Section 144 will be there in ahmedabad, know why
  • Home
  • Ahmedabad
  • 11મી જાન્યુ.થી અ’વાદમાં કલમ 144 લાગૂ, જાણો કેટલા દિવસ અને શા માટે પોલીસ કમિશનરે આ શસ્ત્ર ઉગામ્યું

11મી જાન્યુ.થી અ’વાદમાં કલમ 144 લાગૂ, જાણો કેટલા દિવસ અને શા માટે પોલીસ કમિશનરે આ શસ્ત્ર ઉગામ્યું

 | 7:00 pm IST

આવતીકાલથી અમદાવાદમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા લેવામાં આવ્યો છે. આજે પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 આવતીકાલથી લઈને 25 જાન્યુઆરી સુધી લાગૂ રહેવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આ નિર્ણય ઉત્તરાયણ જેવા પ્રસંગોએ અશાંતિ ન ફેલાય તેના માટે લેવામાં આવ્યો છે.

રાજ્યમાં CAA બિલને લાગૂ કરનાર પહેલું રાજ્ય બની ગયું છે, ત્યારે CAAનો વિરોધ કરનારા લોકો રાજ્યમાં અશાંતિ ન ફેલાવે અને ABVP – NSUI વચ્ચે થયેલા ઘર્ષણના કારણે આગામી દિવસોમાં અમદાવાદની શાંતિ ડોળરાય નહીં તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટનેટ પર પ્રતિબંધ તથા કલમ 144 હેઠળના પ્રતિબંધિત હુકમોને પડકારતી પિટિશન પરના હુકમમાં સુપ્રીમ કોર્ટે જે દિવસે નાગરિકોની કાયદેસરની અભિવ્યક્તિને દબાવી દેવા આ કલમને સાધન બનાવવી ન જોઈએ તેવી આકરી ટીકા કરી તે જ દિવસે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વધુ એક વખત કલમ 144નું શસ્ત્ર ઉગામ્યું છે.

એટલું જ નહીં, અમદાવાદમાં છેલ્લા કેટલાય મહિનાઓથી સતત આ કલમ લાગુ કરવામાં આવી હોવા સામે હાઈકોર્ટમાં પણ પિટીશન થયેલી છે. છતાં સરકાર અને પોલીસ તંત્રએ વધુ 11મીથી 25મી જાન્યુઆરી સુધીના સમય માટે શહેરમાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર કલમ 144ના પ્રતિબંધક હુકમો ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, આઈઆઈએમ-અમદાવાદના બે અને અમદાવાદ યુનિર્વિસટીના એક પ્રોફેસરે અમદાવાદ પોલીસ કમિશનરના 144ની કલમ લાગુ કરવાના મામલે તાજેતરમાં જ હાઈકોર્ટમાં પિટીશન કરી છે, જેમાં એવી પણ હકીકત નોંધી છે કે, સરકારે પાછલા ત્રણ વર્ષમાં 64 વખત આ કલમ હેઠળ પ્રતિબંધો મુક્યા છે અને કોર્ટે સરકારને નોટિસ પાઠવી પુછાવેલું છે કે, લોકોને આની જાણ થાય એ માટે તમે શું પગલાં ભરો છો તે જણાવો.

દેખીતી રીતે જ કલમ 144 લાગુ કરવાની કમિશનરની સત્તાને જ્યારે પડકારાયેલી હોય અને જે દિવસે સુપ્રીમ કોર્ટે પણ બેફામપણે આ કલમનો લોકોની અભિવ્યક્તિ રૃંધવાના સાધન તરીકે સરકાર ઉપયોગ કરતી હોય તેવી પરોક્ષ ટીકા કરી હોય તે જ દિવસે કમિશનર અમદાવાદમાં વધુ સમય માટે નવું જાહેરનામુ પ્રસિદ્ધ કરે તેની સામે અનેક લોકોને આૃર્ય થયું છે.

JNUમાં હુમલા, CAAનો વિરોધ, ઉત્તરાયણ બહાનું

કમિશનર આશિષ ભાટિયાની સહીથી જારી કરાયેલા આ જાહેરનામામાં કલમ 144 લાગુ કરવા પાછળના જે કારણો આપવામાં આવ્યા છે તે પણ રસપ્રદ છે. કમિશનર કહે છે કે, હાલમાં અમદાવાદમાં સીએએના વિરોધ-સમર્થનમાં વિવિધ કાર્યક્રમો દરમિયાન હુમલા થયેલા, જેએનયુમાં વિદ્યાર્થી પર હુમલાના વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે અશાંતિ ન ફેલાય તે માટે સાવચેતી ખાતર આ પગલું ભરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન