મહિલા સામેના અપરાધ પર શા માટે ઢાંકપિછોડો કરાય છે? - Sandesh
  • Home
  • Columnist
  • મહિલા સામેના અપરાધ પર શા માટે ઢાંકપિછોડો કરાય છે?

મહિલા સામેના અપરાધ પર શા માટે ઢાંકપિછોડો કરાય છે?

 | 2:56 am IST

ઓવર વ્યૂ

વર્ષ ૨૦૧૭માં મુંબઇ પોલીસ દ્વારા ૭૫૧ દુષ્કર્મ કેસ નોંધવામાં આવ્યા. વર્ષ ૨૦૧૩માં આવા નોંધાયેલા કેસોની સંખ્યા માત્ર ૩૮૮ જ હતી. આ હકીકત કહે છે કે પોલીસને ક્રાઇમ રિપોર્ટ કરવાને મુદ્દે જાગૃતિ વધી છે અને અપરાધ નોંધાવવા સામે આવી રહેલી મહિલાની સંખ્યા પણ વધી છે. સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધ્યો હોવાના આ સંકેત છે.  દુષ્કર્મ કેસ નોંધણીની આ સંખ્યા એમ પણ દર્શાવે છે કે પોલીસ પણ આવા અપરાધ નોંધવા ઇચ્છુક બની છે. આમ તો પોલીસ તેની સામે આવેલા અપરાધ પ્રામાણિકપણે નોંધતી થઈ છે એ વાત ગળે ઉતારવી આમ તો મુશ્કેલ છે.

મહારાષ્ટ્ર પોલીસે વર્ષ ૨૦૧૬માં મહિલાઓ સામેના માત્ર ૩૧,૦૦૦ કેસ જ નોંધ્યા હતા, અને તે પૈકી ૫૧૨૮ કેસ તો મુંબઇમાં નોંધાયા હતા. વર્ષ ૨૦૧૬ના આ આંકડાને જોવામાં આવે તો વર્ષ ૨૦૦૬ની તુલનામાં મહારાષ્ટ્રમાં ૧૦૦ ટકા કરતાં વધુ મહિલા સામેના ગુના નોંધાયા હતા જ્યારે મુંબઇના કિસ્સામાં ૪૦૦ ટકાનો વધારો કહી શકાય. નેશનલ ક્રાઇમ સ્ટેટેસ્ટિક પોલીસમાં હકીકતે નોંધાયેલા કેસોની જ નોંધ લે છે. હકીકત એ છે કે આવા મહિલા સામેના અપરાધ રિપોર્ટ કરવા સામેના પડકારોને જોતાં મહિલા અપરાધ રિપોર્ટ કરવાથી દૂર રહેતી હોય છે.

કોમનવેલ્થ હ્યુમન રાઇટ ક્રાઇમ વિક્ટિમાઇઝેશન એન્ડ સેફ્ટી પરસેપ્શન સર્વે (૨૦૧૫)માં દર્શાવેલા આંકડા સૂચવે છે કે જે પાંચ વ્યક્તિ સામે અપરાધ થયો હોય છે તે પૈકી માત્ર બે વ્યક્તિ જ તે પોલીસને રિપોર્ટ કરે છે અને છેલ્લે માત્ર એક કેસ જ અંતે નોંધાય છે. જોકે એક નાનકડા સેમ્પલ સરવેના આધારે આવા તારણ સુધી દૃઢપણે પહોંચવું મુશ્કેલ છે.

જોકે બિપીન બિહારી જ્યારે મહારાષ્ટ્ર પોલીસમાં એડીજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમણે આ દિશામાં તપાસ કરવા પ્રયાસ કર્યો હતો. તેમના ધ્યાને આવ્યું હતું કે તેમણે તપાસ માટે જે અંડરકવર પોલીસ જવાનોને પોલીસ મથકમાં ડમી ફરિયાદ કરવા મોકલ્યા હતા તે પૈકી ૫૦ ટકા જવાનોને પોલીસે ફરિયાદ નોંધ્યા વિના જ પાછા મોકલ્યા હતા.

જે મહિલા જેન્ડર સંબંધિત અપરાધને પોલીસમાં રિપોર્ટ કરવાની હિંમત ધરાવતી હતી તેમને થતા અનુભવો વિષે પણ અનેક અભ્યાસ થયા છે. આવા કેસને ફરજિયાત નોંધવા પડે તે માટે કાયદામાં સુધારા થયા હોવા છતાં વર્ષ ૨૦૧૭માં એક માનવ અધિકાર એજન્સી દ્વારા થયેલા સર્વેક્ષણમાં ધ્યાને આવ્યું હતું કે જાતીય હિંસા સંબંધી ફરિયાદના કિસ્સામાં ફરિયાદ નોંધવા આગ્રહ કરવાની હિંમત દાખવનારી મહિલાના ચારિત્ર પર જ કાદવ ઉછાળવામાં આવતો હોય છે કે તેની વાતને માનવા ઇનકાર થતો રહે છે. મહિલા પૂરી તકેદારી સાથે ફરિયાદ નોંધાવવા ના ગઈ હોય તો પોલીસ એફઆઇઆર પણ પોતાને સમયે નોંધીને પ્રક્રિયામાં વિલંબ કરતી હોય છે.

દુઃખદ સત્ય એ છે કે મહિલા સામેના અપરાધો પર ઢાંકપિછોડો (બર્કિંગ)કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જ મહિલાને ગુનો નોંધાવતાં હતોત્સાહ કરવામાં આવે છે. આવા કેસ ના નોંધીને જાણે કે આવા અપરાધ સમાજમાં બનતા જ ના હોવાનો ભાસ ઊભો કરવાની બિનાને જ ઢાંકપિછોડો કહેવામાં આવે છે. આ રાહે તેમના વિસ્તારમાં અપરાધના આંકડા ઘટવા સાથે કેસોનો ભાર પણ ઘટે છે.

વર્ષ ૨૦૧૩માં લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં સર્વોચ્ચ અદાલતે અંદાજ માંડયા હતા કે પોલીસ મથકમાં જેટલી એફઆઇઆર નોંધવામાં આવે છે તેટલી જ સંખ્યામાં એફઆઇઆર નોંધવાનું ટાળવામાં આવતું હોય છે. પરિણામ એ આવે છે કે અપરાધનો ભોગ બનેલી વ્યક્તિને તેની સામે અપરાધ કરનાર વ્યક્તિઓથી ઘેરાયેલું રહેવું પડે છે, તેમના ઘા કદી ભરાતા નથી. આવા પીડિતો રાજ્યની ન્યાયપ્રણાલી દ્વારા તેની સાથે છેતરપિંડી થઈ હોવાના ભાવ સાથે જીવતા રહે છે.

મહિલા સામેના અપરાધની નોંધણીમાં અવરોધનું મોટું કારણ એ છે કે મહિલાઓ વર્ષ ૨૦૧૩માં કાયદામાં થયેલા મહત્ત્વના સુધારા વિષે જાણકારી નથી ધરાવતી હોતી. સુધારેલો કાયદો કહે છે કે જેન્ડર સંબંધિત અપરાધથી પીડિતની ફરિયાદ મહિલા પોલીસ અધિકારીએ જ સાંભળવાની રહે છે. તેમાં છેડતી, એસિડ હુમલા, દુષ્કર્મ સહિતના કેસોનો સમાવેશ થાય છે. બીજું હવે આવા ગુનાની નોંધણી માટેનો ઇનકાર તે સ્વયં પોલીસ અધિકારી માટે ગુનાઇત કૃત્ય બની રહે છે. આવા અપરાધ નોંધવામાં નિષ્કાળજી દાખવનાર પોલીસ અધિકારીને જ બે વર્ષની જેલની સજા થઈ શકે છે.

પરંતુ હંમેશાં બને છે તેમ કાયદામાં થયેલા હકારાત્મક સુધારાને નબળા અમલીકરણનો પ્લેગ લાગુ પડી જાય છે. મહિલાઓ આજે પણ ફરિયાદ નોંધાવવા સંઘર્ષ કરતી રહે છે. આ સંબંધમાં થયેલા આરટીઆઇ પણ કહે છે કે પોલીસ મોટેભાગે ડેટા (માહિતી) શેર કરવા આનાકાની કરતી રહે છે. માહિતી મેળવવા કરેલી અરજીને અનેક સ્થાને ટ્રાન્સફર કરીને માહિતી આપવામાં વિલંબ થાય છે. મહારાષ્ટ્રની જ વાત કરીએ તો આ સંબંધે આરટીઆઇ કરનારને ૪૬ જેટલા પોલીસ યુનિટને નવેસરથી અલગ અલગ આરટીઆઇ અરજી કરવા કહેવામાં આવ્યું હતું.  વર્ષ ૨૦૧૬ની વાત કરીએ તો પોલીસ બેડામાં મહિલા કર્મચારીનું પ્રમાણ માત્ર ૭.૨૮ ટકા હતું અને તે પૈકીની મોટાભાગના મહિલા કોન્સ્ટેબલ હતા. મહારાષ્ટ્રના ૧૧૬૨ પોલીસ મથકમાં મહિલા પોલીસ જવાનની સંખ્યા માત્ર ૨૬,૨૦૮ હતી. અર્થાત જે મહિલા તેની સામે થયેલા અપરાધને નોંધાવવા પોલીસ સુધી પહોંચી હોય તેનો ગુનો મહિલા પોલીસ અધિકારીએ જ નોંધવી તેવી જોગવાઈ ભલે હોય પરંતુ કોઈક મહિલા અધિકારી તે કેસ નોંધે તે માટે પીડિતાને કલાકો કે દિવસો સુધી પ્રતીક્ષા કરવી રહે.

જોકે કેટલાક સ્થાને અધિકારીઓએ પરિવર્તન લાવવા પ્રયાસ પણ કર્યો છે. મહારાષ્ટ્ર પોલીસ આજે દેશમાં સૌથી મોટી સંખ્યામાં મહિલા પોલીસ ધરાવે છે. મુંબઇ પોલીસનું કહેવું છે કે તેના પ્રત્યેક ૯૪ પોલીસ મથકમાં મહિલા પોલીસની હાજરી છે. મુંબઇ પોલીસના આઠ પોલીસ મથકનું વડપણ જ મહિલા અધિકારી ધરાવે છે. દેશમાં આવું પહેલીવાર બન્યું છે. મહિલા સુરક્ષા માટે મુંબઇ પોલીસ કમિશનરે પણ નોંધપાત્ર પગલાં લીધાં છે. તેમાં મહિલા સામેના અપરાધ રિપોર્ટ કરવા માટેની હેલ્પલાઇન, જાગૃતિ વધારવા શાળા કોલેજમાં ચાલતો પોલીસ – દીદી કાર્યક્રમ, માત્ર મહિલાઓની બનેલી માર્શલ સ્કવોડની રચના તેમજ તમામ પોલીસ મથકમાં મહિલા હેલ્પ ડેસ્ક ઊભું કરવા જેવાં પગલાં લેવામાં આવ્યાં છે.

આટલા પગલાં લેવાયાં હોવા છતાં જેમની સુરક્ષા માટે તેઓ પગલાં લઈ રહ્યાં છે તે મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે તેમણે હજી ઘણુંબધું કરવાનું બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન