દરિયાકિનારે તારા વેર્યા હોય અને કાચના કણની રેતી પથરાયેલી હોય! - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • દરિયાકિનારે તારા વેર્યા હોય અને કાચના કણની રેતી પથરાયેલી હોય!

દરિયાકિનારે તારા વેર્યા હોય અને કાચના કણની રેતી પથરાયેલી હોય!

 | 9:50 pm IST

અજાયબ જગત

હોશિઝુના નો હામા, ઈરીઓમેટ આઈલેન્ડ, જાપાન

ક્યારેક જાપાન જવાનું થાય તો સહેલાણીઓ ઈરીઓમેટ આઈલેન્ડની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આ આઈલેન્ડનો હોશિઝુના નો હામા બીચ તેની ખાસ પ્રકારની રેતી માટે જાણીતો છે. સામાન્ય રીતે દરિયાકિનારે કોઈપણ રંગની રેતી જોવા મળે છે. પર્વતીય ખડકોના ટુકડા ઝરણાઓ અને નદીએ તોડીને એને વાટી નાંખ્યા હોય એ રેતી બને છે. રેતીના દરેક કણનો આકાર લગભગ ગોળ હોય છે, પરંતુ આ બીચની રેતીના કણનો આકાર તારા જેવો પંચકોણ છે. રેતીને હાથમાં લઈને ધ્યાનથી જોઈએ તો એ આકાર જોવા મળે છે. નરી આંખે ન દેખાય તો મોબાઈલના કેમેરામાં રેતીનો ફોટો પાડી લો. પછી તેને ઝૂમ કરીનો જોશો તો આકાર સ્પષ્ટ દેખાશે. આ બીચના નામ હોશિઝુના નો હામાનો અર્થ પણ સ્ટાર રેતીનો બીચ એવો થાય છે.

આ બીચની રેતીના કણ સ્ટાર જેવા પંચકોણ એટલા માટે દેખાય છે કે એ પર્વતમાંથી તૂટી આવેલા ખડકોનો ભૂકો નથી. અહીંના દરિયામાં રહેતા એકકોષીય જીવનું કવચ હોય છે. જાપાનના ઓકિનાવા વિસ્તારમાં મહાસાગરોમાં આવા જીવ કરોડોની સંખ્યામાં છે. જીવ મૃત્યુ પામે તો આ કોચલું કિનારે ફેંકાઈ જાય છે અને તડકામાં સુકાઈને રેતી જેવું બની જાય છે. આવા કરોડો જીવનાં કવચ અહીં બીચ પર પથરાયેલાં છે એટલે કહેવાય છે કે અહીંની રેતી સ્ટાર આકારની છે. એમાં અસલી ગોળાકાર રેતીના કણ પણ હોય છે. બીચનો દરિયો શાંત છે એટલે રંગબેરંગી માછલીઓ પણ જોવા મળે છે.

પ્લાયા ડેલ અમોર, મેરીએટ્સ આઈલેન્ડ, મેક્સિકો

મેક્સિકોમાં આવેલા મેરીએટ્સ આઈલેન્ડનો પ્લાયા ડેલ અમોર બીચ જાણે કોઈએ પેઈન્ટ કરેલી તસવીર હોય એવો રૂપકડો લાગે છે. દરિયાનું પાણી સ્વચ્છ વાદળી રંગનું છે. આ બીચ પર મોટેભાગે એકાંત હોય છે, કારણ કે તે મેક્સિકોથી ખાસ્સો દૂર દરિયામાં આવેલો ટાપુ છે. ચારેબાજુ ખડકોથી ઘેરાયેલા આ ટાપુ ઉપર જવા માટે બોટમાં બેસીને ટાપુ સુધી જવું પડે છે. એ પછી ખડક વચ્ચે આવેલી ૮૦ ફૂટની સુરંગ પાર કરવી પડે છે. તેમાં મોટાભાગે દરિયાનું પાણી અડધા જેટલું ભરેલું હોય છે. આકાશમાંથી આ બીચ જોઈએ તો જાણે ખડકો વચ્ચે કોઈએ વિશાળ ગોળાકાર કોતરી કાઢયો હોય એવું દેખાય. કહે છે કે જ્વાળામુખી વિસ્ફોટથી આ કલાકૃતિ રચાઈ છે. ૧૯૯૦ના દાયકામાં મેક્સિકન સરકારે આ નિર્જન ટાપુનો બોમ્બના પરીક્ષણ માટે ઉપયોગ કરવા માંડયો હતો. સૈન્ય પરીક્ષણમાં અનેક ગોળીબાર, દારૂગોળાથી વિસ્ફોટો વગેરે કરવામાં આવ્યા. પછીથી અહીંના દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે પરીક્ષણ બંધ કરવામાં આવ્યાં. ત્યારથી આ લોકપ્રિય ટૂરિસ્ટ સ્પોટ છે.

ગ્લાસ બીચ, કેલિફોર્નિયા, અમેરિકા

સ્કૂલમાં શીખ્યા હતા કે કાચ રેતીને ખૂબ ગરમ કરીને એમાંથી તારવવામાં આવે છે, પરંતુ કાચ જ રેતી બની ગયો હોય એવું કદી સાંભળ્યું નથી. બીચ પર સુંવાળી રેતીને બદલે કાચના ટુકડા હોય? અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ગ્લાસ બીચ પર રેતીને બદલે વિવિધ જાતના કાચના બારીક ટુકડા રેતીના કણ જેવા જોવા મળે છે. જાણે નાનાનાના કાચનાં રત્નો હોય! કાચના આવા કણના કારણે જ આ બીચ ગ્લાસ બીચ તરીકે ઓળખાય છે. ખરેખર આ કાચના કણ કુદરતનો કમાલ નથી. પહેલાં અહીં ડમ્પિંગ સાઈટ હતી. ૧૯૦૬થી ૧૯૬૭ સુધી આ બીચ પર લોકો કચરો ઠાલવવતા હતા. એકવાર અહીંના સ્થાનિક નેતાઓને પોતાની આ ભૂલનો ખ્યાલ આવ્યો. સુંદર રમણીય દરિયાકિનારાને કચરાપેટી બનાવીને ભૂલ કરી છે એ હકીકત સમજાઈ. તેમણે સ્થાનિક લોકો સાથે મળીને બીચ પર સફાઈ અભિયાન ચલાવ્યું. બીચ પરથી વિવિધ ધાતુ અને ભંગાર દૂર કરીને બીચને સ્વચ્છ કરવામાં આવ્યો. સાફ થયા પછી રેતીમાં લાખ્ખો કરોડો કાચના બારીક કણ જોવા મળ્યા. તપાસ કરતાં ખબર પડી કે, આ ડમ્પિંગ સાઈટ હતી ત્યારે લોકો કાચનો ભંગાર, બોટલો વગેરે પણ ફેંકતા રહેતા હતા. કાચના કટકા મહાસાગરના થપેડા ખાઈ ખાઈને આમતેમ ફેંકાતા રહીને, અથડાતા રહીને બારીક કણ બની ગયા છે. આવા કાચના કણ ધરાવતો બીજો એક પણ બીચ આખા જગતમાં નથી. એટલે આ બીચ જોતજોતામાં લોકપ્રિય બની ગયો છે. કાચની રેતી જોવા માટે આ બીચ પર જવા જેવું છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન