પોતાનું સન્માન કરવામાં સ્ત્રીઓ કેમ પાછળ છે?  - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પોતાનું સન્માન કરવામાં સ્ત્રીઓ કેમ પાછળ છે? 

પોતાનું સન્માન કરવામાં સ્ત્રીઓ કેમ પાછળ છે? 

 | 12:15 am IST

કવર સ્ટોરી :- અમિતા મહેતા

સમાજમાં પોતાની શરતે જીવતી, પોતાનાં માન-સન્માન માટે લડતી અને સ્વાભિમાનની રક્ષા માટે હંમેશાં તત્પર રહેતી સ્ત્રીઓને વિચિત્ર નજરે જોવાય છે. આત્મસન્માનથી જીવવાનો સ્ત્રીનો મિજાજ સહુ કોઈથી જીરવાતો નથી. ખુમારીવાળી, હાજરજવાબી અને અન્યાયનો વિરોધ કરતી સ્ત્રીઓ વગોવાય છે. શું સ્ત્રીઓને એમનું સન્માન જાળવવાનો અધિકાર નથી? ‘થપ્પડ’ જેવી ફ્લ્મિમાં સ્ત્રી પતિની થપ્પડને આત્મસન્માનનો મુદ્દો બનાવે છે ત્યારે કહેવાતા બુદ્ધિજીવીઓ અને નારીવાદીઓનાં ભવાં ચડે છે. ‘વીમેન્સ ડે’ ને દિવસે આવેલી ‘ઘર કી મુર્ગી’ શોર્ટ ફ્લ્મિમાં પત્નીના બ્યુટીપાર્લરના કામની પતિ મિત્રોની સામે મજાક ઉડાવે છે.

આખો દિવસ ઘાણીના બળદની જેમ કામ કરતી પત્નીનું આત્મસન્માન પતિ એના કામની મજાક કરે તો લોહીલુહાણ થાય છે અને એ એક મહિનાનો ઘરમાંથી બ્રેક માંગે છે. ત્યારે પરિવારમાં ધરતીકંપ સર્જાય છે. પતિ માટે સહજ લાગતી વાત પત્નીને કઈ રીતે અપમાનિત કરી શકે એ સમજવા માટે ઊંડું સમસંવેદન જોઈએ.

સંબંધોમાં પ્રેમ-વફદારી-પોતાપણું અને જતું કરવાની ભાવના ખૂબ જરૂરી છે પરંતુ આ બધું સ્ત્રીઓ જ કરે અને એનું સન્માન, ખુશી અને સપનાને દબાવીને કરે એ બરાબર નથી. આજેય મોટાભાગની સ્ત્રીઓ એમનું આત્મસન્માન ઘવાય ત્યારે સામે થવાને બદલે બાથરૂમમાં જઈને રડવાનું પસંદ કરે છે. શા માટે સ્ત્રીઓ પોતાના સન્માન માટે અવાજ નથી ઉઠાવતી?

થોડાં ઉદાહરણ લઈએ…  

પરિવારમાં ભાઈ અને બહેનમાં ભાઈની આળપંપાળ વધારે થાય ત્યારે બહેન કેમ અવાજ નથી ઉઠાવતી? અને અવાજ ઉઠાવે ત્યારે છોકરી છે છોકરીની જેમ રહે એમ કહીને એને ચૂપ કરાય છે. આત્મસન્માન સામે મૌન રહેવાનું પહેલું પગથિયું…

કોલેજ કે સ્કૂલમાં કોઈ છોકરો છેડે અને સ્વમાની છોકરી થપ્પડ મારશે કે એની સાથે પંગો લેશે તો સહુ એક જ શિખામણ આપશે. છોડ બેટા! આવા લોકોને વતાવવાના નહીં, હાથી પાછળ કૂતરાં ભસતાં જ હોય આપણે સામે નહીં પડવાનું.

આમ કરવાથી છોકરાને સ્ત્રીઓના આત્મસન્માનની ધજ્જિયાં ઉડાડવાનું પ્રોત્સાહન મળે છે અને છોકરીમાં ચૂપ રહેવાના સંસ્કાર વણાય છે. અને આ ચુપકીદીનાં સંસ્કાર ઘણીવાર સ્ત્રી અપમાનના ઢગલાં વચ્ચે દબાય તો પણ અડીખમ રહે છે. અગર કોઈ છોકરો છોકરીને જોઈને માલ, ફ્ટાકડી, ફૂલઝડી કે આઈટમ જેવા શબ્દો બોલે તો સ્ત્રીઓએ શા માટે સાંભળવા?

બીજુ, આદર્શ પરિવારનું કેન્દ્રબિંદુ અને ઘરની રાણી જેવાં વિશેષણો દ્વારા સ્ત્રીના મગજમાં એવું ઠસાવી દેવાય છે કે ‘અપને લિયે, જીયે તો ક્યા જીયે, તૂ જી, અય દિલ, પરાયે કે લિયે…’ એટલે સ્ત્રી હંમેશાં બીજાના માટે જ વિચારતી રહે છે. ત્યાગર્મૂિત, સમપર્ણર્મૂિતના મોહમાં એ આત્મસન્માનનો ખ્યાલ જ વીસરી જાય છે.

સ્ત્રીઓના આત્મસન્માન પર ઘા કરતાં કેટલાંક તકિયાકલમ અનેક પરિવારોમાં વપરાય છે. કેટલાંક ઉદાહરણ લઈએ.

નવી પરણીને આવેલી વહુને સાસરામાં એક વાક્ય તો સાંભળવા મળે જ કે ‘તારી માએ શું શીખવ્યું ?’ આવું શાબ્દિક અપમાન સહન ન કરી શકનાર સ્ત્રી સામો સવાલ કરે કે ‘તમે તમારા છોકરાને શું શીખવ્યું? ‘ તો તે બંડખોર લાગે છે. સાસરિયાઓને વહુનાં પિયરિયાંનું અપમાન કરવાનો કોઈ ઈજારો નથી મળતો. પોતાનાં સગાંઓનું અપમાન સ્ત્રીઓ વારંવાર ગળી જાય છે, કારણ કે ઘર ટકાવવા માટે આવી બાબતે ચૂપ રહેવાના, સામે ન બોલવાના અને જતું કરવાનું એના વ્યક્તિત્વમાં ઠાંસી-ઠાંસીને ભર્યુ હોવાથી એ સ્વમાન માટે સંઘર્ષમાં ઊતરવાને બદલે મૂંગાં આંસુ સારતી રહે છે.

બીજું, સ્ત્રીઓ માટે વારંવાર પરિવારમાં વપરાતાં વાક્યો છે, ‘તારામાં કંઈ અક્કલ છે કે નહીં?, તને તો કંઈ ખબર જ નથી પડતી? કે તને તો આટલું પણ આવડતું નથી?’ અને આવું બાળકો, મોટાઓ અને મહેમાનો કોઈની પણ હાજરીમાં સ્ત્રીઓને કોઈ પણ સંભળાવી શકે. અગર સ્ત્રી બોલનારને એની હોસિયતનો આયનો બતાવે તો ઘરમાં મહાભારત સર્જાય છે. સ્ત્રી જાણે કોઈ સંવેદનાવિહીન વ્યક્તિ હોય એમ એના પર સહુ કોઈ અપમાનના ઘા કરતાં રહે છે. સ્ત્રી આ સાંભળી લે છે કે કારણ કે એને ઘરમાં અશાંતિ નથી ઊભી કરવી. આૃર્યની વાત એ છે કે ઘરની શાંતિ, ખુશી અને કામકાજની જવાબદારી પણ સ્ત્રીઓની જ છે. બીજું કોઈ કંઈ પણ કરે, જે મન ફવે તે બોલે કે હાથ પણ ઉપાડે પરંતુ શાંતિની જવાબદારી સ્ત્રીની છે એટલે એને સહન કરવાનું, ચૂપ રહેવાનું અને શાંતિ જાળવવાની પુરુષની સામે જવાબ આપે તો એનો ઈગો હર્ટ થાય, એનું પુરુષત્વ ઘવાય. એટલે સ્ત્રીઓએ એમનું સ્વમાન ભૂલી જવાનું. પુરુષના અપશબ્દો સામે સ્ત્રી બંડ પોકારે કે વિદ્રોહ કરે તો વાંક સ્ત્રીઓનો જ નીકળે. એને હંમેશાં સહિષ્ણુ બનવાના પાઠ શીખવાય. તેથી સ્વમાનની રક્ષાનું ઝનૂન ધીમું પડી જાય.

બીજું, એક સામાજિક વિશ્લેષણ કરીએ તો જે સ્ત્રીઓ ઘર સંભાળે છે અને આર્થિક રીતે આત્મનિર્ભર નથી તેઓને તું શું કામ કરે છે? એમ કહીને ઉતારી પડાય છે. બાળકો પણ એની હાંસી ઉડાવે છે. ઘરનાં કામનું ગૌરવ સ્ત્રીઓ ખુદ નહીં અનુભવતી હોવાથી એ પલટવાર નથી કરતી. બીજું, આર્થિક અસલામતી એને વિદ્રોહ કરતાં રોકે છે. ઘરમાં કામ કરતી સ્ત્રીઓનું આત્મસન્માન કોઈપણ કારણસર ગૌણ નથી થતું એને કામની કદર, યોગ્ય મૂલ્યાંકન અને ન ગમતી બાબતે પ્રતિકાર કરવાનો પૂરો હક છે.

બીજી બાજુ ર્વિંકગ વીમેનને કમાય છે એમાં ઉપકાર નથી કરતી અથવા તો કમાય છે એટલે આભમાં ઊડે છે એવા ઉપાલંભો દ્વારા સતત માનસિક ટોર્ચર કરાય છે. એનાં કામમાં ખામી શોધવામાં આવે છે, એ પોતાના પૈસા વાપરવા માટે પણ અનેક જગ્યાએ સ્વતંત્ર નથી હોતી. શું એ સ્ત્રીઓના આત્મસન્માન અને અધિકાર પર તરાપ નથી? અહીં પણ સ્ત્રીઓ રોજરોજની મગજમારી ક્યાં કરવી એમ વિચારી સ્વમાનને કચડતી રહે છે.

જોકે, આ બધા કરતાં પણ વધુ સેન્સિટિવ વાત એ છે કે સ્ત્રીઓની ‘ના’ને રિસ્પેક્ટ ન કરવું અને ફિઝિકલ રિલેશનમાં આ વાત ખૂબ મહત્ત્વની છે. પણ આપણે ત્યાં સ્ત્રીને એના શરીરથી આગળ વિચારાતી જ નથી. આ બાબતે સ્ત્રીની ‘ના’નો અનાદર કરવો એટલે માત્ર એના શરીરને નહીં આત્માને પણ પીડા આપવી. એના આત્મગૌરવને હણવું. અહીં સ્ત્રીની નાને એટલી હદે અવગણાય છે કે પછી આ સંબંધમાંથી બળાત્કારની ‘બૂ’ આવે…

આવી અનેક બાબતો સ્ત્રીઓને સ્વાભિમાનથી જીવતાં રોકે છે. સ્વમાનથી જીવવા માટે સ્ત્રીઓએ ખોટી માન્યતાઓને તોડવી પડશે જેમ કે,

  • ઊંચા અવાજે વાત કરવી હંમેશાં ખરાબ નથી હોતું, સામેવાળી વ્યક્તિ ગલત હોય તો સ્વમાનની રક્ષા માટે જવાબ આપવો પડે છે.
  • અન્યાય કરવા જેટલું જ ખરાબ અન્યાય સહન કરવો એ છે.
  • ત્યાગ-સમર્પણનો અતિરેક તમને નબળા બનાવે છે. પોતાની ઇચ્છાઓ પૂરી કરવા પ્રયત્નો કરવા એ ગુનો નથી.
  • તમારા માટે કઈ વસ્તુ મહત્ત્વની છે એ નક્કી કરવાનો અધિકાર છે એ માટે ગીલ્ટ ફીલ કરવાની જરૂર નથી.

પરિવાર અને બાળકોનું ધ્યાન રાખવું સારી વાત છે પરંતુ એ માટે પોતાના શોખ, મિત્રો-સંબંધો છોડી દેવા એ સમર્પણ નથી. સમર્પણના નામે હંમેશાં ખુદને હોળીનું નાળિયેર ન બનાવો. તમારા સપનાં, સ્વતંત્રતા અને નિજતાનું સન્માન કરો. આ ત્રણેય મેળવવાં એ તમારો હક છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન