વાલીઓએ કેટલીક વિચારવા જેવી વાત – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS

વાલીઓએ કેટલીક વિચારવા જેવી વાત

 | 5:21 am IST

કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

દસમા ધોરણની અને બારમા ધોરણની પરીક્ષાઓનું ટેન્શન વિદ્યાર્થીઓ જ નહિ પણ એમના વાલીઓ ઉપર પણ ભૂતની જેમ સવાર થઈ ગયું છે. બાળકો પુસ્તકોના ઢગલાં નીચે દટાઈ મરે એટલું અને એવું શિક્ષણ એમને આપવામાં આવે છે અને એ શિક્ષણ મેળવીને જીવનમાં એ સફળતા મેળવે એવી ઈચ્છાથી વાલીઓ એમના ઉપર ચોકી પહેરો પણ રાખે છે.

પરીક્ષામાં બાળકોની સફળતા અને નિષ્ફળતાનો આપણે વિચાર કરીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે જીવનની આખીયે રંગોળીમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. એમાં માત્ર સતત ‘પ્રયત્ન’ જ છે.

બિલાડીનું બચ્ચું ઉંદર પાછળ દોડે છે. કયારેકને શિકારને પકડી શકે છે તો કયારેક શિકાર છટકી જાય છે, પરંતુ જ્યારે બચ્ચું શિકારને પકડી શક્તું નથી ત્યારે હતાશ થઈ જતું નથી કે આપઘાત કરવાનો વિચાર કરતું નથી. કારણ કે નિષ્ફળતા કે નાપાસ થવાનું કોઈ ખાસ મહત્ત્વ એના જીવનમાં નથી.

પ્રાણીઓ અને પક્ષીઓનાં જીવનમાં બનતો આવો કોઈપણ એક બનાવ માત્ર એ તબક્કે બનેલો એક બનાવ બનીને જ રહી જાય છે અને જિંદગીમાં તો આવા લાખો-કરોડો બનાવો બની શકે છે.

કરોળિયો જાળું ગૂંથે છે, પડી જાય છે, ફરી જાળું ગૂંથે છે. એની એ ક્રિયા એના જીવનમાં વણાઈ ગયેલી હોય છે. સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલું જાળું પણ જો નાશ પામે, તો પણ કરોળિયો હતાશાથી ગાંડો થઈ જતો નથી.

પક્ષીનો માળો અનેક વખત વીંખાઈ જાય, ઊધઈનો રાફડો ધોવાઈ જાય, મધમાખીનો મધપૂડો લૂંટાઈ જાય તો પણ ક્યારેય કોઈ પક્ષી કે મધમાખી નર્વસ-બ્રેકડાઉનનો ભોગ બનતી નથી.

પ્રાણીઓ, પક્ષીઓ, સાવ નાનાં જીવજંતુઓ પણ આ રીતે જ જીવે છે. એક માત્ર માણસ જ છે કે જુદા ત્રાજવાં અને કાટલાં રાખીને જીવે છે. પરિણામે દરેક પરીક્ષા વખતે અને પરીક્ષાના પરિણામ જાહેર થાય એ વખતે આપઘાતની સંખ્યા પણ વધતી જાય છે.

આપણે આપણા બાળકોને બચપણથી જ જીવનના કુદરતી નિયમોની વિરુદ્ધનું શિક્ષણ આપીએ છીએ અને આવા શિક્ષણને કારણે જીવનની દરેક નાની-મોટી બાબતોને બાળક પોતાની જાત સાથે સાંકળી લે છે અને જીવનભર એ જ રીતે જીવે છે.

પરીક્ષામાં નાપાસ થયા કે પ્રેમમાં નિષ્ફળતા મળી : હવે જીવવું નકામું છે.

નોકરી નથીઃ હવે કઈ રીતે જીવાશે?

ધંધામાં ખોટ ગઈઃ જિંદગી હારી ગયા? કુટુંબના કોઈ સભ્યે ખોટું કામ કર્યું: સમાજમાં કઈ રીતે મોઢું બતાવવું?

બચપણથી મળેલા શિક્ષણને કારણે માણસ એની જિંદગીને માત્ર એક જ તાંતણા ઉપર લટકાવી દેતો હોય છે.

માણસ જયારે પોતાના ત્રાજવાથી આખાયે જીવનને તોલવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે એ ભૂલી જાય છે કે જીવનને તો એના પોતાના તોલમાપ અને પોતાના નિયમો હોય છે.

એટલે જ, નાનામાં નાની કીડી, કોઈ જંતુ કે પક્ષી માટે જે સમજવાનું સાવ સરળ હોય છે એ બુદ્ધિશાળી હોવાનો દાવો કરતો માણસ સમજી શકતો નથી. પક્ષી કયારેય એમ વિચારતું નથી કે એકવાર માળો બાંધવામાં મને નિષ્ફળતા મળી એટલે મારી જિંદગી નકામી છે.

બુદ્ધિશાળી ગણાતો માણસ જ એમ વિચારે છે. અમુક પ્રયત્ને પણ હું પરીક્ષા પાસ ન કરી શક્યો, હવે જિંદગી જીવવાનો કોઈ અર્થ નથી. કારણ કે પરીક્ષાને જ એ જિંદગી માની લે છે. ધંધો કરતી કે નોકરી કરતી વ્યક્તિ પણ જ્યારે નિષ્ફળ જાય ત્યારે એ રીતે જ વિચારે છે.

જિંદગી ખૂબ જ વિશાળ અને અર્થસભર છે અને એકાદ ધંધાનું કે એકાદ વ્યક્તિનું એમાં કોઈ મહત્ત્વ નથી એવું શિક્ષણ જ આપણે આપતા નથી.

કોઈ એક કામમાં માણસને નિષ્ફળતા મળે ત્યારે એનો અર્થ એટલો જ છે કે એ કામમાં, એ સમયે, એ સંજોગોમાં એને નિષ્ફળતા મળી, એથી વિશેષ કશું નહીં- સમય અને સંજોગો બદલાતાં એ કામમાં પણ એને સફળતા મળી શકે છે.

મહાત્મા ગાંધી, લિંકન જેવા અનેક મહામાનવોના જીવનમાંથી નિષ્ફળતાઓ જીરવવાની શક્તિ માણસ મેળવી શકે છે.

સિંહ, વાઘ કે એવા જ કોઈ પશુને, શિકાર એની પાસેથી છટકી જાય ત્યારે આંસુ સારતું ક્યારેય કોઈએ જોયું નથી. શિકાર છટકી ગયા પછી થોડીવારમાં ફરી તૈયાર થઈને એ બીજા શિકાર માટે નીકળી પડે છે એ જ રીતે મનુષ્યએ વર્તવું જોઈએ. આખી જીવસૃષ્ટિ આ રીતે જ વર્તે છે. આપણે જીવસૃષ્ટિના એક ભાગ રૂપે એનાથી જુદા હોઈ શક્તા નથી અને એમાં જ નિષ્ફળતાને પરાસ્ત કરવાનું રહસ્ય છે. નિષ્ફળતાને કારણે પરાસ્ત ન થાવ. નિષ્ફળતાને પરાસ્ત કરતાં શીખો.