જાતે જ બની બેઠો બાળકોનો રક્ષણહાર  - Sandesh

જાતે જ બની બેઠો બાળકોનો રક્ષણહાર 

 | 1:25 am IST

ગજબની વાત : અક્ષરકુમાર વિદ્યાર્થી

કેજી(કિન્ડરગાર્ટન)ના કે પહેલા-બીજા ધોરણનાં ભૂલકાંઓને સ્કૂલે જવા-આવવા ક્યાં તો વાલીઓ સાથે હોય છે, ક્યાં સ્કૂલવાન હોય છે. ઘણાં શહેરોમાં રોડની પેલે પારની સ્કૂલમાં જવા છોકરાઓ જાતે જ ચાલતા જતા રહે છે. તેમને રોડ ક્રોસ કરવામાં ખૂબ જોખમ રહે છે. ઘણાખરા ક્રોસિંગ પર નાનાં ભૂલકાંનાં ચિત્ર મૂકીને વાહનચાલકોને ચેતવવામાં આવે છે. ઘણી જગ્યાએ કોઈ વ્યક્તિને ફરજ પર મૂકવામાં આવે છે. તે બાળકો રોડ ક્રોસ કરે ત્યાં સુધી વાહનોને રોકી રાખે છે. જ્યોર્જિયાના બાતુમીમાં એક ક્રોસિંગ પર આ કામ એક કૂતરું કરી રહ્યું છે. કાળા અને સફેદ રંગની ડિઝાઈન ધરાવતો આ કૂતરો રોજ ભૂલકાંઓને ક્રોસિંગ પાર કરાવવામાં મદદ કરે છે.

ભૂલકાંઓ ક્રોસિંગ પાર કરતાં હોય ત્યારે આ કૂતરો ભૂલકાંઓ અને ટ્રાફિકની વચ્ચે ઊભો રહી જાય છે. જેથી વાહનચાલક વાહન ઊભું રાખે. કોઈ વાહનચાલક વાહન ઊભું ન રાખે તો કૂતરો એ વાહનની સામે ઘુરકિયાં કરે છે. તેની ભાષામાં ભસીને ચેતવે છે કે, ઊભા રહો! બાળકો ક્રોસિંગ પાર કરી રહ્યાં છે. બધાં જ ભૂલકાં ક્રોસિંગ પાર કરી લે ત્યાં સુધી કૂતરો ખસતો નથી. આમ તો આ કૂતરાને કોઈએ આ કામ સોંપ્યું નથી કે તેને મહેનતાણું મળતું નથી. કૂતરાની આ કામગીરીનાં દૃશ્યો નજીકમાં રહેત બેગા શીન્ઝે નામની વ્યક્તિએ તેના કેમેરામાં ઉતાર્યાં છે. તેનું કહેવું છે કે આ કૂતરો પાડોશમાં જ રહે છે અને તેનું નામ કુર્શા છે. કૂતરાને આ શીખવાડયું કોણે અને એ શા માટે ફરજ બજાવે છે એનું રહસ્ય કોઈનેય સમજાતું નથી.

જોતાં જ બીક લાગે એવો ભયાનક કરોળિયો નથી? 

નવરાશના સમયે તમે ઘરનાં દરવાજા, બારીઓ વગેરેની સાફસફાઈ કરતા હોવ. બારીના પડદા ખોલો અને ત્યારે જ કોઈ વિચિત્ર જાનવર બારી પર આવી ચડે તો? સ્વાભાવિક છે ડરના માર્યા ચીસ નીકળી જાય. આવો જ એક વિચિત્ર અનુભવ ટેક્સાસના સેન્ટ એન્ટિઓ એપાર્ટમેન્ટમાં રહેતા ટીઓના થોમસ અને તેના પતિ કેનને થયો. તેમના ઘરની બારી પર અચાનક એક વિશાળ કરોળિયો આવી ચડયો. આટલો મોટો વિશાળ કરોળિયો જોઈને બંનેને ચિંતા થવા લાગી કે આ કરોળિયો ઝેરી હશે. એ બારીની બહાર હતો એટલે પતિ-પત્નીને કોઈ જોખમ નહોતું. બીક એ વાતની હતી કે ઘરની બહાર રહેલા તેમના પાલતુ ગલૂડિયાં પર હુમલો કરશે. તેઓએ ત્રણ મહિના પહેલાં જ એક નવજાત ગલૂડિયું પાળ્યું હતું. કરોળિયો ઝેરી હતો કે નહીં એની ચોક્કસ ખબર નહોતી. આખરે પતિ-પત્નીએ કરોળિયાને ભગાડવાની યોજના બનાવી લીધી. પતિ કેને બહાર જઈ કરોળિયો લટકતો હતો તેની નીચે એક મોટી બાલદી મૂકી. અંદરથી પત્નીએ બારી પર જોરથી ટકોરા માર્યા. એમની ધારણા પ્રમાણે કરોળિયાએ નીચે પડતું મૂક્યું ને એ બાલદીમાં પડયો. તરત જ પતિએ બાલદી ઢાંકી દીધી. પછી તેમણે સિક્યોરિટીને બોલાવ્યો અને કરોળિયાને સુરક્ષિત જગ્યાએ છોડી આવવા કહ્યું. સેન એન્ટોનીઓ પ્રાણીસંગ્રહાલયનું કહેવું છે કે આ કરોળિયો ટેક્સાસ ટન ટારાન્ટોલા પ્રજાતિનો છે. અમેરિકામાં ઠેર ઠેર દેખાય છે. તે ૬ ઈંચ મોટા થઈ શકે છે. અગાઉ ઓસ્ટ્રેલિયામાંથી એક જાનવરને ખાતા કરોળિયાનો ફોટો વાઈરલ થયો હતો.

૩૦ વર્ષે ખૂલ્યું રહસ્ય! 

એક ઘટના કોલકાત્તાના બીરભૂમમાંથી સામે આવી છે. અહીં રહેતી ૩૦ વર્ષની એક મહિલાને પેટમાં સખત દુખાવો થતો હતો. સ્થાનિક ડોક્ટર તેને જઠર કે આંતરડાંની ગરબડ માનીને દવા આપી દેતા હતા. દવાથી આરામ થઈ જતો હતો. એક વખત દવા ખાવા છતાં પેટની એ બીમારી ન મટી. દુખાવો ચાલુ જ રહ્યો તો સ્થાનિક ડોક્ટરે તેને હોસ્પિટલ જઈ ચેકઅપ કરાવવા કહ્યું.  મહિલા હોસ્પિટલ ગઈ અને તેના શરીરનું ચેકઅપ થયું ત્યારે ખબર પડી કે આ મહિલાના શરીર પર બહારનાં અંગ મહિલાનાં છે, પરંતુ એની અંદરના ભાગમાં પુરુષનાં અંગ છે. એ રીતે એ મહિલા દેખાતી હોવા છતાં ખરેખર તો એ પુરુષ છે. ડોક્ટરોનું કહેવું છે કે તેનું શરીર, અવાજ, શરીરનો વિકાસ અને અન્ય અંગો મહિલાઓ જેવાં દેખાય છે. તેની બ્રેસ્ટ વિકસી હતી અને જનનાંગ તરીકે વજાઈના હતી. પણ તેના શરીરમાં ગર્ભાશય અને અંડાશય જન્મથી જ નહોતાં. તેના બદલે અંદર પુરુષને હોય એવા વૃષણ, વીર્યવાહક નલિકા, વીર્યાશય વગેરે અંગ હતાં! તેને એન્ડ્રોજન ઈન્સેસિવિટી સિન્ડ્રોમ જોવા મળ્યો. આ મહિલા લગ્ન કરીને છેલ્લાં ૯ વર્ષથી પત્ની તરીકે જીવી રહી હતી. તેના પતિને આ વાતની ખબર પડી તો તેને આઘાત લાગ્યો. પુરુષ સાબિત થયેલી મહિલાને પણ ખબર નથી પડતી કે હવે શું કરવું?

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન