ખુદ BMC આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરોને છાવરે છે? - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ખુદ BMC આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરોને છાવરે છે?

ખુદ BMC આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરોને છાવરે છે?

 | 12:17 am IST

મુંબઇ, તા. ૯

બૃહદ મંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં ગાર્બેજ કોન્ટ્રાક્ટમાં *કંઇક રંધાઇ રહ્યું હોવાનું* ચાલુ રહ્યું છે. કાટમાળને ગાર્બેજ સાથે મિક્સ કરવા બદલ નવ કંપનીઓ સામે બીએમસીએ પોલીસ ફરિયાદ કર્યાના છ મહિના બાદ તેઓ પૈકી માત્ર બે કંપનીઓને કાળી યાદીમાં મૂકવાનો નિર્ણય બીએમસીએ કર્યો હતો જ્યારે બીજી કંપનીઓને નજીવો દંડ કરી જવા દેવામાં આવી હતી. ખાતર ઉપર દીવા જેવી વાત એ છે કે જવા દેવાયેલી કંપનીઓને રૂ.૧૮૦૦ કરોડના ટેન્ડર નવેસરથી મળવાની શક્યતા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અનૈતિક ગાર્બેજ કોન્ટ્રાક્ટરો ઘન કચરાના સ્થાને મકાનના કાટમાળને લઇ જતા હતા. છેતરપિંડી કરવામાં આવતી હોવાનું બીએમસીને જણાયા બાદ નવ ગાર્બેજ કોન્ટ્રાક્ટરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી અને કારણદર્શક નોટિસો આપવામાં આવી હતી, પરંતુ છ મહિના બાદ તેઓ પૈકી માત્ર બે કંપનીઓને કાળી યાદીમાં મૂકવાનો બીએમસીએ નિર્ણય કર્યો છે.

આ માટે બીએમસીએ એવું કારણ આપ્યું છે કે ગાર્બેજ સાથે કાટમાળની ભેળસેળ કરવાના પાંચથી વધુ કિસ્સા નોંધાયા હોય માત્ર તે જ કોન્ટ્રાક્ટરોને કાળી યાદીમાં મૂકવામાં આવશે. આ માપદંડને આધારે માત્ર બે કોન્ટ્રાક્ટરો કાળી યાદીમાં સ્થાન પામ્યા છે. આ બંને કોન્ટ્રાક્ટરોને કારણદર્શક નોટિસ મોકલી તેમને કાળી યાદીમાં શા માટે ન મૂકવામાં આવે તે અંગે જણાવાયું હતું. અન્ય કોન્ટ્રાક્ટરોને દંડ કરવામાં આવ્યો હતો, એમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

કાટમાળ ટ્રાન્સપોર્ટ કૌભાંડમાં અમે સીટ દ્વારા તપાસની માગણી કરી છે. કોન્ટ્રાક્ટરોની તરફેણ કરવા જાણીબૂઝીને વિલંબ કરવામાં આવી રહ્યો છે, એવો આક્ષેપ કોંગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખે કર્યો હતો.

રૂ.૧૮૦૦ કરોડના ગાર્બેજ કલેક્શન ટ્રાન્સપોર્ટેશન કોન્ટ્રાક્ટ માટે ફરીથી ટેન્ડર બહાર પાડવાનો નિર્દેશ બીએમસીએ ગયા મહિને આપ્યો હતો કેમ કે બીજી વાર ટેન્ડર ભરનારાઓમાં મોટાભાગના કલંકિત કોન્ટ્રાક્ટરો હતા.

આ કોન્ટ્રાક્ટરોને હવે મોટા કોન્ટ્રાક્ટથી નવાજવામાં આવશે. તેમને નોટિસ મોકલવાની અને પોલીસ ફરિયાદ નોંધાવવાની સમગ્ર કવાયત એક ફારસ છે, એમ કોંગ્રેસના કોર્પોરેટર રવિ રાજાએ જણાવ્યું હતું. બીએમસી અને કોન્ટ્રાક્ટરો દ્વારા રોજીંદા શહેરમાંથી ૭૧૦૦ ટન કચરો ઉપાડવામાં આવે છે.

કાળી યાદીમાં મૂકાયેલી કંપનીને રૂ.૭ કરોડનો કોન્ટ્રાક્ટ

કાળી યાદીમાં મૂકાયેલી એક કંપનીને રૂ.૭ કરોડનો વેસ્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ અપાય તે માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. બીએમસીએ ગયા વર્ષે નવેમ્બરમાં ગોરાઇ રેફ્યુજી ટ્રાન્સપોર્ટ સ્ટેશન માટે ટેન્ડર મગાવ્યા હતા. આ સ્ટેશન દ્વારા પશ્ચિમી ઉપનગરોમાંથી રોજ ૩૦૦ મેટ્રિક ટન કચરો ઉપાડવામાં આવે છે અને તેને ત્રણ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે. ટેન્ડર ભરનારી કંપનીઓમાં એક કંપની હતી. કાવીરાજ એમબીબી વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ આ કંપની કાવીરાજ ઇન્ફ્રાટેક સાથે સંબંધ ધરાવે છે અને નાળામાંથી કાદવ ઉલેચવાના કૌભાંડ અંગે તેને કાળી યાદીમાં મૂકવામાં આવી હતી. કાવીરાજ એમબીબીનો સૌથી ઓછો ભાવ હોવાથી તેને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. જોકે, સમિતિની બેઠકમાં ભારે શોરબકોર થયો હતો અને તેને પરિણામે નવેમ્બરમાં આ દરખાસ્ત રદ કરવામાં આવી હતી. બીએમસીના સિનિયર કાઉન્સેલ અનિલ સાખરેએ એવો અભિપ્રાય આપ્યો હતો કે બંને કંપનીઓ અલગ છે અને આથી કાવીરાજ ઇન્ફ્રાટેકને કાળી યાદીમાં મૂકવામાં આવી હોય તો કાવીરાજ એમબીબી વેસ્ટ મેનેજમેન્ટ કંપની ટેન્ડર ભરી શકે કેમકે તેને કાવીરાજ ઇન્ફ્રાટેક સાથે કોઇ નિસ્બત નથી.  બીએમસીમાં આ બાબતે સર્વોચ્ચ સ્તરે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કાવીરાજ એમબીબીને ટેન્ડર ભરવા દેવામાં આવે એવો નિર્ણય લેવાયો હતો. તેના ભાવ ટેન્ડરમાં સૌથી ઓછાં હોવાથી તેને બે વર્ષ માટે કોન્ટ્રાક્ટ મળે એવો તખ્તો ગોઠવાઇ ચૂક્યો છે.  અહીં એ વાત રસપ્રદ છે કે કાવીરાજ ઇન્ફ્રાટેકના લઘુમતી શેરધારકો કાવીરાજ એમબીબી વેસ્ટ મેનેજમેન્ટમાં બહુમતી શેરધારકો છે.

;