આત્મવિશ્વાસ અને આરોગ્યની વૃદ્ધિ માટે ઉપકારક બની રહેતી સિંહ સંક્રાંતિ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • આત્મવિશ્વાસ અને આરોગ્યની વૃદ્ધિ માટે ઉપકારક બની રહેતી સિંહ સંક્રાંતિ

આત્મવિશ્વાસ અને આરોગ્યની વૃદ્ધિ માટે ઉપકારક બની રહેતી સિંહ સંક્રાંતિ

 | 1:40 am IST

 

જ્યોતિષશાસ્ત્રની પ્રાથમિક માહિતી ધરાવતા લોકોને પણ ખ્યાલ હોય છે કે સૂર્ય  મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન એ બારેય રાશિમાં એક એક મહિનો રહે છે. ખગોળ જ્યોતિષની પરિભાષામાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તેને ‘સંક્રાંતિ’ કહે છે. આપણે ‘મકર સંક્રાંતિ’ શબ્દથી સારી રીતે માહિતગાર છીએ. દર વર્ષે તા. ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં સંક્રાંતિ શબ્દ જુદા જુદા બે અર્થમાં પ્રચલિત થયેલ છે.

એકઃ સૂર્ય મેષ, વૃષભ, મિથુન એમ બારેય રાશિમાં પ્રવેશ કરે તે ઘટનાને સંક્રાંતિ કહે છે. એક વર્ષમાં સૂર્યની ૧૨ સંક્રાંતિઓ આવે છે.

બીજું: મુહૂર્તશાસ્ત્ર તથા હવામાન- કૃષિ વ્યાપાર જ્યોતિષ વગેરેમાં સૂર્ય જે રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોય તેને (એક માસના સમયગાળાને) પણ સંક્રાંતિ કહે છે.

સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે. રાશિચક્રની બારેય રાશિઓમાં ભ્રમણ કરવા માટે ૧૨ માસ (એક વર્ષ)નો સમય લે છે. આ એક વર્ષના સમયગાળાને ‘સૌર વર્ષ’ કહે છે. આકાશમાં બારેય રાશિમાં નિયમિત રીતે સૂર્યના ભ્રમણ કરવાના માર્ગને ‘ક્રાંતિવૃત્ત’ કે ‘રાશિચક્ર’ કહે છે. કોઇપણ વૃત્ત (વર્તુળ) ૩૬૦ અંશનું હોય છે. એ પ્રમાણે ક્રાંતિવૃત્તના ૧૨ સરખા વિભાગ કરતાં દરેક ભાગને રાશિની ઓળખ આપી. આમ દરેક રાશિ ૩૦ અંશનું માપ ધરાવે છે. સૂર્ય એક રાશિમાં લગભગ ૩૦ દિવસ રહે છે. સૂર્ય એક નક્ષત્રમાં ૧૩થી ૧૪ દિવસ રહે છે.

સૂર્યની સિંહ સંક્રાંતિ ક્યારે આવે?

રાશિચક્રની સૌ પ્રથમ મેષ રાશિમાં સૂર્ય દર વર્ષે તા. ૧૪ એપ્રિલથી ૧૪ મે સુધી રહે છે. સિંહ રાશિ પાંચમા ક્રમાંકે હોવાથી દર વર્ષે તા.૧૬ ઓગષ્ટથી ૧૬ સપ્ટેમ્બર સુધી રહે છે. સૂર્યની સૂક્ષ્મ ગતિ (વાસ્તવમાં પૃથ્વીની ભ્રમણ ગતિ) ના કારણે દર વર્ષે લગભગ ૬ કલાકનો ઉમેરો થતો રહે છે, જે દર ચોથા વર્ષે લીપ વર્ષમાં સરભર થઇ જાય છે. આ વર્ષે તા. ૧૭ ઓગષ્ટ, શુક્રવાર સવારે ક. ૦૬-૪૯ થી તા. ૧૭ સપ્ટેમ્બર, સોમવાર સવારે ક. ૦૬-૪૫ સુધી સૂર્યનારાયણ નિરયન સિંહ રાશિમાં રહે છે. દેશી તિથિ મુજબ શ્રાવણ સુદ ૭ (સાતમ) થી ભાદરવા સુદ ૮ (આઠમ) સુધી સૂર્ય સિંહ રાશિમાં રહે છે.

આરોગ્યશાસ્ત્ર (આયુર્વેદ) અને ધર્મશાસ્ત્રનો સમન્વય કરીએ તો આત્મવિશ્વાસ, અધ્યાત્મ અને આરોગ્યની વૃદ્ધિ માટે સિંહ સંક્રાંતિનો એક માસનો સમયગાળો વિશેષ ફ્ળદાયી બની રહે છે.

સિંહ સંક્રાંતિ દરમિયાન શું કરી શકાય?

– જે વ્યક્તિઓનો આત્મવિશ્વાસ ઓછો હોય, મન ડગુમગુ થતું હોય કે મહત્ત્વના નિર્ણયો લેવામાં ઢીલાશ અનુભવતા હોય તેઓએ સિંહ સંક્રાંતિ દરમિયાન દરરોજ સવારે આદિત્યહૃદયનો પાઠ અવશ્ય કરવો જોઇએ.

– આરોગ્ય નબળું રહેતું હોય તો સિંહ સંક્રાંતિના આ સમય દરમિયાન દરરોજ ખીર (દૂધ ચોખાની વાનગી) આરોગવી જોઇએ. ઉપવાસ કરી શકાય, પરંતુ ફ્રજિયાત નથી. સાબુદાણાની ખીર પણ આરોગી શકાય. તીખા તળેલા પદાર્થનો ઉપયોગ ઓછો કરવો.

– તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરી રાખવું. પછીથી આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો વધુ હિતાવહ છે.

– રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા જાતકોએ સૂર્યના મંત્રની એક માળા સિંહ સંક્રાંતિના એક માસ દરમિયાન નિયમિત રીતે મધ્યાહૃન પહેલા કરવી જોઇએ. જપ સમયે પૂર્વ દિશા તરફ્ મુખ રાખવાની સલાહ છે.

–  વિદ્યાભ્યાસમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓએ આ માસ દરમિયાન વિશેષ સરસ્વતિ પ્રાર્થના કરવી જોઇએ.

– સિંહ સંક્રાંતિ દરમિયાન સાધારણ રીતે ચાર રવિવાર આવતા હોય છે, પરંતુ આ વર્ષે પાંચ રવિવાર આવે છે. રવિવારે સૂર્યની ભક્તિ કરવાથી વિશેષ લાભ મેળવી શકાય.

– આ શ્રાવણ માસમાં સિંહ સંક્રાંતિ દરમિયાન આવતી પૂનમ પણ રવિવારે છે. આ દિવસે સૂર્યના મંત્રની એક માળા તથા ચંદ્રના મંત્રની એક માળા બપોરના ભોજન પહેલા કરવાથી માનસિક શાંતિ તથા મનોબળમાં વૃદ્ધિ અનુભવાય. સિંહ સંક્રાંતિ દરમિયાન વિદ્યાભ્યાસ, મંત્ર સાધના, ઉપાસના, સ્પર્ધાત્મક પ્રવૃત્તિ, આર્થિક આયોજન, બચત, રોકાણ, જળાશયમાં જળસંચય, ઔષધ માટે ઉપયોગી વનસ્પતિનો ઉછેર વગેરે કામકાજ કરવાનો વિશેષ મહિમા છે.

સિંહ સંક્રાંતિ દરમિયાન બારેય

રાશિવાળી વ્યક્તિઓએ શું કરવું જોઇએ?

જેથી આત્મવિશ્વાસ અને આરોગ્ય બાબતે સત્વરે સફ્ળતા મળે.

– મેષ અને વૃશ્ચિક રાશિવાળાએ મંગળના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી.

– વૃષભ અને તુલા રાશિવાળાએ શુક્રના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી.

– મિથુન અને કન્યા રાશિવાળાએ બુધના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી.

– કર્ક રાશિવાળાએ ચંદ્રના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી.

– સિંહ રાશિવાળાએ સૂર્યના મંત્રની બે માળા કરવી.

– ધનુ અને મીન રાશિવાળાએ ગુરુના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી.

– મકર અને કુંભ રાશિવાળાએ શનિના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી જોઇએ.

નવગ્રહ મંત્ર

સૂર્યનો મંત્ર :

જપાકુસુમસંકાશં કાશ્યપેયં મહા વિહાદ્યુતિમ્ ।

તમોડરિં સર્વ પાપધ્ન પ્રણતો…સ્મિ દિવાકરમ્ ।।

ચંદ્રનો મંત્ર :

દદ્યિશંખતુષારાભં ક્ષીરોદાર્ણવ સંભવમ્ ।

નમામિ શશિનં સોમં શંભોર્મુકટ ભૂષણમ્ ।।

મંગળનો મંત્ર :

ધરણીગર્ભસંભૂતં વિદ્યુત્કાન્તિસમપ્રભમ્ ।

કુમારં શક્તિ હસ્તં તં મંગલં પ્રણામામ્યહમ્ ।।

બુધનો મંત્ર :

પ્રિયંગુકલિકાશ્યામં રૂપેણા પ્રતિમં બુધમ્ ।

સૌમ્ય સૌમ્યગુણોપેતં તં બુધં પ્રણમામ્યેહમ્ ।।

ગુરુનો મંત્ર :

દેવાનાં ચ ઋષિણાં ચ ગુરું કાંચનસન્નિભમ્ ।

બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ્ ।।

શુક્રનો મંત્ર :

હિમ કુન્દમૃણાલામં દૈત્યાનાં પરમં ગુરૂમ્ ।

સર્વશાસ્ત્રપ્રવક્તારં ભાર્ગવ પ્રણામામ્યહમ્ ।।

શનિનો મંત્ર :

નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ્ ।

છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનિશ્વરમ્ ।।

– ભૂપેન્દ્ર ધોળકિયા

[email protected]