ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે આજે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સનું ટાઇટલ જીતીને ફરીથી નંબર વન વર્લ્ડ રેન્કિંગ મેળવી લીધું છે. સેરેનાએ ગેમમાં પોતાની મોટી બહેન વિનસને 6-4, 6-4થી હરાવીને આ જીત મેળવી છે. આ ટાઇટલ જીતીને સેરેનાએ એક અન્ય સિદ્ધિ પણ મેળવી છે. સેરેનાએ આ ટાઇટલ જીતીને તેની કરિયરનું 23મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. આ જીતની સાથે જ સેરેનાએ 22 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ જીતવાના સ્ટેફી ગ્રાફના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.

આજનો વિજય સેરેના માટે ખાસ છે કારણ કે આ ટાઇટલ જીતીને તેણે પોતાનો ગયા વર્ષનો વિમ્બલ્ડનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજનું ટાઇટલ જીતીને સેરેના આ સ્પર્ધામાં ગ્રાન્ડ સ્લેમ જીતનારી સૌથી મોટી વયની ખેલાડી બની ગઈ છે જ્યારે મોટી બહેન વિનસ સૌથી મોટી વયની ગ્રાન્ડ સ્લેમ ફાયનાલિસ્ટ બની ગઈ છે.

35 વર્ષની સેરેના 2016માં બહુ સારું પ્રદર્શન નહોતી કરી શકી જેના પરિણામે તે પોતાની નંબર વન પોઝીશન Angelique Kerber પાસે હારી ગઈ હતી. Angelique Kerberએ જ તેને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં હરાવી હતી. જોકે આ વર્ષે મહિનાની શરૂઆતમાં તેણે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે રમાયેલી ટુર્નામેન્ટથી કમબેક કર્યું હતું.

સેરેના અને વિનસ વચ્ચેની મેચોની વાત કરીએ તો સેરેનાએ 28 ટુર લેવલની મેચોમાંથી 17 મેચો જીતી ચૂકી છે. આ સિવાય તેણે નવ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલના ફાઇનલમાંથી સાતમાં વિજય મેળવ્યો છે. 13મી ક્રમાંકિત વિનસ પણ તેના સમયની મહાન ખેલાડી રહી ચૂકી છે. જોકે સેરેનાએ છેલ્લે 2008ની વિમ્બલ્ડનમાં સેરેનાને હરાવી હતી પણ પછી કોઈ સિંગલ્સ ટાઇટલ જીતી શકી નથી.