Serious incident of undress for menstruating girls at Sahajanand Girls Institute in Bhuj
  • Home
  • Gujarat
  • વિદ્યાર્થિનીઓના કપડાં ઊતરાવવાની ઘટનાથી ગુજરાતને લાંછન લાગતા CM રૂપાણી મેદાને

વિદ્યાર્થિનીઓના કપડાં ઊતરાવવાની ઘટનાથી ગુજરાતને લાંછન લાગતા CM રૂપાણી મેદાને

 | 1:43 pm IST

ભુજના સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટમાં કન્યાઓના માસિક ધર્મ ચકાસવા કપડાં ઊતરાવવાની ગંભીર ઘટનાથી ગુજરાતને લાંછન લાગ્યુ હોવા છતા ભાજપના અગ્રણી અને સમર્થક સંચાલકોનો રાજ્ય સરકાર બચાવ કરી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. શરમજનક ઘટનાને છુપાવવા માટે મીડિયાથી કન્યાઓને દૂર રાખી બંધ બારણે પ્રિન્સિપાલ પાસે માફી મંગાવીને સંચાલકો ભીનું સંકેલવાનો દિવસભર પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ બાદમાં હોસ્ટેલ વિવાદનો મામલો વાયુવેગે સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવતા 5 સભ્યોની મહિલા આયોગની ટીમ દ્ગારા તપાસ આરંભી દેવામાં આવી હતી. આ મામલે મહિલા આયોગ હોસ્ટેલ, કોલેજમાં તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે. આ મામલે હોસ્ટેલ સંચાલકે પ્રિન્સિપાલ સહિત 3 લોકોને ફરજ મોકુફ પણ કર્યા છે. ત્યાં જ હોસ્ટેલના 4 મહિલા સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલીત સહજાનંદ હોસ્ટેલ વિવાદ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે, પીરીયડ દરમ્યાન યુવતીના કપડા ઉતારવા મામલે તપાસ સોંપી દેવામાં આવી છે. ભુજમાં દીકરીઓ સાથે પ્રોબ્લેમ થયો છે તેવું વિજય રૂપાણીએ કહ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે, સરકારે પગલાં લીધા છે. અને આ મામલે રાજ્યનું શિક્ષણ વિભાગ પણ કડક પગલાં લેશે તેવી ખાતરી વિજય રૂપાણીએ આપી હતી.

આ અગાઉ ગઇ કાલે આખા મામલામાં ટ્રસ્ટીઓ બેઠક કરતાં રહ્યા અને પોલીસ તેમજ યુનિવર્સિટી સહિતના તમામ જવાબદારો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા દાવા કરતા હતા. પોલીસે આચાર્યા સહિત ચાર સામે મોડી સાંજે ગુનો નોંધ્યો હતો. કન્યાઓએ જેની સામે ઘટનાને દબાવી દેવાનો આરોપ મૂક્યો હતો તેવા કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણ પિંડોરિયાને પોલીસ ફરિયાદમાથી આબાદ બચાવી લેવાયા છે.

કચ્છ યુનિવર્સિટીના ઈસી મેમ્બર તેમજ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણ પિંડોરિયા સરકાર અને ભાજપમાં પહોંચ ધરાવે છે. આથી તેઓ એવો બચાવ કરી રહ્યાં છે કેં પ્રિન્સિપાલે માફી માગી લેતાં સમાધાન થઈ ગયું છે. બીજી બાજુ સત્તાના પીઠબળ હોવાથી કન્યાઓના નિવેદનો છતા પ્રિન્સિપાલને રજા પર ઉતારી દેવાયા છે. આ રીતે સમય પસાર કરીને સમગ્ર ઘટનાને રફેદફે કરી દેવાશે. આ ઘટનાએ સમગ્ર ભૂજ સહિત સરહદી કચ્છ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. લોકોમાં આજે આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાની ટીકા થઈ હતી.

આ વીડિયો પણ જુઓ : ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન