શમી સામે તેની પત્નીએ કરી લગ્નેતર સંબંધની ફરિયાદ : શમીએ કહ્યું આરોપો ખોટા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • શમી સામે તેની પત્નીએ કરી લગ્નેતર સંબંધની ફરિયાદ : શમીએ કહ્યું આરોપો ખોટા

શમી સામે તેની પત્નીએ કરી લગ્નેતર સંબંધની ફરિયાદ : શમીએ કહ્યું આરોપો ખોટા

 | 2:09 am IST

કોલાકાતા, તા. ૭

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી સામે તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધના આરોપ મૂક્યા છે. તેણે જણાવ્યું કે, શમીના ઘણી મહિલાઓ અને યુવતીઓ સાથે અફરે ચાલી રહ્યા છે. આ લગ્નેતર સંબંધોમાં કેટલીક યુવતીઓ વિદેશી પણ છે. હસીન જહાંએ કથિત રીતે અન્ય યુવતીઓ સાથે થયેલી મોહમ્મદ શમીની વ્હોટ્સએપ પરની વાતોના સ્ક્રીનશોટ પાડીને પુરાવા તરીકે રજૂ કર્યા હતા. તેણે ફેસબુકના માધ્યમથી પોતાની વ્યથા રજૂ કરી હતી. બીજી તરફ શમીએ આ મુદ્દે ખુલાસો આપતા જણાવ્યું કે, આ તમામ આરોપો ખોટા છે. અમારા સંબંધને નુકસાન પહોંચાડવા કોઈ કાવતરાં કરી રહ્યું છે.

શમીએ મારપીટ પણ કરી હતી 

હસીન જહાંએ જણાવ્યું હતું કે, તેની પાસે શમી વિરુદ્ધ ઘણા પુરાવા છે. શમીના લગ્નેતર સંબંધોના ઘણા પુરાવા તે રજૂ કરી શકે છે. તેણે ઘણી યુવતીઓ સાથે શારીરિક સંબંધો પણ રાખ્યા હોવાનો આરોપ હસીન જહાંએ મૂક્યો હતો. આ સિવાય તેણે એમ પણ જણાવ્યું કે, સાઉથ આફ્રિકાના પ્રવાસેથી પરત આવ્યા બાદ શમીએ તેની સાથે મારપીટ પણ કરી હતી.

ફેસબુક એકાઉન્ટ ઉપર પુરાવા રજૂ કર્યા 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હસીન જહાંના કથિત ફેસબુક એકાઉન્ટ ઉપર શમી વિરુદ્ધ ઘણા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. શમીએ યુવતીઓ સાથે વ્હોટ્સએપ પર કરેલી વાતચીતના સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યા હતા. શમીએ યુવતીઓ સાથે અશ્લીલ વાતો પણ કરી હોવાનું સામે આવ્યું હતું. તેણે કેટલીક વિદેશી છોકરીઓના ફોટો પોસ્ટ કરીને તેને શમીની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. આ તમામ પોસ્ટ છેલ્લાં બે દિવસમાં કરવામાં આવી હતી.

મને બદનામ કરવામાં આવી રહ્યો છે 

ફેસબુક ઉપર કથિત રીતે હસીન જહાંની પોસ્ટ ફરતી થયા બાદ શમીએ પણ ખુલાસો કર્યો હોવાનું સામે આવ્યું છે. શમીએ ટ્વિટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ટ્વિટમાં તેણે લખ્યું હતું કે, હાય હું મોહમ્મદ શમી છું. આ જેટલા પણ સમાચાર મારી અંગત જિંદગી વિશે ચાલી રહ્યા છે તે તમામ ખોટા છે. અમારા વિરુદ્ધ ખૂબ જ મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. મને બદનામ કરવા માટે અને મારી રમતને ખરાબ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

;