સેવંતીની સિઝનલ જાતની રોપણીમાં મોડું કરશો નહીં, કારણ કે... - Sandesh
  • Home
  • Agro Sandesh
  • સેવંતીની સિઝનલ જાતની રોપણીમાં મોડું કરશો નહીં, કારણ કે…

સેવંતીની સિઝનલ જાતની રોપણીમાં મોડું કરશો નહીં, કારણ કે…

 | 6:00 am IST

ફૂલોમાં ગુલાબ પછી સેવંતી બીજા નંબરનું મહત્વનું સ્થાન ધરાવે છે.ગુલાબને ફૂલોનો રાજા અને સેવંતીને ફૂલોની રાણી કહેવામાં આવે છે. સેવંતીના ફૂલ વિવિધ પ્રકારના રંગ અને આકાર ધરાવે છે. જે અન્ય ફૂલછોડમાં ભાગ્યે જ જોવા મળે છે. સેવંતી આપણા દેશના વિવિધ પ્રદેશોમાં જુદા-જુદા નામથી પ્રચલિત છે.ઉત્તર ભારતમાં ગુલદાઉદી, દક્ષિણ ભારતમાં સેવાન્થી, પૂર્વ ભારતમાં ચંદમલિલ્કા અને પશ્ચિમ ભારતમાં સેવંતીના નામથી ઓળખાય છે. સેવંતીનું મૂળ વતન ચીન માનવામાં આવે છે.તે જાપાન દેશનું રાષ્ટ્રીય ફૂલ (નેશનલ ફ્લાવર) ગણાય છે.

સેવંતીનાં ફૂલો આપતી મુખ્ય બે પ્રજાતિમાં કાઈસેનથીમમ મોરીફોલીયમ અને કાઈસેનથીમમ ઈન્ડીકમ છે. મોરીકોલીયમ પ્રજાતિ કાયમી પ્રકારની છે જ્યારે ઈન્ડીકમ સીઝનલ પ્રકારની છે. સેવંતીમાં ફૂલો બટન જેટલા કદથી માંડીને મધ્યમ કદનાં કોબીફ્લાવરનાં દડા જેટલા કદનાં જોવા મળે છે. તેના ફૂલોનો વિવિધ ઉપયોગ થાય છે. જેમાં પૂજામાં, હાર,ગજરા અને વેણી બનાવવા માટે તેમજ કટફલાવરમાં મુખ્યત્વે થાય છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં સફેદ,ક્રિમ અને પીળા રંગની જાતો વિશેષ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં જાંબલી, લાલ, પીળો અને સફેદ રંગ ધરાવતી જાતો બગીચામાં તથા કૂંડામાં રોપી શોભા વધારવામાં વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.

ઈંગ્લેન્ડમાં વ્યાપારિક ધોરણે જોતાં સેવંતી બીજું સ્થાન ધરાવે છે અને મુખ્યત્વે પ્રદર્શનમાં ઉપયોગ થાય છે.અમેરિકામાં સેવંતી ડોલર કમાવી આપતું ફૂલ ગણાય છે.આપણા દેશમાં મુખ્યત્વે કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનમાં ચોક્કસ વિસ્તારમાં તેની વ્યાપારિક ધોરણે ખેતી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર રાજ્યનાં અહમદનગર જિલ્લામાં આશરે રોકડીયો પાક ગણાય છે. ગુજરાતમાં પણ હવે વ્યાપારિક ધોરણે સેવંતીનું વાવતેર વલસાડ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં કરવામાં આવે છે.

સેવંતીની જાતોને મુખ્યત્વે બે જૂથમાં વહેંચવામાં આવે છે.મોટા ફૂલો ધરાવતી જાતો અને નાના ફૂલો ધરાવતી જાતો  આધારિત વર્ગીકૃત કરવામાં આવી છે.  સેવંતીની રંગ મુજબની જુદી જુદી જાતો- (૧)મોટા ફૂલ ધરાવતી જાત (૨) નાના ફૂલો ધરાવતી જાત અને (૩)કુંડા માટેની આકર્ષક જાત.

સેવંતીને અનુકૂળ હવામાન 

પ્રકાશ અને ઉષ્ણતામાન સેવંતીના છોડની વૃદ્ધિ અને ફૂલો બેસવાની ક્રિયા માટેનાં અગત્યના પરિબળો છે. લાંબા દિવસ અને ટૂંકી રાત્રિના ગાળામાં સેવંતીની વાનસ્પતિક વૃદ્ધિ થાય છે. જ્યારે શિયાળામાં ફૂલો આવતા હોવાથી સેવંતીને ટૂંકા દિવસના છોડના વર્ગમાં મૂકવામાં આવે છે. મોટાભાગની જાતોને ફૂલની કળી આવવાની અવસ્થાએ હૂંફાળી રાત્રિ વધુ અનુકૂળ આવે છે. જે સમયે રાત્રિની ૧૫.૫ અંશ સે. ઉષ્ણતામાન આદર્શ ગણાય છે. રાત્રિનું ઉષ્ણતામાન ૧૦ અંશ સે.થી ૧૨ં સે. થાય ત્યારે ફૂલની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે.

જમીન કેવી જોઈએ

સેવંતીના પાકને કોઈપણ સારા નિતારવાળી,ગોરાડુ કાંપવાળી કે મધ્યમ કાળી જમીન અનુકૂળ આવે છે.ચીકણી માટીવાળી કે પાણી ભરાઈ રહેતું હોય તેવી ઓછી નિતારવાળી જમીન આ પાકને માફક નથી.સામાન્ય રીતે સૌરાષ્ટ્રની બધી જ જમીન આ પાકને માફક આવે છે.સેવંતીનો પાક એકથી વધુ ઋતુ માટે જમીનમાં ઊભો રહેતો હોઈ જમીનને વ્યવસ્થિત ઊંડી ખેડી કાયમી પ્રકારનાં નીંદણ દૂર કરવા જોઈએ. ત્યારબાદ ઢેફાં ભાંગી,બિનજરૂરી જડિયા દૂર કરી જમીનમાં પૂરતાં પ્રમાણમાં સેન્દ્રિય ખાતર આપી જમીન સમતળ કરવી જોઈએ.જેથી પાક દરમિયાન નીંદણનો પ્રશ્ન ઓછો ઉદ્ભવે

સેવંતીનું વર્ધન

સેવંતીનું પ્રસર્જન મુખ્યત્વે પીલા, કટકા અને બીજ એમ ત્રણ રીતે થાય છે.

પીલા દ્વારા પ્રસર્જન

સેવંતીની કાયમી પ્રકારની જાતનાં છોડનાં મૂળ નજીક કુદરતી રીતે જ પીલા ફૂટે છે. જેને મૂળ સહિત મુખ્ય છોડથી છૂટાં પાડીને નવા વાવેતર માટે ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે છોડનું મૂળતંત્ર વિકાસ પામેલ હોવાથી છોડ સરળતાથી ચોંટી જાય છે અને છોડની વૃદ્ધિ ઝડપથી થાય છે.

કટકા પદ્ધતિ

છોડની ટોચની ડાળીનાં કટકાનો ઉપયોગ કરવામાં આવે છે. છોડ પર ફૂલો બેસવાની ઋતુ પૂર્ણ થયા બાદ છોડને ૧૫-૨૦ સે.મી. ઊંચાઈ રાખીને કાપી નાખવામાં આવે છે. પાનની કક્ષકલિકામાંથી જે નવી ડાળીઓ ફૂટે છે તેના ટોચ તરફથી ૫થી ૮ સે.મી. લંબાઈના કટકા કાપી કટકા નીચેની તરફનાં પાન દૂર કરી ફૂગનાશક દવા થાયરમ કે કેપ્ટાનનાં દ્રાવણમાં બોળી ત્યારબાદ ૧૦૦ પી.પી.એમ., આઈ.બી.એ. (ઈન્ડોલ બ્યુટારીક એસિડ) અથવા ૨૦૦ પી.પી.એમ., એન.એ.એ. (નેપ્થેલીક એસિટિક એસિડ)નાં દ્રાવણમાં અડધી મિનિટ બોળ્યા બાદ કટકાઓને તૈયાર કરેલ ક્યારામાં રોપવા. કટકાને નિયમિત જરૂર મુજબ પાણી આપતાં રહેવું. આ રીતે ૩થી ૪ અઠવાડિયામાં છોડ પોલિથિલીન કોથળી કે ખેતરમાં રોપવા માટે તૈયાર થાય છે.

બીજ દ્વારા રોપણી

બીજ દ્વારા વર્ધનની રીતમાં ઉત્તમ ગુણવત્તાવાળા, રોગ-જીવાત મુક્ત છોડ પસંદ કરીને તેના ફૂલોમાંથી બીજ કાઢી, તડકામાં સૂકવી, પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરવા જોઈએ.જેનો શિયાળાની ઋતુ દરમિયાન ધરુંનો ઉછેર કરી રોપણી લાયક  એટલે કે ૩થી૪ અઠવાડિયાના થાય ત્યારે ફેરરોપણી કરવી જોઈએ.

રોપણી માટે ધરુનો સમય

કાયમી પ્રકારની સેવંતીની જાતોનાં પીલા કે કટકા દ્વારા ઉછેરલ છોડની ફેરરોપણી જુલાઈના અંતિમ અઠવાડિયાથી સપ્ટેમ્બર માસ સુધી કરી શકાય છે. જે તે જાતનાં ફેલાવા અનુસાર ૩૦/૩૦ સે.મી. અથવા ૪૫/૪૫ સે.મી.ના અંતરે રોપણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણા રાજ્યમાં સીઝનલ પ્રકારની જાતની રોપણી ઓક્ટો-નવેમ્બર માસમાં ધરું તૈયાર કરીને ૩૦/૩૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે.વધુ ઊંચાઈવાળા જાતોના છોડને વાંસના કટકાથી ટેકા આપવા.જેથી શાખાઓ જમીનથી ઊંચે  રહે,ગુણવત્તા પર ખરાબ અસર પડે નહિ

ચોક્કસ ખાતર જરૂરી

જમીન તૈયાર કરતી વખતે ૨૦થી ૨૫ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર,ગળતિયું છાણિયંુ ખાતર પ્રતિ હેકટર મુજબ નાખી જમીનને ખેડીને ભરભરી બનાવવી. રાસાયણિક ખાતર હેકટર દીઠ નાઈટ્રોજન ૭૫કિગ્રા., ફોસ્ફરસ ૧૦૦ કિગ્રા.,તથા ૧૦૦ કિગ્રા.પોટાશ તત્વના રૂપમાં આપવું.જેમાંથી નાઈટ્રોજનનો અડધો જથ્થો જમીન તૈયાર કરતી વખતે તથા વધેલા જથ્થાનો અડધો જથ્થો ૩૦થી ૪૫ દિવસે અને બાકી વધેલ જથ્થો એક માસ બાદ એટલે કે ૬૦થી ૭૫ દિવસે આપવો.

ઋતુ મુજબ પિયત

સેવંતીના છોડને પાણીની જરૂરિયાત ઋતુ પ્રમાણે જુદી જુદી હોય છે. સેવંતીની છોડની શરૂઆતની વૃદ્ધિ દરમિયાન વિશેષ પાણીની આવશ્યકતા હોય છે. ચોમાસામાં વરસાદ અનિયમિત હોય ત્યારે પાણીની ખેંચ ન પડે તે માટે ખાસ કાળજી રાખવી. છોડ ઉપર કળીઓ બેસવાની શરૂઆત થાય ત્યારે પિયતનો ગાળો લંબાવવો જોઈએ. સામાન્ય રીતે જમીનનાં પ્રકાર મુજબ શિયાળામાં ૭થી ૧૦ દિવસે અને ઉનાળામાં ૩થી ૫ દિવસે પાણી આપવું જોઈએ.

પાક સંરક્ષણ

મોલો-મશી, થ્રીપ્સ અને પાનની ઈયળોના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા જેવી કે રોગર, મેટાસીસ્ટોક્ષ ૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી. જેટલી નાંખી છંટકાવ કરવો.મૂળનો કોહવારો અને થડના સૂકારાના નિયંત્રણ માટે બાવીસ્ટીન કે ડાયથેન એમ-૪૫ જેવી દવાનો છંટકાવ કરવો.છોડની સારી વૃદ્ધિ માટે રોપણી પછી ૩૦-૪૫ દિવસે અગ્રકલિકા સહિતનો ટોચનો ભાગ દૂર કરવો

ઉત્પાદન

સેવંતીના ફૂલોનું ઉત્પાદન તેના પ્રકાર અને વાતાવરણ પર આધારિત છે. છૂટા ફુલોનું ૮થી ૧૦ ટન / હેકટરે તેમજ ચોમાસામાં રોપણી કરેલ છોડનું ઉત્પાદન હે.દીઠ ૨૦થી ૨૫ ટન મળે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન