શકટાસુરનો વધ   - Sandesh

શકટાસુરનો વધ  

 | 2:15 am IST

ભાગવત સરિતા

શ્રી કૃષ્ણે પોતાનાને મરણને શરણ કર્યા એટલે તેનો ભાઇ શકટાસુર પોતાની બહેનનું વેર લેવા માટે આવ્યો. આ શકટાસુર ગયા જન્મમાં હિરણ્યાક્ષનો પુત્ર હતો. આ દિવસે નંદબાબાના ઘરે ગોપ-ગોપીઓના પૂજનનો ઉત્સવ હતો માટે આખું ગોકુળ ગામ પધારવાનું હતું. યશોદાજીએ કાનાને ગાડા નીચે ઘોડિયું બાંધી સુવડાવ્યો હતો. ગાડામાં શકટાસુર લપાઇને બેઠો હતો.

ભગવાને ગાડામાં સ્હેજ ઉપર નજર કરી તો શકટાસુર ભગવાન પર હુમલો કરવાની તૈયારીમાં જ હતો. શ્રી કૃષ્ણે પોતાનો પગ ઊંચો કરી શકટાસુર ઉપર લાતનો પ્રહાર કર્યો. પ્રભુની લાતનો પ્રહાર થવાથી જ શકટાસુર ઉથલી પડયો અને સાથેસાથે ગાડું પણ ઉથલી પડયું અને શકટાસુર તે ગાડા નીચે દબાઇને મરી ગયો. પ્રભુએ વળી એક અસુરને હણ્યો અને તેનો ઉદ્વાર પણ કર્યો.

તૃણાવર્તનો વધ  

શ્રીકૃષ્ણ ભગવાન હવે જમીન ઉપર ગલોટિયાં ખાવા લાગ્યા છે. શરીર પણ ઠીકઠીક પુષ્ટ થયું છે. જાડિયા ન કહેવાય પણ ભરાવદાર શરીર થયું છે. શ્રીકૃષ્ણને જોઇને જ લાડ કરવાની ઇચ્છા થાય એવા થયા છે. એક દિવસ ભગવાનને લઈને યશોદા મૈયાને એમ થયું કે સહેજ ધૂળની ડમરી ઊડે છે, કશો વાંધો નથી લાલાને બહાર પરસાળમાં રમવા દઉં.

થોડીક ક્ષણોમાં એ સ્હેજ પવન મોટી આંધીમાં પલટાઈ ગયો અને ભમ્મરિયો વંટોળ શરૂ થઇ ગયો. એ વંટોળ બીજું કશું નહીં પણ તૃણાવર્ત અસુર હતો. તેણે પોતાની ભમરીમાં લાલાને ઉપાડી લીધો અને દૂર અધ્ધર આકાશમાં ચાલ્યો ગયો. ભગવાને તૃણાવતને ગળેથી પકડયો છે અને તૃણાવર્તને એમ કે, હું શ્રીકૃષ્ણને અધ્ધર ફેકી દઉં. ભગવાન ધીમેધીમે પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે. એક સમય એવો આવ્યો કે તૃણાવર્તની ગરદન ભગવાનની પકડમાં ભીંસાઇ ગઇ અને તેના પ્રાણ રૂંધાઇ ગયા. તૃણાવર્ત પ્રાણહીન બની ગયો અને મૃત્યુ પામ્યો. ભગવાન તૃણાવર્તના ગળે જ વળગેલા રહ્યા અને તૃણાવર્ત મોટા ધડાકા સાથે ધરતી પર પછડાઇ પડયો. ભગવાન તો જાણે કશું બન્યું જ ન હોય તેમ તૃણાવર્તના શરીર ઉપર રમવા લાગ્યા. યશોદા મૈયા અને અન્ય ગોપ-ગોપીઓએ દોડીને ભગવાનને ઊંચકી લીધા. ગોકુળમાં બધા જ આૃર્યચકિત થઇ ભગવાનના આ લીલાચરિત્રનું ગાન કરવા લાગ્યા.

શ્રીકૃષ્ણ ભગવાને બાળપણમાં જ ઘણા અસુરનો વધ કર્યો. જેમ કે, ભગવાને વત્સાસુરને હણ્યો. અજગરના સ્વરૂપમાં આવેલાં પુતના તેમજ બકાસુરના નાના ભાઇ અઘાસુરનો નાશ કર્યો. વળી, તાડવનમાં રહેતા દુષ્ટ અસુર ઘેનકાસુરને વનમાં ઝાડ સાથે પછાડી પછાડીને મારી નાખ્યો અને ત્યારબાદ સર્વ ગોપગોપીઓ વનમાં નિર્ભય રીતે વિચરી શકતાં હતાં. આમ, ભગવાને અનેક અસુરોને બહાદુરીપૂર્વક બાળ અને તરુણ અવસ્થામાં જ હણી અસુરી તત્ત્વોના નાશનું કાર્ય આરંભ કરી દીધું હતું.

શ્રીકૃષ્ણ અને બલરામનાં નામકરણ  

શ્રી શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે,ગર્ગાચાર્યજી મહાન જ્યોતિષી અને યદુકુળના પુરોહિત હતા. વસુદેવની પ્રેરણાથી ગર્ગાચાર્યજી વ્રજમાં નંદરાજાના ઘરે પધાર્યા. નામકરણ વિધિ માટે નંદરાય ઘણા ઉત્સવમાં હતા. તેમણે ગર્ગાચાર્યજીનું બે હાથ જોડી સ્વાગત કર્યું. નંદબાબાએ મોટા જલસાની તૈયારીઓ કરી હતી. આ જોઇ ગર્ગાચાર્યજીએ નંદરાયને કહ્યું, ‘જુઓ યજમાન! હું જ્યોતિષાચાર્ય ખરો, આપનો કુળપુરોહિત પણ ખરો તેમાં લેશમાત્ર ના નથી પણ એક વાતનો આપને ખ્યાલ રાખવો પડશે કે જો આ જલસાની જાણ કંસને થશે તો તે આ બાળકને મારવાની તૈયારીઓ કરશે અને હું તેનો નિમિત્ત નથી બનવા માગતો. આથી, આપણે ઘરના પાછળના ભાગમાં ગૌશાળામાં જ આ વિધિ પૂર્ણ કરીએ.’

ગર્ગાચાર્યજીની આ વાત સાથે નંદરાય સંમત થયા અને ગૌશાળામાં વેદમંત્રોનું ગાન થયું અને ગર્ગાચાર્યજીએ કહ્યું, ‘રોહિણીપુત્ર બલરામ સમાજ અને કુટુંબને આનંદ આપનાર બનશે. તેમજ આગળ જતા તે રામ તરીકે પણ ઓળખાશે. ગર્ગાચાર્યજીએ બલરામનાં કુલ ત્રણ નામ કહ્યાં – બલરામ, સંકર્ષણ તથા બલદેવ.’ વળી બીજા પુત્રની વાત કરતા ગર્ગાચાર્યજી બોલ્યા, ‘આ બાળકે યુગેયુગે જુદાજુદા અવતાર ધારણ કર્યા છે. આ બાળકનો પ્રથમ શ્વેત રંગ હતો પછી રક્તવર્ણ થયો ત્યારબાદ પીળો અને હવે શ્યામવર્ણ છે આથી આ બાળકનું નામ કૃષ્ણ રાખો. વળી, આ વાસુદેવનો પુત્ર પણ હતો આથી તે વાસુદેવ પણ કહેવાશે. આ પુત્ર ગોકુળ અને ગોવાળિયાઓને અનેક સંકટોમાંથી ઉગારશે. વળી સમસ્ત વિશ્વનું કલ્યાણ કરશે. ‘

ગર્ગાચાર્યજી આગળ કહે છે, ‘આમ તો બધું શ્રેષ્ઠ છે પણ રાહુની પરિસ્થિતિ જરા યોગ્ય નથી પણ તેમાં કશી ચિંતા કરવા જેવું નથી. આ પુત્ર ઘણી સ્ત્રીઓનો ધણી થશે. આ પુત્રપ્રભાવમાં નારાયણ જેવો છે, તેનું ઐશ્વર્ય અમાપ છે આથી તમે તેનું રક્ષણ કરજો.’ ગર્ગાચાર્યજીનાં આ વિધાન સાંભળી નંદરાય ખૂબ જ આનંદિત થયા. તેમને થયું ચાલો ભગવાનની આપણા પર કૃપા વરસી છે, મારો પરિવાર ઉત્તમ પરિવાર કહેવાશે.                     (ક્રમશઃ)

[email protected] com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન