LED કૌભાંડ મુદ્દે વિજિલન્સમાં ફરીયાદ, સરકાર તપાસ કરાવે : શક્તિસિંહ ગોહિલ

957

ઉજલા ગુજરાત સ્કિમમાં LED બલ્બ વેચવાના નામે સરકારમાં મોટુ કૌભાંડ થયાનો ભાંડો કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ફોડયો છે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન LED બલ્બના સવાલમાં ગોહિલે વિજિલન્સ કમિશનમાં આ મુદ્દે થયેલી ફરિયાદમાં સરકાર સાચી હોય તો તપાસ કરાવે તેવો પડકાર ફેંક્યો હતો.

વરાછાના કિશોર કાનાણી સહિત ભાજપના અનેક ધારાસભ્યોએ ઉઠાવેલા સવાલના જવાબમાં ઊર્જામંત્રી ચિમન સાપરિયાએ ગુજરાતે ઉજાલા સ્કિમમાં ૧.૮૮ કરોડ LED બલ્બનું વિતરણ કર્યા આંકડાઓ જાહેર કર્યા હતા. એટલુ જ નહીં, મંત્રીએ તો વીજળીમાં બચત થઈ રહી હોવાનો પણ દાવો કર્યો હતો. આ દરમિયાન વિપક્ષમાંથી શક્તિસિંહે પૂરક સવાલ ઉઠાવીને ખરેખર વીજળી અને તેના બિલમાં નાગરિકોને રાહત થઈ હોય તો તેના આંકડા જાહેર કરવાની માગણી કરતા ઊર્જામંત્રી સાપરિયા તેનો ફોડ પાડી શક્યા નહોતા.

ગોહિલે કહ્યું કે, LED બલ્બથી બચતની વાત તો સાઈડમાં રહી તેનાથી લોકોની આંખો ખરાબ થઈ રહી છે. LED બલ્બની ખરીદીમાં જે રીતે પ્રક્રિયા થઈ છે તેની સામે વ્યાપક ફરિયાદો છે. વિજિલન્સ કમિશને પણ નોટિસ ફટકારી છે. સરકારે તેની તપાસ કરાવવા માગે છે કે કેમ ? આ સવાલની સામે મંત્રીએ કોઈ જ નુકસાન થયુ એટલુ કહી પૂર્ણવિરામ મુકી દીધુ હતુ.