બેન્કોની હાલત થઈ સૌથી ખરાબ, કોડીના ભાવે મળી રહ્યા શેર - Sandesh
  • Home
  • Business
  • બેન્કોની હાલત થઈ સૌથી ખરાબ, કોડીના ભાવે મળી રહ્યા શેર

બેન્કોની હાલત થઈ સૌથી ખરાબ, કોડીના ભાવે મળી રહ્યા શેર

 | 3:00 pm IST

હાલમાં બેન્કોની સ્થિતિ ખરાબ NPAથી લઈ વિવધ કૌભાંડના કારણે ખરાબ થઈ રહી છે. જાહેર ક્ષેત્રના બેંક શેર તેમના સૌથી તળિયાએ પહોંચી ગયા છે. ખાસ કરીને નાની PSU બેંક શેર્સમાં ઘટાડો અટકી રહ્યો નથી. બુધવારે મોટા ભાગના PSU બેંક શેર્સ તેમના છેલ્લાં અનેક વર્ષોના તળિયા પર પહોંચ્યા હતા. જ્યારે કેટલીક મધ્યમ કક્ષાની PSU બેંકના શેર્સે તેમના ફેબ્રુઆરી 2016માં બનાવેલા તળિયાને ફરી તોડ્યા હતા. જેમાં PNB, OBC અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

નિફ્ટી જ્યારે તેની સર્વોચ્ચ સપાટીથી બે-ત્રણ ટકા નીચે ચાલી રહ્યો છે ત્યારે PSU બેંક શેર્સ તેમના 2002ની સાલ કે તેનાથી પણ નીચેની સપાટી પર ક્વોટ થઈ રહ્યા છે. PSU બેંક શેર્સનાં પરિણામોએ ફરી એકવાર સ્ટ્રીટને નિરાશ કરતાં બેંક શેર્સમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી છે. બુધવારે બીજા ક્રમની PSU બેંક PNBનો શેર્સ 12 ટકાથી વધુના ઘટાડે રૂ.75ની સપાટી નીચે ઊતરી ગયો હતો. આ અગાઉ બેંક શેર ફેબ્રુઆરી 2016માં આ સપાટી પર જોવા મળ્યો હતો. જોકે ત્યાર બાદ બજારમાં વ્યાપક સુધારા પાછળ બેંક શેર સુધરીને રૂ. 200ની સપાટી પર પણ જોવા મળ્યો હતો જે અલ્પજીવી નીવડ્યો હતો.

જોકે 2017-18ના નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરનાં વિપરીત પરિણામો પાછળ પાછળ વેચવાલીનો નવો દોર જોવા મળ્યો છે. આમાં સૌથી ખરાબ સ્થિતિ ત્રીજી હરોળના PSU બેંક શેર્સની થઈ છે. કેમ કે તેમના નાના કદને કારણે એનપીએની સમસ્યા સામે લડવામાં તેમને ઘણી સમસ્યા નડી રહી છે. સરકારના મૂડીકરણ બાદ આ કંપનીઓમાં ઇક્વિટી ઘટાડો થયો છે. જોકે પરિણામો સતત વિપરીત આવી રહ્યાં છે અને કંપનીઓની બેલેન્સ શીટમાં કોઈ ક્વોલિટેટિવ પરિવર્તન જોવા મળ્યું નથી.

બુધવારે છેલ્લાં ઘણા વર્ષના તળિયા દેખાવનાર PSU બેંક શેર્સમાં સિન્ડિકેટ બેંક (રૂ.43.60), IOB(રૂ.16.15), દેના બેંક (રૂ.15.80), યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (રૂ.11.02), બેંક ઓફ મહારાષ્ટ્ર (રૂ.13.00), કોર્પોરેશન બેંક (રૂ. 26), યુનિયન બેંક (રૂ. 84.35), OBC (રૂ.78.85) અને પંજાબ એન્ડ સિંધ (રૂ. 31.80)નો સમાવેશ થાય છે.

મધ્યમ કદની બેંક જેવી કે બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક અને BOBના શેર્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. જોકે તેઓ ફેબ્રુઆરી 2016ના સ્તરથી ઉપર ચાલી રહ્યા છે. એ જ રીતે PSU બેંક અગ્રણી SBIનો શેર પણ તેના ફેબ્રુઆરી 2016ના રૂ.150ના તળિયાથી નોંધપાત્ર ઉપર રૂ.243ના સ્તરે જોવા મળી રહ્યો છે.