સીન એબોટ્ટના ખતરનાક બાઉન્સરથી બેટ્સમેન ઘાયલ, મોટી દુર્ઘટના ટળી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સીન એબોટ્ટના ખતરનાક બાઉન્સરથી બેટ્સમેન ઘાયલ, મોટી દુર્ઘટના ટળી

સીન એબોટ્ટના ખતરનાક બાઉન્સરથી બેટ્સમેન ઘાયલ, મોટી દુર્ઘટના ટળી

 | 1:35 am IST

મેલબર્ન, તા. ૪

૨૦૧૪માં ફિલિપ હ્યુજીસને ઘાતક બોલિંગ કરનાર સીન એબોટ્ટ ફરી એક વખત ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમતાં સીન એબોટ્ટે વિક્ટોરિયાના વિલ પુકોસ્કીને ખતરનાક બાઉન્સર મારતાં મેદાન છોડવું પડયું હતું.

પુકોસ્કીને એટલો જોરદાર બોલ વાગ્યો હતો કે, પીચ પર જ બેસી ગયો હતો. સીન એબોટ્ટે જોયું કે, પુકોસ્કી હેલ્મેટ પર બોલ વાગ્યા બાદ નીચે પડી રહ્યો છે તો તે દોડતો પુકોસ્કી પાસે પહોંચી ગયો હતો અને તેને પકડી લીધો હતો. આ દરમિયાન સાથી ખેલાડીઓ પણ તેની પાસે દોડી આવ્યા હતા અને મેડિકલ સ્ટાફને બોલાવાયો હતો. થોડા સમય બાદ પુકોસ્કી પોતાના પગ પર ઊભો થયો ત્યારે મેડિકલ સ્ટાફની મદદથી મેદાનની બહાર લઈ જવાયો હતો. એબોટ્ટનો બાઉન્સર પુકોસ્કીના હેલ્મેટ પર વાગ્યો ત્યારે મેદાન પર ઉપસ્થિત તમામ ખેલાડીઓમાં ભય વ્યાપી ગયો હતો અને તેમના મગજમાં ફિલિપ હ્યુજીસ સાથે ઘટેલી ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી. આ ઘટના બાદ એબોટ્ટ ઘણો ભાવુક થઈ ગયો હતો અને બોલ નાખ્યા પહેલાં ઘણા સમય સુધી વિચાર કરતો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં શેફિલ્ડ શિલ્ડની મેચ દરમિયાન સીન એબોટ્ટે ફિલિપ હ્યુજીસને બાઉન્સર માર્યો હતો જેને કારણે તે કોમામાં જતો રહ્યો હતો અને તે પછી હ્યુજીસનું નિધન થયું હતું.