Shatrughan Sinha Praised PM Modi and Nitish Kumar
  • Home
  • India
  • પાર્ટીની ટીકા કરીને ચર્ચામાં રહેતા સાંસદ શત્રુઘ્ન સિન્હાના વડાપ્રધાન માટે મીઠા બોલ

પાર્ટીની ટીકા કરીને ચર્ચામાં રહેતા સાંસદ શત્રુઘ્ન સિન્હાના વડાપ્રધાન માટે મીઠા બોલ

 | 10:28 pm IST

ભાજપના બાગી સાંસદ શત્રુઘ્ન સિન્હા તેમના આકરા સ્વભાવ અને ભાજપની જ સરકારની જાહેરમાં ટીકા કરવાને લઇને મોટાભાગે મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. પરંતુ ઘણા લાંબા સમય પછી શત્રુઘ્ન સિન્હાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા ફરી ચર્ચાનો વિષય બની ગયા છે. અત્યાર કેન્દ્ર સરકારને દરેક નાની-મોટી બાબતને લઇને ટીકાઓ કરતા શત્રુઘ્ન સિન્હાએ પટણામાં મેટ્રો પ્રોજેક્ટને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતીશ કુમારના દિલ ખોલીને વખાણ કર્યા છે. સિન્હાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને પ્રશંસનીય પગલું ગણાવ્યું છે.

શત્રુઘ્ન સિન્હાએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા લખ્યું હતું કે બિહારને વિકાસના પંથે લઇ જવા માટે આ ખૂબજ મહત્વનું પગલું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે મેટ્રો પ્રોજેક્ટની સાથે 35 હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાની જાહેરાત એક પ્રશંસનીય પગલું છે. આ નિર્ણયના વખાણ થવા જ જોઇએ, જય બિહાર, જય હિન્દ.

થોડા દિવસો પહેલા જ સિન્હાએ ઇચ્છા પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે મોદી ફરીવાર દેશના પ્રધાનમંત્રી ન બનવા જોઇએ. તેમણે આ સાથે બીજેપી નહીં છોડવાની જાહેરાત પણ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી ઇચ્છે તો મને બહાર કરી શકે છે. સામાન્ય રીતે ભાજપા સામે વિરોધાભાસી વલણ ધરાવતા શત્રુઘ્ન સિન્હાએ પહેલી વાર દેશના વડાપ્રધાન અને ભાજપમાં રહેવા પર નિવેદન આપ્યું છે.

તેમના નિવેદન પર બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ સિન્હાને પડકાર્યા હતા કે કોંગ્રેસ કે રાજદની ટિકિટ પર લોકસભા લડી બતાવે, તેના પરિણામથી તેમની લોકપ્રિયતાના ભ્રમ તૂટી જશે. સિન્હા પટણા સાહિબ લોકસભા સીટ પરથી બીજી વાર સાંસદ તરીકે ચૂંટાયા છે અને અટલ બિહારી વાજપાયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.