ટ્રમ્પના ટોણાથી સેન્સેક્સ ૭૬૦ પોઇન્ટ ગગડી ગયો - Sandesh
  • Home
  • India
  • ટ્રમ્પના ટોણાથી સેન્સેક્સ ૭૬૦ પોઇન્ટ ગગડી ગયો

ટ્રમ્પના ટોણાથી સેન્સેક્સ ૭૬૦ પોઇન્ટ ગગડી ગયો

 | 1:28 am IST

। મુંબઈ ।

વિશ્વનાં અને એશિયાઈ બજારોમાં સેલઓફને પગલે સ્થાનિક શેરબજારોમાં પણ વેચવાલીનાં ઘોડાપૂર આવ્યાં હતાં, સેન્સેક્સ સવારના ટ્રેડિંગ સેશનમાં ૧,૦૦૦ પોઇન્ટ અને નિફ્ટી ૩૦૦ પોઇન્ટ કરતાં વધુ તૂટયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી એક તબક્કે છ મહિનાને તળિયે પહોંચ્યા હતા, પરંતુ નીચા મથાળે વેચાણો કપાતાં ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ ૭૫૯.૭૪ પોઇન્ટ અથવા ૨.૧૯ ટકા તૂટી મહત્ત્વની સપાટી ૩૪,૦૦૧.૧૫ અને નિફ્ટી ૨૨૫.૪૫ પોઇન્ટ અથવા ૨.૧૬ ટકા તૂટી ૧૦,૨૩૪.૬૫નાં મથાળે બંધ રહ્યા હતા.

અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાના નિર્ણયની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તીખી આલોચના કરતાં વૈશ્વિક બજારોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. ભારતીય રૂપિયો પણ ડોલર સામે વધુ તૂટીને નવા નીચલા ૭૪.૪૬ના સ્તરે પહોંચ્યો હતો. જોકે ટ્રેડિંગ સેશનના અંતે ડોલર સામે રૂપિયો ૦.૦૮ પૈસા સુધરીને ૭૪.૧૨ના મથાળે બંધ રહ્યો હતો.

શેરબજારોમાં ફાઇનાન્શિયલ અને આઈટી શેરોની આગેવાની હેઠળ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેન્ક ઇન્ડેકસમાં એકમાત્ર યશ બેન્ક જ તેજીમાં હતો ક્રૂડની કિંમતો પણ બે સપ્તાહના નીચલા સ્તરે પહોંચતાંં ઓએમસી શેરોમાં તેજી જોવા મળી હતી. માર્કેટ સેન્ટિમેન્ટ હજી પણ મંદીમય છે . ગુરુવારે ૧,૭૬૫ શેરો ઘટયા હતા, જ્યારે ૮૧૯ શેરોમાં તેજી થઈ હતી.

સ્ટોક માર્કેટ ક્રેશ થતાં રોકાણકારોની સંપત્તિમાં ત્રણ લાખ કરોડનો ઘટાડો   

બીએસઈ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૬૦ પોઇન્ટ તૂટી જતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ લિસ્ટેડ કપનીઓનું માર્કેટ કેપ મોર્નિગ ટ્રેડિંગ સેશનમાં ૩,૦૫,૬૨૫.૮૭ કરોડથી ઘટીને ૧,૩૫,૫૯,૬૯૫.૮૨ કરોડે પહોંચ્યું હતું. કારોબારમાં એક તબક્કે સેન્સેક્સે ૩૩,૭૨૩.૫૩નું બોટમ બનાવ્યું હતું.

વોલસ્ટ્રીટમાં સાત મહિનામાં સૌથી મોટો ૮૩૦ પોઇન્ટનો કડાકો

વોલસ્ટ્રીટમાં ડાઉ જોન્સ બુધવારે ૮૩૦ પોઇન્ટ તૂટયો હતો, જે સાત મહિનામાં સૌથી મોટો કડાકો હતો, જ્યારે નેસ્ડેક ૩૧૬ પોઇન્ટ, જાપાનનો નિક્કી ૯૧૫ પોઇન્ટ, હોંગકોંગનો હેંગસેંગ ૯૨૭ પોઇન્ટ, તાઇવાનનો તાઇપેયી ૬૬૧ પોઇન્ટ તૂટયા હતા, યુરોપિયન માર્કેટ ૨૦ મહિનાને તળિયે પહોંચ્યાં હતાં, જ્યારે શાંઘાઈ ચાર વર્ષને તળિયે પહોંચ્યો હતો. જેને પગલે સેન્સેક્સ અને નિફ્ટી ધોવાઈ ગયા હતા.