પોતાની આસપાસના રહસ્યના જાળાં ખોલવા સંઘની પહેલ - Sandesh
  • Home
  • Columnist
  • પોતાની આસપાસના રહસ્યના જાળાં ખોલવા સંઘની પહેલ

પોતાની આસપાસના રહસ્યના જાળાં ખોલવા સંઘની પહેલ

 | 3:39 am IST

દુનિયાનું સૌથી મોટું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેના ઇતિહાસમાં પહેલીવાર ખૂલીને લોકોની સમક્ષ આવી રહ્યું છે. સંઘની આસપાસ હંમેશા એક રહસ્યનું જાળું ગૂંથાયેલું જોવા મળ્યું છે. સંઘની શાખાઓમાં શુ પ્રવૃત્તિઓ ચાલે છે ? શાખામાં જનારને શેની ટ્રેનિંગ આપવામાં આવે છે ? સંઘની ત્રિમાસિક તથા વાર્ષિક શિબિરોમાં સ્વંયસેવકોને શું પ્રશિક્ષણ અપાય છે ? તે વાતોથી મોટો જનસમૂહ અજાણ હોય છે અને પરિણામે સંઘના વિરોધીઓ દ્વારા જે વાતો બહાર આવે છે તેને સાચી માની લેવામાં આવે છે.  અત્યાર સુધી સંઘ અંગે  જે માન્યતાઓ-ગેરમાન્યતાઓ દેશમાં પ્રવર્તી રહી છે તેના માટે કેટલાક અંશે ખુદ સંઘ પણ જવાબદાર છે. વર્ષો સુધી સંઘે દેશના મીડિયા સાથે એક ડિસ્ટન્સ રાખ્યું હતું. જેના કારણે મીડિયા પાસે પણ સંઘની આવતી વાતો ચકાસવા માટે કોઇ સ્ત્રોત ન હતો.

સંઘના સરસંઘચાલક તરીકે જ્યારથી મોહન ભાગવતે ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી સંઘમાં ખૂલ્લાપણું જોવામાં આવી રહ્યું છે.  મોહન ભાગવતે જ સંઘનો ટ્રેડમાર્ક બની ગયેલો ખાખી ચડ્ડીનો ડ્રેસકોડ બદલવાની હિંમત કરી અને સંઘના સ્વયંસેવકોને ખાખી ચડ્ડીને બદલે ખાખી પેન્ટનો ડ્રેસકોડ આપ્યો. સંઘને જે લોકો જાણતા નથી તેઓને આ એક નાનો ફેરફાર લાગે પરંતુ સંઘને જે જાણે છે તેઓ સમજી શકે છે કે સંઘનો ડ્રેસકોડ બદલવો એ કેટલી મોટી ઘટના છે.  મોહન ભાગવતનું માનવું છે કે સંઘ જેટલો ખૂલીને લોકો પાસે જશે તેટલી તેની લોકપ્રિયતા વધશે. કારણ કે સંઘ માટે જે ગેરસમજ ફેલાયેલી છે તે ગેરસમજ દૂર થશે કે જો સંઘ જાતે જ લોકોને મળશે અને લોકોને પોતાની વાત સમજાવશે.

આ પરિપ્રેક્ષ્યમાં જ સંઘ દ્વારા દિલ્હીના વિજ્ઞાનભવનમાં ૧૭, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરના રોજ, ”ભવિષ્યનું ભારત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ” વિષય પર એક સંમેલનનું આયોજન કરાયું છે. ત્રણ દિવસના આ સંમેલનમાં સંઘના સુપ્રીમો ગણાતા મોહન ભાગવત સતત ત્રણ દિવસ સુધી સંબોધન કરવાના છે. સંઘના ઔઇતિહાસમાં પહેલી વખત સંઘના સરસંઘચાલક કોઇ એક કાર્યક્રમમાં સતત ત્રણ દિવસ વક્તવ્ય આપવાના છે. આ કાર્યક્રમમાં  ભાગ લેવા માટે સંઘ તરફથી સંઘ પરિવારની બહારના ૮૦૦ જેટલા બુદ્ધિજીવીઓને આમંત્રણ અપાયા છે. જેમાં  ફોરેન એમ્બેસેડર્સ, બિઝનેસમેન, સેના અને સુરક્ષા વિભાગના રિટાયર્ડ અધિકારીઓ, ઉત્તર-પૂર્વ અને અન્ય રાજ્યોમાંથી જુદી જુદી જાતિ ધર્મના લોકો, લેખક, પત્રકાર વગેરે સામેલ છે. આ કાર્યક્રમમાં જ રાહુલ ગાંધી સહિત માયાવતી જેવા રાજકીય નેતાઓને પણ આમત્રંણ અપાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં પહેલી વખત સંઘના સુપ્રીમો લોકો દ્વારા પુછાયેલા પ્રશ્નોનો પણ જવાબ આપશે. જેના કારણે સંઘ અંગે જે કોઇ વાત મોહન ભાગવતે ત્રણ દિવસ દરમ્યાન કરી હોય અને તેમ છતાં કોઇ વાત રહી જતી હોય તો તે વાતનું નિરાકરણ પ્રશ્નો પૂછીને શ્રોતાઓ મેળવી શકશે.

સંઘ હંમેશાં હિંદુઓના સંગઠનની વાત કરતું આવ્યું છે. તાજેતરમાં દેશમાં જે ઘટનાઓએ આકાર લીધો છે તે અંગે સંઘ ચિંતિત છે. મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવના મુદ્દે દલિતો અને મરાઠાઓ વચ્ચેનું ઘર્ષણ એસ.સી-એસ.ટી. એક્ટના મુદ્દે દેશભરમાં દલિતો અને સવર્ણો વચ્ચેનો સંઘર્ષ, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધો અંગે આપેલો ચુકાદો જેવી બાબતો પર સંઘનું શું માનવું છે? તે વાતોનો ઉલ્લેખ આ ત્રણ દિવસના સત્રમાં ખુદ મોહન ભાગવત સ્પષ્ટતા કરશે તેવું મનાઇ રહ્યું છે.

શુક્રવારે યોજાયેલા વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં મોહન ભાગવતે શબ્દો ચોર્યા વગર કહ્યું હતું કે હિંદુ કોઇના વિરોધ કરવા માટે જીવતો નથી. પરંતુ કેટલાક એવા લોકો છે કે જે અમારો વિરોધ કરે છે એવા લોકો આપણને નુકસાન ન પહોંચાડે એટલા માટે આપણે તૈયાર રહેવું પડશે. તેમણે એવું પણ કહ્યું કે હિંદુ સમાજમાં પ્રતિભાવાન લોકોની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ એ લોકો કયારેય એક સાથે રહેતા નથી. હિંદુ એક સાથે રહે એ વાત  થોડી મુશ્કેલ છે.

હવે જ્યારે સજાતિયતાના મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદા દ્વારા જાહેર કર્યુ છે કે સજાતિયતા એ અપરાધ નથી ત્યારે સંઘની ખરી કસોટી થવાની છે. સંઘ હિંદુ સમાજની નૈતિકતાનો મુદ્દો લઇને વર્ષોથી ચાલતું આવ્યું છે. અને હવે જ્યારે સજાતિયતાના મુદ્દો દેશભરમાં ગાજ્યો છે ત્યારે સંઘે પણ પોતાની વાત સ્પષ્ટ કરી છે કે  સજાતીય વ્યક્તિઓ વચ્ચે સંમતિથી સંબંધો બંધાય એ વાત ઠીક છે પરંતુ સજાતિયો વચ્ચેના લગ્નસંબંધને કાનૂની માન્યતા આપવાના વિરોધમાં સંઘ છે. આ અંગે સંઘે સરકારને પણ જાણ કરી દીધી છે કે  સરકાર સજાતિય લગ્નોને માન્યતા આપે નહીં  સંઘનું માનવું છે કે સજાતીય લગ્ન સંબંધો પ્રકૃતિને અનુકૂળ નથી. આ સંબંધ કુદરતી હોતા નથી એટલે અમે તેનું સમર્થન કરતાં નથી.

લોકસભાની ચૂંટણી પહેલા સંઘ હિંદુઓના ભાગલાં ન પડે તે માટે સક્રિય બન્યું છે.  હમણાં જ યોજાયેલા રક્ષાબંધનના કાર્યક્રમમાં સંઘે દલિત અને પછાત વર્ગોની વચ્ચે જઇને ઉત્સવ ઊજવવાનું સ્વયંસેવકોને  જણાવ્યું હતું. સંઘના સ્વયંસેવકોએ ઝૂંપડપટ્ટીઓમાં જઇને રક્ષાબંધનનો ઉત્સવ ઊજવ્યો હતો. સંઘ વર્ષોથી સામાજિક સમરસતા અંગે જાગ્રત છે અને દેશનો દલિત આદિવાસી હિંદુુત્વથી દૂર ન જાય તે માટે પ્રયત્નશીલ છે. આ માટે જ સંઘે ગ્રામ્ય વિસ્તારોમાં એક મંદિર, એક કૂવો અને એક સ્મશાનનું સૂત્ર આપેલું હતું.  અને સંઘના સ્વયંસેવકો આ મુદ્દે ગામેગામ ફરીને અભિયાન પણ ચલાવ્યું હતું.

સંઘે પહેલી વખત વાજપેયીના નેતૃત્વમાં સત્તાનો સ્વાદ કેન્દ્રમાં ચાખ્યો હતો. ત્યારે વડા પ્રધાન વાજપેયી સંઘના સંપૂર્ણ કહ્યામાં ન હતાં. વાજપેયીને પણ ગઠબંધનવાળી સરકાર ચલાવવાની હતી એટલે સંઘના એજન્ડા પ્રમાણે સરકાર ચલાવવા સમર્થ પણ ન હતા. ૨૦૧૪ થી વાત બદલાઇ છે. સંઘના એક પૂર્ણકાલીન પ્રચારક એવા નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યાં છે. સંઘને  આ બાબતથી ખૂબ જ ગર્વ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા ઉપર આવે તે માટે સંઘ એડીચોટીનું જોર લગાવવાનું છે. અને તે માટે તે તમામ પ્રયત્નો કરી છૂટશે. દિલ્હીમાં ત્રણ દિવસના સત્રમાં સરસંઘચાલક મોહન ભાગવતજી તમામ ધર્મો અને સંપ્રદાયો અને વિવિધ વિચારધારામાં માનતા બુદ્ધિજીવીઓ વચ્ચે સંઘની વિચારધારા સ્પષ્ટ કરવાની છે અને સંઘ એ કોઇ ધર્મ, જાતિ કે વ્યક્તિ વિરોધી નથી પરંતુ સંઘ એ ભારતના મૂળ લોકોની એક્તા માટે અને ભારતના ઉત્થાન માટે પ્રયત્નશીલ છે. તે વાત પર જોર આપવાના છે.

[email protected]