જવાનોએ રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે તેમનું જીવન સમર્પિત કર્યું : મોદી - Sandesh
  • Home
  • India
  • જવાનોએ રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે તેમનું જીવન સમર્પિત કર્યું : મોદી

જવાનોએ રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે તેમનું જીવન સમર્પિત કર્યું : મોદી

 | 5:36 am IST

। નવી દિલ્હી ।

પુલવામા ખાતે ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ આતંકીઓ દ્વારા કરાયેલા ઘૃણાસ્પદ હિચકારા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાની પહેલી વરસીએ પીએમ મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, દેશ ક્યારેય શહીદોનાં આ બલિદાનને ભૂલશે નહીં. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને મારી શ્રદ્ધાંજલિ. તેઓ અસાધારણ વ્યક્તિ હતા. જેમણે આપણા રાષ્ટ્રની સેવા અને રક્ષા માટે તેમનું જીવન સમર્પિત કર્યું હતું. ભારત તેમની કુરબાનીને ક્યારેય ભૂલશે નહીં. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે પણ પુલવામા હુમલાના ૪૦ શહીદોને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે ભારત તેમનાં બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય કેબિનેટના પ્રધાનો તેમજ અન્ય મહાનુભાવોએ પણ શહીદોની શહાદતને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

૪૦ જવાનોનાં અંતિમ સંસ્કારનાં સ્થળની માટી લવાઈ

શ્રીનગરમાં સીઆરપીએફના લેથપોરા કેમ્પમાં ૪૦ શહીદ જવાનોનાં સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના ઉમેશ ગોપીનાથ જાધવ મુખ્ય અતિથિ હતા. તેઓ તમામ ૪૦ શહીદ જવાનોનાં ઘરે ગયા હતા. જાધવ તેમની સાથે જવાનોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં તે સ્થળની માટી લાવ્યા હતા. આ માટે તેમણે દેશમાં ૬૧,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. સીઆરપીએફના એડિશનલ ડિરેકટર જનરલ ઝુલ્ફીકાર હસન આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા. તેમણે ગુરુવારે સ્મારક સ્થળે જઈને બહાદુર શહીદોને પુષ્પાંજલિ આપી હતી. તેમણે હુમલાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે આ પછી આપણને ઘણું શીખવા મળ્યું છે. હવે લશ્કરી કાફલાની આવનજાવન વખતે આપણે સુરક્ષાના વધુ કવચ રાખીએ છીએ અને વધુ સજાગ રહીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન