Shiv Sena Clean Bold, BJP Eye All Maharashtra
  • Home
  • Assembly Election
  • BJP સાથે છેડો ફાડી શિવસેનાએ પોતાના જ પગ પર માર્યો કુહાડો, મોદી-શાહે કરી ક્લિન બોલ્ડ

BJP સાથે છેડો ફાડી શિવસેનાએ પોતાના જ પગ પર માર્યો કુહાડો, મોદી-શાહે કરી ક્લિન બોલ્ડ

 | 5:33 pm IST

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે શિવસેના અને ભાજપનું ગઠબંધન તુટી ગયું છે. આ સાથે જ બંને વચ્ચેનું 30 વર્ષ જુનુ ગઠબંધન તુટી ગયું છે. ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કરતા શિવસેના પોતાના રાજકીય સમીકરણો બેસાડવામાં લાગી ગઈ હતી. માનવામાં આવે છે કે શિવસેના પ્રમુખે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચવાની કવાયત શરૂ કરી દીધી છે.

આ સ્થિતિમાં ભાજપ માટે ભલે હાલ પુરતા મહારાષ્ટ્રમાં સત્તાનો દરવાજો બંધ થતો નજરે પડી રહ્યો હોય. પણ એક રસ્તો બંધ થતા ભાજપ માટે અનેક રસ્તાઓ ખુલ્યા પણ છે. વર્તમાનમાં ભલે ભાજપની સીટો ઘટી હોય પણ લાંબા ગાળાના ભવિષ્ય પર નજર કરવામાં આવે તો વર્તમાન ઘટનાક્રમ ભાજપ માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

શિવસેનાએ પકડો ધુર વિરોધી એનસીપી અને કોંગ્રેસનો હાથ

મહારાષ્ટ્રમાં પંદર દિવસ પહેલા જ ભાજપ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડેલી શિવસેનાએ હવે તેની સાથે છેડો ફાડી નાખ્યો છે. શિવસેનાએ મુખ્યમંત્રી પદને લઈને પોતાના 30 વર્ષ જુના સાથીદારને જતો કરીને ધુર વિરોધી એવી એનસીપી અને કોંગ્રેસ સાથે સામે ચાલીને જોડાણ કરવા હાથ લંબાવ્યો છે. આ સમીકરણોને લઈને ભાજપનું માનવું છે કે, કોંગ્રેસ અને એનસીપી સાથે શિવસેનાની રાજનૈતિક સફર ખાસ લાંબી નહીં ચાલે કારણ કે વિચારધારાના સ્તર પર પણ આ પાર્ટીઓ એકબીજાની ધુર વિરોધી જ રહી છે.

ભાજપની નજર મહારાષ્ટ્ર પર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચાયા બાદ દેશભરમાં ભાજપનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વોત્તરથી લઈને પશ્ચિમ ભારત સુધી અનેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર બાનવવામાં સફળ રહી છે. ઉત્તર પ્રદેશ બાદ દેશના સૌથી મોટા રાજ્ય મહારાષ્ટ્ર પર ભાજપની નજર છે. 2014 પહેલા સુધીમાં મહારાષ્ટ્રમાં શિવસેના મોટા ભાઈ તો ભાજપ નાનાભાઈની ભૂમિકામાં રહેતી.

2014ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં સાથે હોવા છતાંયે ભાજપ-શિવસેનાએ જુદા થયા હતાં અને પોતાની રીતે ચૂંટણી લડ્યા હતાં. જેમાં ભાજપ અને શિવસેના બંનેને પોતાની તાકાતનો અંદાજો લાગી ગયો હતો. ભાજપ શક્તિશાળી બની અને શિવસેનાએ જૂનિયર પાર્ટનર તરીકેની હેસિયત સ્વિકારવી પડી. ભાજપ અહીં એકલા હાથે જ 120 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

શિવસેના ફિક્કી પડી

મહારાષ્ટ્રમાં ઉગ્ર હિંદુત્વ, મુસલમાનોનો વિરોધ અને પાકિસ્તાન પર આક્રમક વિચારધારાને લઈને ચાલી હતી, પરંતુ ભાજપે તેનાથી પણ વધારે આક્રમકતા દેખાડતા અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓને આગળ કરી શિવસેના સામે લક્ષ્મણ રેખા બાંધી દીધી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાનો બાળાસાહેબ ઠાકરેના સમયે જે જલવો હતો તે હવે ખતમ થઈ ગયો છે. પરિણામે જ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 164 અને શિવસેના 124 બેઠકો પર મેદાને પડી હતી. 

ભાજપે શિવસેનાની ઝોળીમાં ફેંક્યો બોલ

ભાજપને મહારાષ્ટ્રમાં પોતાના બળે સત્તામાં આવવા માટે એક દિવસ તો શિવસેનાનો પીછો છોડાવવાનો જ હતો. તેવામાં શિવસેના મુખ્યમંત્રી પદને લઈને સામે ચાલીને ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે મળી. તેવામાં ભાજપની મનની મુરાદ પુરી થતી જણાય છે, કારણ કે શિવસેના સાથે ભાજપનું ગઠબંધન છેક 19879થી રહ્યું છે. તેવામાં ભાજપે આ મહાયુતિ પોતે ના તોડીને બોલ શિવસેનાની ઝોળીમાં નાખ્યો છે અને તેમાં શિવસેના બરાબરની ભેરવાઈ પણ ગઈ છે.

મહારાષ્ટ્રમાં ઉગ્ર હિંદુત્વની એકમાત્ર પાર્ટી બની ભાજપ

કોગ્રેસ-એનસીપીની સાથે ગયા બાદ શિવસેનાએ પોતાની ઉગ્ર હિંદુત્વની રાજનીતિ અને મુસ્લીમ વિરોધી રાજકારણ સાથે પણ સમજુતિ કરવી પડશે. તેવામાં હવે ભાજપ આખા મહારાષ્ટ્રમાં એકમાત્ર ઉગ્ર હિંદુત્વનું પ્રતિનિધિત્વ કરતી રાજકીય પાર્ટી બની જશે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો રામ મંદિરના પક્ષમાં નિર્ણય અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી ભાજપ માટે રાજકીય આધાર વધારવામાં મદદરૂપ થશે અને તે પોતાના દમ પર સત્તામાં આવવા તરફ આગળ વધવા જઈ રહી છે.

હવે ભાજપ માટે મહારાષ્ટ્રનું ખુલુ મેદાન

સાથે જ ભાજપ માટે હવે મહારાષ્ટ્રમાં મેદાન સંપુર્ણ રીતે ખુલી ગયું છે અને ભવિષ્યમાં યોજાનારા રાજકીય સંગ્રામમાં ભાજપ વિરૂદ્ધ ઓલ પાર્ટી વચ્ચે રણસંગ્રામ જામશે. તેવામાં ભાજપને આશા છે કે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં એકલા હાથે 288 બેઠકો પર તાલ ઠોકી પરિણામો સુધારી શકે છે. જ્યારે શિવસેના હાલ ભલે કોંગ્રેસ અને એનસીપી મળીને સરકાર બનાવી લે પણ ભવિષ્યમાં રાજકીય રણભૂમિમાં તેના મતદારો મોં ફેરવી શકે છે. નજીકના નફાના ચક્કરમાં શિવસેના દૂરનું નુંકશાન કરી બેઠી છે.

આ વીડિયો પણ જુઓ : દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને બેઠક પૂર્ણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન