સજાતીય સંબંધોને અપરાધ ગણવા અંગે સરકારનું સુપ્રીમમાં નરો વા કુંજરો વા - Sandesh
  • Home
  • India
  • સજાતીય સંબંધોને અપરાધ ગણવા અંગે સરકારનું સુપ્રીમમાં નરો વા કુંજરો વા

સજાતીય સંબંધોને અપરાધ ગણવા અંગે સરકારનું સુપ્રીમમાં નરો વા કુંજરો વા

 | 5:11 am IST

નવી દિલ્હી :

આઈપીસીની ધારા ૩૭૭ની અત્યાર સુધી જોરદાર તરફેણ કરી રહેલી કેન્દ્ર સરકારે અચાનક ગુલાંટ મારી દીધી છે. સરકારે બુધવારે જણાવ્યું હતું કે, બે પુખ્ત સમલૈંગિકો વચ્ચે સંમતિથી થતા સમાગમને અપરાધ ઠેરવતી આઈપીસીની ધારા ૩૭૭ની યોગ્યતા પર સરકાર કોઈ વલણ નહીં અપનાવે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અમે આ નિર્ણય અદાલતનાં ડહાપણ પર છોડી દઈએ છીએ. ગૃહમંત્રાલયે સરકારના આ નિર્ણયની જાણ કરતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સરકાર પર વ્યંગબાણ છોડયું હતું. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે, તેનો અર્થ એ થયો કે, તમે હથિયાર હેઠાં મૂકી દીધાં છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જો સરકાર કોર્ટમાં ધારા ૩૭૭ની તરફેણમાં રહે તો તેના હિંદુત્વના એજન્ડાને મોટો ફટકો પડી શકે તેમ હતો, તેથી મોદી સરકારે આ વિવાદાસ્પદ મુદ્દાનો ઓળિયોઘોળિયો સુપ્રીમના ગળામાં નાખી દીધો છે, હવે સુપ્રીમ દ્વારા ધારા ૩૭૭ રદ કરાય તો પણ સરકાર દોષનો ટોપલો સુપ્રીમ કોર્ટ પર ઢોળી શકે છે અને સમલૈંગિકોના મત અંકે કરી શકે.

બે સમલૈંગિકો મરિનડ્રાઇવ પર આંટો મારવા નીકળ્યા હોય ત્યારે પોલીસ હેરાન ન કરે, માટે સુરક્ષાની ચર્ચા કરી રહ્યા છીએ : જસ્ટિસ ચંદ્રચૂડ

જસ્ટિસ ચંદ્રચૂડે તુષાર મહેતાની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, આ સુનાવણીનો મુખ્ય હેતુ સંબંધોનો પ્રકાર સમજીને બંધારણના આર્ટિકલ ૨૧ના સંરક્ષણમાં લાવવાનો છે. અમે પરસ્પર સંમતિથી બે પુખ્ત વચ્ચે બંધાતો સંબંધ મૂળભૂત અધિકાર છે કે નહીં તે અંગે ચકાસણી કરી રહ્યા છીએ. બે સમલૈંગિકો મરિનડ્રાઇવ પર આંટો મારવા નીકળ્યાં હોય ત્યારે પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાવી જોઈએ નહીં.

સંમતિથી બંધાતા તમામ સંબંધોને રક્ષણ આપવાની ચર્ચા : ચીફ જસ્ટિસ

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે, કોર્ટ સંબંધોને સંરક્ષણના મુદ્દા પર વિચારણા કરી રહી છે. અદાલત તેની વિચારણાનો દાયરો ફક્ત સમાગમની રીતો અથવા તો સમલૈંગિકોને દાયરામાં રાખીને વિચારણા કરી રહી નથી, પરંતુ પરસ્પર સંમતિથી જાતીય સંબંધ બાંધનાર પુખ્તોને અપરાધ માટે જવાબદાર ગણવામાં ન આવે તે અંગે વિચારણા કરી રહી છે. અધિક સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જો સેક્સનો પાર્ટનર પસંદ કરવાના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કરાશે તો કોઈ આવીને કહેશે કે તે તેની બહેન કે ભાઈ સાથે લગ્ન કરવા માગે છે. જે લગ્નો અંગેના કાયદાનું ઉલ્લંઘન કરશે.

લગ્નની પવિત્રતા માટે વ્યભિચાર અપરાધ ગણાવો જ જોઈએ : કેન્દ્ર

આઈપીસીની ધારા ૪૯૭ અંતર્ગત વ્યભિચાર માટે પુરુષ અને સ્ત્રી બંનેને સમાન રીતે જવાબદાર ગણાવવાની માગ કરતી અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કરતાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, લગ્નસંબંધની પવિત્રતા માટે વ્યભિચાર અપરાધ ગણાવો જ જોઈએ. બેન્ચ આઈપીસીની ધારા ૪૯૭ અંતર્ગત મહિલાને પણ વ્યભિચાર માટે જવાબદાર ગણાવવા સમીક્ષા કરી રહી છે.