Senior Congress leader from gujarat sagar rayka join bjp
  • Home
  • Gujarat
  • ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં સામેલ

ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં સામેલ

 | 7:45 pm IST
  • Share

  • મહેસાણા જિલ્લાના વતની સાગર રાયકા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે

  • કોંગ્રેસમાં નેતૃત્વનું સંકટ, મનફાવે તેવા નિર્ણય લેવાય છે

  • દેશહિત અને એકતા માટે ભાજપનું સમર્થન: સાગર રાયકા

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડવા લાગી ગઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી કરી દીધી છે. એવામાં પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ સાંસદ સાગર રાયકા સોમવારે ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપના મહાસચિવ તરૂણ ચૂગ અને પાર્ટીના સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં સાગર રાયકાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના પરિવારમાં રાયકાનું સ્વાગત કરતાં ચુગે આરોપ લગાવ્યો હતો કે, ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ પર તેના કેન્દ્રીય નેતૃત્વની જેમ દિશાવિહીન અને નીતિ વિનાનું થઈ ગયું છે.

સાગર રાયકાના ભાજપમાં સામેલ થવાથી ગુજરાતની રાજનીતિમાં મહત્વ જણાવતા તેમણે કહ્યું કે, હવે ત્યાં કોંગ્રેસમાં કોઈ બચ્યું જ નથી. એક મોટો ચહેરો આજે ભાજપમાં સામેલ થઈ ગયો છે. તેમના અનુભવથી ગુજરાતમાં ભાજપનો જનાધાર વધશે.

આ તકે રાયકાએ જણાવ્યું કે, તેઓ 46 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યાં હતા. જો કે આજે કોંગ્રેસના નેતૃત્વમાં સંકટ ઉભુ થયું છે. શું નિર્ણય લેવો, કેવી રીતે કામ કરવું? તેના કોઈ જ ઠેકાણા નથી.

સાગર રાયકાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાર્ટીમાં બંધારણ વિરુદ્ધ કામ કરીને મનમરજી મુજબ નિર્ણય લેવાઈ રહ્યાં છે. નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની પસંદગીમાં પણ ચર્ચાનો અભાવ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ લોકોથી દૂર થઈ રહ્યાં છે. આથી જ તેમણે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.

આજે દેશમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, જે પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. મને લાગ્યું કે, કોઈ પણ પ્રકારે હું તેમાં મારું યોગદાન આપું. દેશહિત અને એકતા માટે મેં ભાજપને સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સાગર રાયકા ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓમાંના એક છે. ઓબીસી વર્ગ પર સાગર રાયકાની મજબૂત પકડ હોવાનું મનાઈ રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો