શાંઘાઈ ઓપન : રોજર ફેડરર, નોવાક જોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા - Sandesh
  • Home
  • Sports
  • શાંઘાઈ ઓપન : રોજર ફેડરર, નોવાક જોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

શાંઘાઈ ઓપન : રોજર ફેડરર, નોવાક જોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

 | 1:17 am IST

। શાંઘાઈ ।

ગત ચેમ્પિયન રોજર ફેડરરે ફરી એક વખત સંઘર્ષ બાદ વિજય મેળવવામાં સફળ થયો હતો જ્યારે જોકોવિચે આસાન વિજય સાથે અંતિમ આઠમાં સ્થાન બનાવ્યું હતું. રોજર ફેડરરને પ્રથમ રાઉન્ડમાં રશિયાના ડેનિલ મેદવેદેવ સામે પણ ત્રણ સેટ સુધી સંઘર્ષ કરવો પડયો હતો અને હવે બીજા રાઉન્ડમાં સ્પેનના રોબર્ટો બ્યૂટિસ્ટા અગટ સામે પણ ત્રણ સેટ સુધી ચાલેલી મેચમાં ૬-૩, ૨-૬, ૬-૪થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. રોજર ફેડરર, નોવાક જોકોવિચ, જુઆન ર્માિટન ડેલ પોટ્રો અને રફેલ નડાલ વચ્ચે વર્ષના અંત સુધી નંબર વનનું સ્થાન મેળવવાની તક છે. ક્વાર્ટર ફાઇનલમાં રોજર ફેડરરનો સામનો જાપાનના કેઈ નિશિકોરી સામે થશે. નિશિકોરીએ બીજા રાઉન્ડમાં અમેરિકાની સેમ ક્વેરીને ૭-૬, ૬-૪થી હરાવી અંતિમ આઠમાં સ્થાન બનાવ્યું હતું.

જોકોવિચે માર્કો સેચિનાટોને ૭૦ મિનિટ ચાલેલી મેચમાં ૬-૪, ૬-૦થી પરાજય આપ્યો હતો. જોકોવિચ હવે છેલ્લી ૧૫ મેચમાં અપરાજય રહ્યો છે અને તે ફ્રેન્ચ ઓપનમાં ૭૨મા ક્રમાંકિત કેચિનાટો સામે પાંચ જૂને પરાજય મેળવ્યા બાદ ઓવરઓલ ૩૦ પૈકી ૨૮ મેચ જીતી છે. ક્વાર્ટર ફાઇનલમાં જોકોવિચનો સામનો સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે થશે. એન્ડરસને ગ્રીસના સ્ટેફાનોસ સિસિપાસને ૬-૪, ૭-૬થી હરાવ્યો હતો. જોકોવિચ જો ફાઇનલમાં પહોંચે તો તે ફેડરરને પાછળ છોડી બીજા સ્થાને પહોંચી જશે જ્યારે શાંઘાઈ ઓપનમાં ચેમ્પિયન બને તો પ્રથમ સ્થાને રહેલા નડાલ કરતાં તે ૩૫ પોઇન્ટ જ પાછળ રહી જશે.