂટ ઊર્જા પેદા થાય છે. આજના અણુ આધારિત પાવર પ્લાન્ટમાં એક ગ્રામ યુરેનિયમના વિખંડન (ફ્ઝિન)થી જે વીજળી પેદા થાય છે તે એક ગ્રામ કોલસાથી પેદા થતી વીજળી કરતા ૨૭ લાખ ગણી વધારે હોય છે. પણ ફ્ઝિન રિએક્ટરો સાથે ભયંકર જોખમો સંકળાયેલા છે, આથી દુનિયામાં લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. યુક્રેઇન અને જાપાનને તેનો ગમખ્વાર અનુભવ છે. તેની સામે અણુના વિલય એટલે કે સંયોજન (ફ્યુઝન)ના સિદ્ધાંત પર જે રિએકટરો વીજળી પેદા કરે તે સલામત છે. આ ફ્યુઝનથી કચરા તરીકે હિલિયમ નામનો બીન-ઝેરી વાયુ પેદા થાય છે, જ્યારે ફ્ઝિનથી ખતરનાક અણુકચરો પેદા થાય છે. હિલિયમનો ઉપયોગ ફ્ુગ્ગાઓ ચગાવવાથી માંડીને સ્વિત્ઝર્લેન્ડની સરહદ પર વિજ્ઞાાનીઓએ રચેલા લાર્જ હેડ્રોન કોલાઇડર માટે પણ થાય છે.

વળી ફ્યુઝન માટે જરૂરી બળતણ મેળવવાનું ઘણું સહેલું છે. ડિયુટેરિયમ અને ટ્રિટિયમ તત્ત્વોની ફ્યુઝન માટે જરૂર પડે જેમાં ડિયુટેરિયમ સમુદ્રના પાણીમાં પુષ્કળ માત્રામાં હોય છે અને લિથિયમમાંથી ટ્રિટિયમ પેદા કરી શકાય. વળી ફ્ઝિન (વિખંડન) પ્રક્રિયામાં યુરેનિયમના એક ગ્રામ દીઠ0020જેટલી ઊર્જા પેદા કરી શકાય તેની ચાર ગણી ઊર્જા ફીઝન અર્થાત્ વિલય કે સંયોજનની પ્રક્રિયા વડે પેદા કરી શકાય. કોલસા કરતાં એક કરોડ તેર લાખ ગણી વીજળી વિલય પ્રક્રિયાથી મળે. માત્ર એક ગ્રામના સંયોજનથી એટલી વીજળી મળે કે તેનાથી એક મોટા સ્વિમિંગ પુલનું પાણી ઊકળવા માંડે.

સમસ્યા એ છે કે હજી માનવી ફ્યુઝન માટે વ્યવહારિક પદ્ધતિ શોધી શક્યો નથી. વરસોથી વિજ્ઞાાન જગતમાં કટાક્ષમાં કહેવાતું આવ્યું છે કે ફ્યુઝન પાવર મેળવતા હજી ૩૦ વરસ લાગશે અને હંમેશને માટે ૩૦ વરસ લાગશે. કારણ કે અનેક દાયકાઓ વિતિ ગયા છતાં ફ્યુઝનથી વીજળી વ્યવહારમાં શક્ય બની નથી. પણ આ સદીમાં એ સ્થિતિ બદલાશે. તેની સાથે રહેલા કેટલાક પડકારોના છેલ્લા બે દાયકામાં ઉકેલો શોધી કાઢવામાં આવ્યા છે, અને આ ક્ષેત્રમાં મોટા પાયે મૂડીરોકાણ થઇ રહ્યું છે. સ્વચ્છ વીજળીનો અખૂટ પ્રવાહ મળશે તે શક્યતાથી દુનિયાની સરકારો અને ઉદ્યોેગોને તેમાં ઘણો રસ છે. દુનિયાના વિકસિત ૩૫ દેશો તે ઇરાદાથી એકઠા થયા છે અને ફ્રાન્સમાં દુનિયાની સૌથી મોટી ફ્યુઝન સિસ્ટમ જે ટોકામાક તરીકે ઓળખાય છે તે બાંધી રહ્યા છે. ૨૦૨૫ સુધીમાં તેના સારા ફ્ળ મળશે એવી ગણતરી છે.

નાસા દ્વારા મંગળ ગ્રહ પર ૧૪ ફીટનો બોર કરે તેવા સાધન સાથેનું મિશન ૨૦૧૮માં છોડવામાં આવશે. પણ તેનાથી પણ ટૂંકાગાળામાં ફયદાકારક જો કોઇ વાત હશે તો તે આકાશમાં ફ્રતા સેંકડો મીટર કે કિલોમીટરો લાંબા-પહોળા લઘુગ્રહો (એસ્ટેરોઇડસ) પર મિશન મોકલીને ત્યાંથી કિંમતી ધાતુઓ, પથ્થરો અને પાણી લાવવાની હશે. દુનિયાની ઘણી કંપનીઓ આ બાબતને ગંભીરતાથી લઇ રહી છે. આ હેતુ માટે ગુગલના સહસ્થાપક લેરી પેજ અને હોલિવૂડના પ્રસિદ્ધ ફ્લ્મિ દિગ્દર્શક જેમ્સ કામેરોને મળીને ‘પ્લાનેટરી રિર્સોિંસઝ’ નામક કંપની શરૂ કરી છે. આપણી સૂર્યમાળામાં ઘણા એસ્ટેરોઇડઝ પર સોનંુ, પ્લેટિનમ અને બીજી કિંમતી ધાતુઓ છે. તેમાં એવું પાણી પણ હોઇ શકે છે જેનો રોકેટના બળતણ તરીકે ઉપયોગ થઇ શકે. જોકે પૃથ્વીથી દૂર કરોડો કિલોમીટર દૂર પર રોબોટિક ખાણિયાઓને ઊતારવા, સારકામ કરવું અને એકઠું થયેલું મટીરિયલ ફ્રી પાછું પૃથ્વી પર લઇ આવવું તે મહામુશ્કેલ વિધિ હશે. પણ તે અગાઉ એવા એસ્ટોરોઇડ્ઝ પર ધાતુઓની તપાસ કરનારા પ્રોબ મિશન મોકલવા પડશે. એક ગણતરી પ્રમાણે સાત મીટર પહોળા અને ૫૦૦ ટનનું વજન ધરાવતા એસ્ટેરોઇડને પૃથ્વી નજીકના આકાશમાં ખેંચી લાવવા માટે લગભગ પોણા ત્રણ અબજ ડોલરનો ખર્ચ થાય. જો તે એસ્ટેરોઇડ સમૃદ્ધ હોય તો તેનો જે ફયદો મળશે તે આકાશને આંબી જશે. ૫૦૦ મીટર લાંબો પ્લેટિનમથી સમૃદ્ધ એક એસ્ટેરોઇડમાંથી દુનિયાને હાલમાં જેટલા પ્લેટિનમની જરૂર છે તેના કરતાં ૧૭૫ ગણુ પ્લેટિનમ મળી રહે. પ્લેટિનમ મેળવવાનું મિશન હવે દૂરની વાત નથી. ૨૦૨૫ની આસપાસ તે શક્ય બનશે.