આજે આપણા દેશની પ્રગતિ જોઈને મનને શાંતિ મળે છેઃ પદ્મા બંદોપાધ્યાય  - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • આજે આપણા દેશની પ્રગતિ જોઈને મનને શાંતિ મળે છેઃ પદ્મા બંદોપાધ્યાય 

આજે આપણા દેશની પ્રગતિ જોઈને મનને શાંતિ મળે છેઃ પદ્મા બંદોપાધ્યાય 

 | 12:11 am IST

એક સે બઢકર એક :- સંગીતા અગ્રવાલ

( ગતાંકથી ચાલુ)

કારગિલ યુદ્ધ દરમિયાન પણ મારી મેડિકલ સેવા દેશને કામ આવી છે. જ્યારે પણ ક્યાંય એર ક્રેશ થાય અને અમને સૂચના મળે, અમે તરત જ દુર્ઘટના સ્થળ પર પહોંચી જતા. મારી ચોવીસ કલાકની ડોક્ટરની ડયૂટી હતી. મને લાગે છે કે મારા પતિના પૂરા સહયોગને કારણે જ હું મારી કારકિર્દીને આટલો સમય આપી શકી છું.

એક ઘટના મને આજે પણ યાદ છે, ત્યારે મારું પોસ્ટિંગ પંજાબમાં થયું હતું. ત્યાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક ટ્રક દુર્ઘટનામાં ઘણા લોકોના મૃત્યુ થયાં હતાં. હું આખી રાત એ મૃતદેહો સાથે એકલી બેઠી હતી, કારણ કે જ્યાં સુધી પોસ્ટમોર્ટમ ન થઈ જાય ત્યાં સુધી અમારી ડયૂટી પૂરી થઈ શકતી ન હતી. ઘણી વખત આ ઘટના વિશે લોકો મને પૂછે છે કે તમને ડર ન લાગ્યો, તો મારો જવાબ હોય કે હું એક ડોક્ટર છું, એટલે મડદાંઓથી શું ડરવાનું?

એક વખત પંજાબના પૂર્વ સેક્ટરમાં ઊંચી ટેકરીઓ પર ખુશનુમા વાતાવરણમાં મારું પોસ્ટિંગ થયું હતું. ત્યાં સૂવા માટે સ્લીપિંગ બેગનો ઉપયોગ કરવો પડતો હતો અને પ્રકાશ માટે માત્ર એક ટોર્ચ હતી. ખબર નહીં તે વખતે રોજ કયું જનાવર મારી બરાબર બાજુમાં આવીને સૂઈ જતું હતું, જોકે તેણે મને ક્યારેય કોઈ નુકસાન કર્યું ન હતું. જ્યારે અમે અમારા કાર્યસ્થળ પર હોઈએ ત્યારે આ વિચાર મગજમાંથી નીકળી જતો કે તમે એકલા છો અને તમે એક મહિલા છો. આ રીતે હું દરેક મુશ્કેલીનો જાતે જ સામનો કરવાનું શીખી ગઈ હતી.

જ્યારે વેલિંગ્ટનમાં સ્ટાફ કોલેજ માટે મારી નિમણૂક થઈ ત્યારે એક દિવસ પહેલાં હું ત્યાં પહોંચી ગઈ. એક મોટા અધિકારી મારી પાસે આવ્યા અને કહ્યું, કાલે એક મહિલા અધિકારી આવીને અહીંયાંનો કાર્યભાર સંભાળશે. તે વારંવાર એમ જ કહેતા હતા કે, એક મહિલા સાથે કામ કરવું કેટલું કપરું હોય છે? તેમનું માનવું હતું કે મહિલાઓ પોતે પણ એટલી જ હેરાન થાય છે અને તેમની આજુબાજુના વાતાવરણને પણ તણાવગ્રસ્ત બનાવી દે છે. પણ બીજા દિવસે જ્યારે તેમણે મને યુનિફોર્મમાં જોઈ તો તેમને આૃર્ય થયું. તેમના ચહેરા પર ઉપસી આવેલા એ હાવભાવ હું ક્યારેય પણ ભૂલી શકતી નથી.

આજે જ્યારે વિદેશોમાં મહિલાઓને સન્માનની નજરે જોવામાં આવે છે તો સારું લાગે છે. પહેલાં જ્યારે હું વિદેશ જતી તો લોકો ભારતીયોથી એટલા પરિચિત ન હતા. આ જાણીને મને ઘણું દુઃખ થતું હતું કે વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ અને લોકો તેનાથી સારી રીતે પરિચિત નથી. આજે આપણા દેશની પ્રગતિ જોઈને મનને શાંતિ મળે છે.

વાયુસેનામાં રહીને મેં ઘણી વખત યુદ્ધનો સામનો કર્યો છે, તેમ છતાં હું શાંતિમાં વિશ્વાસ ધરાવું છું. વેદનું વાક્ય વસુધૈવ કુટુમ્બકમ્ યાદ અપાવે છે કે આખું વિશ્વ એક પરિવાર છે. હું એ મહિલાઓને સંદેશો આપવા માંગું છું જે પુરુષપ્રધાન ક્ષેત્રમાં પોતાને સાબિત કરવા માંગે છે કે સપનાં જુઓ અને તેને પૂરાં કરવા માટે મહેનત કરવામાં પાછું વળીને ન જુઓ.

હું પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ અને વ્યાયામ કરું છું. ભરતનાટયમ્ પણ થોડું ઘણું કરી લઉં છું. જૂનાં ફિલ્મી ગીતો અને પારંપરિક ગીતો મને ઘણાં ગમે છે. અને ફિલોસોફિકલ પુસ્તકો વાંચવાથી મનને શાંતિ મળે છે. રોજ સવારે ઊઠીને ગીતાના પાઠ કરવા એ મારી દિનચર્યા છે. સંગીતમાં લતા મંગેશકર અને અભિનયમાં જયા બચ્ચન સાથે સંજીવ કુમારની જોડી મને ખૂબ ગમે છે. રિટાયર્ડ થયા પછી હું મારો સમય એ સમાજને સર્મિપત કરવા માંગું છું જેણે મને આટલું સન્માન અપાવ્યું છે. મારા જીવનનો મૂળ ઉદ્દેશ એ જ છે કે ‘બધાં મનથી ખુશ રહો, માત્ર ઉપરછલ્લા હાસ્યથી નહીં.’ જીવનમાં કોઈને પણ દુઃખી ન કરો. બની શકે ત્યાં સુધી ખુશી વહેંચવાનો પ્રયત્ન કરો.

તેમના આ ગુણોને કારણે જ પદ્માજી પ્રથમ મહિલા એર માર્શલ બન્યાં, કારણ કે બીજાનું પડાવી લઈને સુખી થવું તે તેમના સ્વભાવમાં નથી. મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનો રાહ બનાવ્યો અને આકાશને આંબવું એ જ તેમનો જીવનમંત્ર છે. પદ્માજીએ આવનાર પેઢી માટે એક રાહ ચીંધ્યો છે. હવે તે આવનાર પેઢી પર નિર્ભર છે કે તેઓ આ રાહને પાર કરી શકે છે નહીં.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન