ગુજરાતના આ ગામમાં ગણેશજીને પત્ર લખવાથી ભકતોની મનોકામના થાય છે પૂર્ણ - Sandesh
  • Home
  • Astrology
  • ગુજરાતના આ ગામમાં ગણેશજીને પત્ર લખવાથી ભકતોની મનોકામના થાય છે પૂર્ણ

ગુજરાતના આ ગામમાં ગણેશજીને પત્ર લખવાથી ભકતોની મનોકામના થાય છે પૂર્ણ

 | 4:37 pm IST

ભક્ત કવિ નરસિંહ મહેતાનું વચન છે ‘જ્યાં વિશ્વાસ ત્યાં વિશ્વંભર’ શ્રધ્ધા હોય ત્યાં ભગવાન જરુરથી ભક્તની વ્હારે આવે તેવો ભાવિકોને વિશ્વાસ હોય છે. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સિધ્ધિવિનાયક ગણેશ ભગવાનને આવી જ શ્રધ્ધાથી ભાવિકો પત્ર લખી પોતાની સમસ્યા મોકલાવે છે. જે પૂજારી એકાંતમાં વિઘ્નહર્તા દેવને સંભળાવ્યા બાદ ભાવિકને વળતા પત્રમાં સમાધાન સૂચવે છે.

પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે ઢાંક ગામે આ ગણપતિના દિવ્ય સ્વરૃપથી પ્રભાવિત થઈ મહાપૂજા કરી હતી તેવી વાયકા છે. સામાન્ય રીતે ગણપતિનું વાહન મુષક હોય છે, પરંતુ અહીંયા ગણેશ ભગવાન સિંહ પર સવાર, સિંહાસન પર બિરાજમાન છે. ભગવાન સાથે પત્ર વ્યવહારની શરુઆત કેવી રીતે થઈ ? મંદિરના પૂજારી ભરતગીરી ગોસ્વામી જણાવે છે કે ‘પહેલા લગ્નની કંકોતરી વગેરે બહારગામથી મોકલાવતા. બાદમાં શ્રધ્ધા દ્રઢ થતાં પત્ર વ્યવહાર શરુ થયો. આર્થિક સમસ્યા, નાના-મોટા રોગ-બીમારી, સંતાનપ્રાપ્તિ, સુખ સંપતિમાટે, બહેન-દીકરીઓના વેવિશાળ અને સુખ-દુઃખની વાતો તેમજ મુંઝવણો ભાવિકો દાદા સમક્ષ પત્રમાં લખી મોકલે છે.’

બાદમાં પૂજારી કોઈની માહિતી જાહેર ન થાય તેમ ર૪ કલાક દરમિયાન સાવ એકાંતનો સમય મળે ત્યારે ગણપતિ મહારાજ સમક્ષ દરેક ભાવિકનો પત્ર વાંચી સંભળાવે છે અને ભગવાન જે પ્રેરણા કરે, સંકેત કરે તે પ્રકારે તેમની સમસ્યાનું સમાધાન, મંત્રોપચાર ભાવિકના સરનામે વળતો પત્ર લખીને મોકલી આપે છે. ભગવાન સમસ્યા દૂર કરે તેવી શ્રધ્ધા છે. અને શ્રધ્ધા ફળે એટલે ભાવિકો રાજી થાય છે. ગણેશજીને લાડૂ-મોદક, શ્રીફળ ધરાવાય છે. ભાવિકો પગપાળા આવે છે. ગણેશ ચતુર્થીથી ૧૧ દિવસ ભાવિકોની ભીડ રહેશે. રોજ રપ૦૦ માણસોનો મહાપ્રસાદ તૈયાર થશે.

દટ્ટણ સો પટ્ટણ – માયા સો મિટ્ટી
આશરે બે હજાર વર્ષ પહેલા ઢાંક ગામનું નામ પ્રેહ પાટણ હતું. એક સાધુ મહારાજે પુરાણા પ્રેહ પાટણને શ્રાપ આપ્યો હતો કે ‘દટ્ટણ સો પટ્ટણ – માયા સો મિટ્ટી’. એ સમયે આવા ચોર્યાસી પાટણ હતા. શ્રાપથી આ બધા પાટણ ખળભળી ઉઠયા હતા. પરંતુ બચી ગયા હતા. પરંતુ આ પ્રેહ પાટણ બચી શક્યું ન હતું.

શિવ પરિવાર બિરાજે છે
આ ગણપતિ ધામમાં સમગ્ર શિવ પરિવાર બિરાજે છે. મુખ્ય દરવાજામાં ગણપતિદાદાના મોટાભાઇ કાર્તિક સ્વામી, પછીના મંદિરમાં મહાદેવ સદાશિવ ભોળાનાથનું મંદિર, ત્યાર પછી અલૌકિક સફેદ આંકડાના મૂળમાંથી સ્વયંભૂ ગણપતિદાદાનું મંદિર આવેલું છે, બાજુમાં જ સૂમુખાય ગણપતિ દાદા બિરાજે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન