શાપર વેરાવળ: મગફળી કૌભાંડમાં મગરમચ્છોને છાવરવા હવે માછલીઓ પર પસ્તાળનું નાટક - Sandesh
  • Home
  • Gujarat
  • શાપર વેરાવળ: મગફળી કૌભાંડમાં મગરમચ્છોને છાવરવા હવે માછલીઓ પર પસ્તાળનું નાટક

શાપર વેરાવળ: મગફળી કૌભાંડમાં મગરમચ્છોને છાવરવા હવે માછલીઓ પર પસ્તાળનું નાટક

 | 8:49 am IST

શાપર વેરાવળમાં સરકારી મગફળી ભરેલા નેશનલ કોટન ગોડાઉનમાં ગત રવિવારે લાગેલી જાદુઈ આગમાં ૩.૮૫ કરોડની મગફળી ભસ્મિતભુત થયાના કાંડમાં તપાસનીસ સી.આઈ.ડી.ક્રાઈમે ફરી આગની તપાસમાં વેલ્ડીંગના તણખાને જ નિમિત બનાવી ઉઘાડે છોગ થયેલા કૌભાંડ પર વેલ્ડીંગ કર્યા જેવો ઘાટ ઉભરી રહ્યો છે. શેડના પતરા ઉંચા થઈ જતાં પતરા પર લોખંડનો ગડ્ડર મુકીને વેલ્ડીંગ કરાઈ રહ્યું હોય તણખો ઉડતા આગ લાગ્યાનું ખુલતા ગોડાઉન માલિક, વેલ્ડીંગ કામ કરતા મજુરો સહિત સાતથી આઠને સકંજામાં લીધા હોવાનું અને હવે ગુનો દાખલ કરવા કંઈરીતે અંકોડા મેળવવા તેની તપાસનીસ ટીમ દ્વારા કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

ભ્રષ્ટાચારના ભોરીંગ સમા આગમાં અગાઉ ચાર માસ પહેલા શાપર વેરાવળમાં જ રામરાજ કોટનના ગોડાઉનમાં સરકારી ૨૮ કરોડની મગફળી સગળી જવાના કાંડમાં સી.આઈ.ડી.ક્રાઈમની ટીમે વેલ્ડીંગના તણખાને દોષિત ઠેરવ્યો હતો અને ગોડાઉન માલિક તેમજ વેલ્ડીંગ કરનારા પાંચને જેલ ભેગા કરી દેવાતા સબંધીત સરકારી બાબુઓ, અને લાગતા વળગતાઓને ક્લીનચીટ સાથે હાશકારો થઈ ગયો હતો. ફરી ‘ફીર વહી આગ’ ગત રવિવારે તા.૬ના રોજ નેશનલ કોટન નામના સરકારી મગફળીના ગોડાઉનમાં રિપીટ થઈ. બે દિવસ રૃરલ પોલીસે તપાસ કરી કે તુરત જ સરકાર દ્વારા સી.આઈ.ડી.ક્રાઈમને તપાસ સોંપી દેવાઈ.

તપાસનીસ ટીમે આજે તપાસમાં વેલ્ડીંગથી જ આગ લાગ્યાનું પેપર ખોલી નાખ્યું હતું. મુજબ ગોડાઉન માલિક નરેન્દ્ર પટેલે સામેના ભાગે નવો શેડ બનાવ્યો છે જેનું કામ ચાલી રહ્યું છે. મગફળીના ભરેલા ગોડાઉનના પતરા ઉંચા થઈ ગયા હોવાથી પતરા નીચા કરી વેલ્ડીંગ કરવા માટે ગત રવિવારે નરેન્દ્ર અને શેડ પર વેલ્ડીંગ કરનારા વેલ્ડરો, મજુરો ગોડાઉન પર આવ્યા હતા અને પતરા પર વજનદાર લોંખડનો ગડર મુકી પતરા નીચા બેસાડી વેલ્ડીંગ કરી રહ્યા હતા. એ વેળાએ તિખારો ઉડતાં આગ લાગી હતી.

આગ બુઝાવવા પ્રયાસ કર્યા પરંતુ વિકરાળ રૃપ લેતા નાસી ગયા હતા. ૩૦ ફુટથી વધુ હાઈટ પર ગડર ચડાવવા અને વેલ્ડીંગ માટે ખાનગી ક્રેઈન, લોડર ભાડે લાવ્યા હતા. જે બંનેના ચાલકના નિવેદનો લેવાયા છે. વેલ્ડીંગ કરનારાઓએ પણ કેફિયત આપી હોવાનો દાવો કરાયો છે. સરવાળે વધુ એક વખત શંકાના ઘેરાવમાં રહેલા વેર હાઉસ કોર્પો. કે કરાર કરનારા સરકારી બાબુઓ, એજન્સીઓને વધુ એક વખત ક્લીન ચીટ માટેનો રસ્તો સાફ થઈ જશે.

બોક્ષ…સી.આઈ.ડી.ના મુખિયા આવ્યાને તપાસને મળી ગયો ફટાફટ ‘વેગ’ ફોરેન્સિક રિપોર્ટ પહેલા કશું કહીં ન શકાય રિપોર્ટ બાદ જ તપાસને દિશા મળશે એવું ખુદ સી.આઈ.ડી.ના તપાસનીસ સુત્રો રટણ કરતા હતા. બે દિવસ પહેલા સી.આઈ.ડી.ના ઉચ્ચ અધિકારી દિપાંકર ત્રિવેદી ગાંધીનગરથી દોડી આવ્યા હતા. તેઓએ પણ ગોળગોળ વાત કરી હતી. તેઓ ગયાના ૪૮ કલાકમાં જ ઘટસ્ફોટ પણ થઈ ગયો. એવી ચર્ચા ચાલી છે કે શું ખાસ સુચના અપાઈ બાદ તપાસની દિશા બદલાઈ હશે અને આજે પેપર ખોલી નખાયું હશે ?