આ કારણોથી શિવજીને પ્રિય છે શ્રાવણ માસ - Sandesh
  • Home
  • Astrology
  • આ કારણોથી શિવજીને પ્રિય છે શ્રાવણ માસ

આ કારણોથી શિવજીને પ્રિય છે શ્રાવણ માસ

 | 2:22 pm IST

દેશભરમાં શ્રાવણ માસ દરમિયાન સૌ કોઈ શિવભક્તિના રંગમાં રંગાઈ જાય છે. શ્રાવણ માસમાં શિવભક્તિની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ માસ શિવજીનો પ્રિય માસ છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ માસનું મહત્વ શિવજી માટે કયા કારણથી વધારે છે? ન જાણતા હોય તો ચાલો આજે જાણી લો…

શ્રાવણ માસનું મહત્વ
હિંદૂ કેલેન્ડરમાં શ્રાવણ મહિનો પાંચમા સ્થાને આવે છે. આ માસમાં વર્ષા ઋતુનું આગમન થાય છે અને શિવજી શ્રાવણના દેવતા છે. આ સમયમાં તેમને અલગ અલગ રીતે પૂજવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. આ માસમાં સૌથી વધારે મહત્વ સોમવારને આપવામાં આવે છે.

શિવજીને પ્રિય હોવાનું કારણ
માનવામાં આવે છે કે દક્ષપુત્રી સતીએ પોતાના જીવનનો ત્યાગ કરી અનેક વર્ષો સુધી શ્રાપિત જીવન જીવ્યું હતુ. ત્યારપછી તેમણે હિમાલય રાજના ઘરે પાર્વતીના રૂપના જન્મ લીધો. પાર્વતીએ શિવજીને પતિ તરીકે પામવા માટે શ્રાવણ માસમાં કઠોર તપ કર્યું હતું. ]

તેમની તપસ્યાથી શિવજી પ્રસન્ન થયા અને તેમની મનોકામના પૂરી કરી. આ માસમાં શિવજીને ફરીથી તેમની પત્ની મળ્યા અને એટલા માટે જ શિવજીને આ માસ પ્રિય છે. જો કે આ કારણથી જ શ્રાવણ માસમાં યુવતીઓ મનોવાંચ્છિત  જીવનસાથી પામવા વ્રત કરે છે. માન્યતા એવી પણ છે કે શિવજી આ માસમાં જ ધરતી પર પોતાના સાસરે આવ્યા હતા અને જ્યાં તેમનો અભિષેક થયો હતો, ત્યારબાદથી આ માસમાં શિવજીના અભિષેકને મહત્વનો ગણવામાં આવે છે.

પૌરાણિક કથા
એક એવી પણ માન્યતા છે કે શ્રાવણ માસમાં જ સમુદ્રમંથન થયું હતું. જેમાંથી નીકળેલા હળાહળ વિષને ભગવાન શંકરે ગ્રહણ કરી લીધું અને સૃષ્ટિને બચાવી હતી. ત્યારથી તેઓ નિલકંઠના નામથી પણ ઓળખાય છે. દેવતાઓએ શિવજીનો જળાભિષેક કર્યો હતો.

વર્ષાઋતુમાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોય છે ત્યારે સૃષ્ટિ શિવજીને આધીન હોય છે. એટલા માટે આ માસમાં શિવજીને પ્રસન્ન કરવા માટે ધાર્મિક કાર્યો, વ્રત, ઉપવાસ, દાન વગેરે કરવામાં આવે છે.