આત્મવિશ્વાસ વ્યક્તિત્વનું આકર્ષક પાસું - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • આત્મવિશ્વાસ વ્યક્તિત્વનું આકર્ષક પાસું

આત્મવિશ્વાસ વ્યક્તિત્વનું આકર્ષક પાસું

 | 7:11 am IST

મંથન । નીપા શાહ

આજના ટીનેજર્સ જો જમાના પ્રમાણે ના ચાલે તો તેઓમાં લઘુતાની લાગણી આપે છે. છોકરાઓને મર્દાનગીભર્યા દેખાવું ગમે છે. તેઓની આદર્શ વ્યક્તિ પણ મોટાંભાગે એકાદ ખેલકૂદવીર હોય છે. છોકરીઓ નામાંક્તિ વ્યક્તિઓને આદર્શ માનીને તેઓની શૈલીનું અનુકરણ કરીને ખુશ રહે છે. તેઓ ચોક્કસ બ્રાન્ડના વસ્ત્રો કે ફેશન- સામગ્રી ખરીદવાનું પસંદ કરે છે. છોકરીઓ પોતાની ઇમેજ માટે વધુ સભાન હોય છે.

કેટલીક છોકરીઓ પોતાનો દેખાવ સારો હોવા છતાં તેનાથી સંતુષ્ટ નથી હોતી. પોતાની દેહગ્ષ્ટિ અને ચહેરો  ચોક્કસ પ્રકારના ના હોવાને  કારણે તેઓ લઘુતા અનુભવતા હોય છે અને તેવા પ્રકારના દેખાવનો આભાસ ઊભો કરવા તેઓ અનેક પ્રયત્નો કરતી જોવા મળે છે. પોતાના રૂપથી અસંતુષ્ટ  એવી યુવતી ચહેરા પરની ચમક અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે. આવી યુવતીઓ ચોક્કસ બ્રાન્ડના વસ્ત્રો અને સામગ્રીનો ઉપયોગ કરીને પોતાના અસંતોષને દૂર કરવા પ્રયત્ન  કરે છે. ઓછી ઊંચાઈ ધરાવતી કે વધુ વજન ધરાવતી યુવતીઓ ઊંચાઈ વધારવાના કે વજન ઘટાડવાના પ્રયાસો કરતી રહે છે જેથી તેઓ તેમના મનપસંદ વસ્ત્રો  પહેરીને  તેમની મનપસંદ પ્રસિદ્ધ વ્યક્તિઓ જેવી દેખાઈ શકે.

વાસ્તવમાં સ્ટાઈલ- સ્ટેટમેન્ટ (પોતાની  આગવી શૈલી) પોતાની જાતને બદલીને નહીં, પોતાની જાતને આકર્ષક રીતે રજૂ કરીને લાવી શકાય છે. મૂવી અને સિરિયલ્સમાં વધુ વજન ધરાવતી કે અનાકર્ષક દેહગ્ષ્ટિ ધરાવતી કે  યુવતીઓને હાસ્યાસ્પદ માનવામાં આવે છે. આદર્શથી જરા પણ ઉતરતા દેખાવને માન્ય રાખવામાં  આવતો નથી. આ પ્રકારની અપેક્ષાઓ એક પ્રકારનું  સામાજિક  દબાણ ઊભું કરે છે. જેમાં આવીને ટીનેજર- છોકરીઓ જાતજાતના ઉપાયો કરે છે જે જ્વલ્લે જ કામ આવે છે.

નિષ્ણાતોના મત મુજબ પોતાના રૂપ અંગે  વધુ સભાન રહેનારા ટીનેજર્સ લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. એ વાત સાચી છે કે દરેકને સુંદર બનવું ગમે છે.  પરંતુ પોતાની ઉણપો સાથે જાતને  સ્વીકારવી એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. એક મનોચિકિત્સક કહે છે ”તમે જ્યારે તમારા દેખાવ વિશે વિચારવાનું છોડી દો છો ત્યારે  જ તમને જીવનનો સાચો આનંદ સાંપડે છે. તમારે તમારી જાતને જેવી છે તેવી સ્વીકારવી જરૂરી છે. અન્ય લોકોના અભિપ્રાયની ઉપેક્ષા કરો. તમે જેટલાં સંતુષ્ટ હશો તે તમારી રીતભાતમાં વ્યક્ત થશે.” તમારે જાતે જ નક્કી કરવાનું છે કે તમારા મિત્રો, સ્વજનો સાથે જીવન માણવા માંગો છો.

બાળક નાનું હોય ત્યારથી તેને નિયમો અને આદર્શ પ્રમાણે જીવવાનું  શીખવવામાં આવે છે. વાસ્તવિક્તામાં વિષમતા અને અધૂરપો છૂપાયેલી છે. એ જ સત્ય છે અને તેને જેટલી સહજ રીતે સ્વીકારવામાં આવે એટલું જીવન સરળ અને સુંદર બને છે. અન્યો કરતાં જુદા હોવું એ આપણું આગવાપણું કે ખાસિયત છે. તેના માટે ગૌરવ અનુભવવું જોઈએ. વાર્તાઓમાં આપણે રાજકુમાર અને રાજકુમારીઓના સૌંદર્યના વખાણ બાળપણથી  સાંભળતા આવ્યા છીએ. સુંદરતાનો મહિમા ચારે તરફ છે. આવા  વાતાવરણમાં આપણે માનવ-સહજ લક્ષણોને ભૂલી ગયા છીએ. જીવન એ કલ્પના કે પરીકથા નથી. જીવન એ નક્કર વાસ્તવિક્તાઓનું નામ છે. વાસ્તવિક્તાઓને જેટલી સહજપણે સ્વીકારીશું તેટલું જીવન માણવા-યોગ્ય બનશે.

ટીનેજર્સ સામાન્ય રીતે ખીલ-ફોડકી, શારીરિક સ્થૂળતા, ચશ્મા, દાંત પર બ્રેસીસ વગેરેનો ભોગ બનતા હોય છે. જીવનમાં સફળ બનેલી બધી જ વ્યક્તિઓ પોતાના ક્ષેત્રમાં નિપુણ હોય છે. તેઓ માટે સુંદર દેખાવડા હોવું જરૂરી નથી. કૌશલ્ય કે નિપુણતા માણસને સફળ બનાવે છે. ગ્લેમર- જગતની વ્યક્તિઓએ આકર્ષક દેખાવું જરૂરી છે. બીજાં ક્ષેત્રોમાં આ પ્રકારની જરૂરિયાત હોતી નથી.

ટીનેજર્સને લઘુતા આપવામાં જાહેરાતોનો પણ મોટો ફાળો  છે. ખૂબ ચર્ચામાં રહેલી ખાવાપીવાની આદતો, પ્લાસ્ટિક-સર્જરી, મીરેકલ- ક્રીમ્સ વગેરે ટીનેજર્સમાં સુંદર બનવાની આશા જગાડે છે. જાહેરાતો જોવા મળતી પાતળી, સુંદર યુવતીઓ તેઓના મનમાં લઘુતાગ્રંથિ જન્માવે છે. વાસ્તવમાં તંદુરસ્તી વધુ મહત્ત્વની છે. તંદુરસ્ત શરીર જો સુખ આપતું હોય તો ટીનેજર્સે તંદુરસ્તીને જ મહત્ત્વ આપવું  જોઈએ. સહજ, ઉમળકાભર્યો સ્વભાવ સૌને ગમે છે. હસતો ચહેરો સૌને પ્રસન્ન કરે છે. રૂપાળા દેખાવા કરતાં તંદુરસ્ત દેખાવું વધુ જરૂરી છે. તૈયાર વસ્ત્રોમાં  તમારી કાયા ના સમાય તો ચિંતા ના કરશો. તમને જે ફીટ બેસો તેવા વસ્ત્રો પહેરો અને ખુશ રહો. તમારા અભ્યાસમાં, કામમાં ધ્યાન આપો. પોષક આહાર ખાઓ અને તંદુરસ્ત રહો. સારું સ્વાસ્થ્ય ચહેરા પર સ્મિત અને જીવનમાં ઉત્સાહ લાવે છે. તેથી કોઈના જેવા દેખાવાનો પ્રયત્ન કરશો નહીં તમે જેવા છો તેવા જ રહો અને આત્મવિશ્વાસપૂર્વક વર્તો.

કેટલાંક  લોકોને એમ લાગે છે કે તેઓએ તેમનું વસ્ત્ર- પરિધાન, રીતભાત વગેરે બદલવા જોઈએ. ખરેખર તો તેઓએ પોતાની તરફ પોતાની ગ્ષ્ટિ બદલવાની જરૂર હોય છે. કુદરતે આપણને જેવા બનાવ્યા છે તેવા જ સ્વરૂપમાં સ્વીકારો. જો ફેરફાર કરવો જ હોય તો સૌ પ્રથમ એ બાબતને ઓળખી કાઢો જેને બદલવાનું શક્ય હોય. જેને બદલવું શક્ય ના હોય તેને બદલવાનો પ્રયત્ન ના કરશો. ધારો કે તમારે વજન ઉતારવું હોય તો આયોજનપૂર્વક તમારું લક્ષ્ય નક્કી કરો અને આગળ વધો. પૌષ્ટિક, લો-કેલેરી યુકત આહાર ખાઓ. જે કસરત યોગ્ય હોય તે કરો. નિત્યક્રમ નક્કી કરીને તેને વળગી રહો. શિસ્ત અને શારીરિક સ્વાસ્થ્ય જીવનના બીજાં પાસાઓ પર પણ અસર કરે છે. કેટલો સુધારો થાય છે તેની નોંધ રાખો અને તમારા લક્ષ્ય સુધી ના પહોંચો ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહો. પડકારોને ઝીલીને સફળતા મેળવવી એ આત્મવિશ્વાસને વધારવામાં  ચાવીરૂપ છે.

તમારું મન નકારાત્મક વલણ ધરાવતું હોય તેને  તેમ કરતાં રોકો. કોઈ પણ નકારાત્મક કે હતોત્સાહ  કરે એવોે વિચાર આવે તો તરત તેને અટકાવી દો. તમારી જે ખૂબીઓ છે તેને શોધી કાઢો અને તેને યોગ્ય રીતે પ્રગટ કરો. તમારી મર્યાદાઓને પણ ધ્યાનમાં લો. તેનાથી તમારામાં  નમ્રતા આવશે. તમે કુદરતનું એક અનોખું સર્જન છો એ વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારો. આ પ્રકારની ગ્ષ્ટિથી તમને તમારી જાત માટે ગૌરવ થશે. યોગ્ય દિશાની થોડીક મહેનત પણ રંગ લાવશે અને તમારા વ્યક્તિત્વને ખીલવશે. લોકો પણ તમારો બાહ્ય દેખાવ નહીં, તમારા આત્મવિશ્વાસને જોશે. આમ તમારા આત્મવિશ્વાસને જ તમારી આકર્ષક અદા બનાવો.