સેક્સકાંડ વાઇરલ ના કરે તો નીતિન પટેલને સીડી મોકલાવીશ : શંકરસિંહ

435

ભાજપના આગેવાનોના નલિયા સેક્સકાંડની સીડી પોતાની પાસે હોવાનો દાવો કરનારા વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કોઈનું ચરિત્ર્ય હનન ન થાય એ માટે તેઓ સીડી જાહેર નહિ કરે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીડી જાહેર કરવાના ફેંકેલા પડકાર વિશે તેમણે કહ્યું કે, નીતિન ભાઈ ઈચ્છતા હશે તો તેમને હું વ્યક્તિગત રીતે સેક્સકાંડની સીડી મોકલાવીશ, પણ શરત એ હશે કે તેઓ સીડી વાયરલ ન કરે.

ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે શંકરસિંહે ભાજપના નેતાઓની સીડી પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો ત્યારે નીતિન પટેલે પણ સામે પડકાર ફેંક્યો હતો.

પત્રકાર પરિષદને સંબોધતાં કોંગી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, નલિયા સેક્સ કાંડ સંદર્ભે ૧૮મી ફેબ્રુઆરીથી નલિયા ખાતેથી બેટી બચાવો યાત્રા કાઢવામાં આવશે. જે ૨૦મીએ ગાંધીનગર ખાતે પહોંચી વિધાનસભાનો ઘેરાવો કરશે. જ્યારે ૧૭મી ફેબ્રુઆરીએ બપોરે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળીને સેક્સ કાંડ મામલે તટસ્થ તપાસ માટે રજૂઆત કરશે, વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન વિના વિક્ષેપે ચાલે તે માટે પણ રજૂઆત કરાશે, જેમાં નલિયાથી આવનારા લોકોને આવતાં રોકવામાં ન આવે તે મતલબની દલીલ કરાશે.

કોંગ્રેસે નલિયા સેક્સ કાંડ મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લેતાં વિવિધ પોસ્ટરો તૈયાર કર્યા છે, જેના થકી આ મુદ્દો લોકો સમક્ષ જોરશોરથી લઈ જશે. કોંગ્રેસે આરોપ મૂક્યો કે, ભાજપ એવો પ્રચાર કરે છે કે યુપીમાં મહિલાઓ બહાર નીકળી શકતી નથી. જોકે ગુજરાતમાં તેનાથી ખરાબ પરિસ્થિતિ છે. ભાજપથી જ મહિલાઓને બચાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. દિલ્હીમાં બાબા રામદેવ અને અન્ના હજારેએ મીણબત્તી લઈને જે નાટક કર્યું હતું તે લોકો પણ નલિયાની પીડિતાને ન્યાય અપાવવા ગુજરાત આવે. ભાજપ સરકારના પ્રવકતા-મંત્રી નલિયા સેક્સકાંડમાં ભીનું સંકેલવા માગી રહ્યા છે. કોંગ્રેસની યાત્રા નલિયાથી માલિયા, મોરબી, સુરેન્દ્રનગર, વીરમગામ, સાણંદ થઈ ગાંધીનગર વિધાનસભા ખાતે ૨૦મીએ પહોંચશે અને વિધાનસભા ઘેરાવો કરશે.