Within three days there were fifty thousand tourists See the Statue of Unity
  • Home
  • Gujarat
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ઘસારો, ટિકિટની આવકનો આંકડો જાણી આંખો થશે પહોળી  

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ઘસારો, ટિકિટની આવકનો આંકડો જાણી આંખો થશે પહોળી  

 | 11:22 am IST

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઇ છે. જે તેનાં લોકાર્પણના નવ જ દિવસમાં ગુજરાત જ નહીં પણ દેશભરના પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ બની ગયું છે. કારણ કે 3 દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 50 હજાર પ્રવાસીઓ આવી જતાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી.

કેવડિયા કોલોની ખાતે શનિવારના રોજ 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પગલે નર્મદા પોલીસતંત્ર કામે લાગ્યું હતું. ગુરૂવાર અને શુક્રવારે બપોર પહેલા જ પ્રતિમાના હૃદયમાં આવેલી વ્યુઇંગ ગેલેરીની ટિકિટ આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતું. અને પ્રવાસીઓની ટીકીટ લેવાથી લઇ બસમાં બેસવા અને વ્યુઇંગ ગેલેરી જોવા માટે લાંબી લાઇનો લાગી ગઇ હતી. તંત્ર પ્રવાસીઓની ભારે ભીડના કારણે પુરતી વ્યવસ્થા આપવામાં ઉણુ ઊતર્યું હતું.

શનિવારે ટ્રાફિક સમસ્યાના નીરાકરણ માટે જિલ્લા પોલીસ વડા ખુદ રોડ પર ઉતરી આવ્યા હતા. નર્મદા પોલીસ ઉપરાંત વડોદરા રેન્જની પોલીસની પણ મદદ લેવાઇ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે દિવાળીના દિવસ એટલે 7 નવેમ્બરના રોજ 11219 પ્રવાસીઓ આવ્યા હતા.

જ્યારે 8 તારીખે નવા વર્ષના દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા 17280 પ્રવાસી આવતા પ્રવાસીઓએ ટીકીટ લેવા 3689160 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અને 9મી નવેમ્બરના દિને ભાઇબીજ હતી જે દિવસ 23666 પ્રવાસીઓ ઉમટી પડતા એક જ દિવસમાં એકતાલીશ લાખ સુડતાલીશ હજાર નવસો પાંસઠ રૂપિયાની ટીકીટ પ્રવાસીઓએ ખરીદી હતી.

એટલે કે માત્ર ત્રણ જ દિવસમાં એક કરોડ રૂપિયા ઉપરની આવક માત્ર ટિકિટ વેચાણથી સરકારને થઇ છે.જો કે શનિવારે તા.10મીના રોજ 33576 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનીટીની મુલાકાત લીધી હતી. જેને પગલે એક જ દિવસની સરકારને 33,62,860ની આવક થઈ હતી. 10 દિવસમાં 1,08,247 પ્રવાસીઓેએ સ્ટેચ્યૂ ઓફ યુનીટીની મુલાકાત લીધી હતી.

પ્રવાસીઓની ભારે ભીડના કારણે કેવડિયા કોલોનીમાં ઠેર ઠેર વાહનોનું પાર્કિંગ જોવા મળ્યું હતું. પ્રવાસીઓનો ધસારો સતત શનિવારે પણ ચાલુ રહ્યો હતો ને પ્રવાસીઓ ઠેર ઠેર લાંબી લાઇનો લગાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉભા રહ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. અને જેના કારણે કાર પાર્કિંગ માટે જગ્યાઓ ખુટી પડી હતી. સ્ટેચ્યુ ઓફ યૂનીટીનુ કાર પાર્કિંગ ફુલ થઇ જતા કાર પાર્કિંગ કેવડિયા ગામના હેલીપેડ પાસે કરાવાયુ હતુ જ્યાં પણ ફુલ થઈ જતા ત્યાંથી રેવા ભવન નજીક કેવડિયા પોલીસ સ્ટેશન, સરકારી રહેણાંક વિસ્તારમાં પણ પ્રવાસીઓની કાર પાર્કિંગ કરાવવી પડી હતી. જેના કારણે પ્રવાસીઓને ટિકિટ લેવા માટે પણ દોઢથી બે કિલો મીટર ચાલવું પડયું હતું.

નર્મદા જિલ્લાના ડી. એસ. પી. મહેન્દ્ર બગાડિયા જાતે કલાકો સુધી પાર્કિંગ વ્યવસ્થા જાળવવા ઉભા રહ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે રજાઓમાં હજારો પ્રવાસીઓ કેવડિયા કોલોની ઉમટી પડતા પોલીસનો તહેવાર બગડયો હતો.