શિવસેનાએ કંગનાને 'સુપરસ્ટાર' બનાવી દીધી ! - Sandesh
  • Home
  • Columnist
  • શિવસેનાએ કંગનાને ‘સુપરસ્ટાર’ બનાવી દીધી !

શિવસેનાએ કંગનાને ‘સુપરસ્ટાર’ બનાવી દીધી !

 | 1:14 am IST

અનુસંધાન :- દેવેન્દ્ર પટેલ

સુશાંતસિંહ રાજપૂત એક શ્રેષ્ઠ કલાકાર હતા. તેમની આત્મહત્યાને સમય થયો. પરંતુ તેમની આત્મહત્યા પછીની ઘટનાઓ સ્વયં બોલિવૂડના એક થ્રીલર જેવી લાગે છે. છબીઘરો બંધ છે પરંતુ સુશાંતસિંહની આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય રિયા ચક્રવર્તી, તેનો ભાઈ, મુંબઈના ડ્રગ માફિયાઓથી માડીને મહારાષ્ટ્રની રાજનીતિને ઘમરોળી રહ્યું છે, અને દેશની ન્યૂઝ ચેનલ્સ પર પ્રર્દિશત થતી તે પછીની ઘટનાઓ છબીઘરોની ખોટ સાલવા દેતી નથી.

સુશાંતસિંહ રાજપૂતને આત્મહત્યા કરવા મજબૂર કરનાર બોલિવૂડનું રાજકારણ, બોલિવૂડનો વંશવાદ, બોલિવૂડની જૂથબંધીથી માંડીને બે-ત્રણ ટોચના કલાકારોની દાદાગીરી-એ બધામાં સાચું શું છે તે જાણવા સૌ કોઈ મથી રહ્યું છે. એક આશાસ્પદ સુંદર કલાકારને અકાળે મોતને ભેટવું પડે તે દુઃખદ ઘટનાથી માત્ર બોલિવૂડનો જ નહીં પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિનો અસલી ચહેરો હવે ઉઘાડો પડી ગયો છે.

મહારાષ્ટ્ર સરકારે પહેલાં આ કેસની તપાસ કરવા આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીને કોરોનાના નામે ક્વોરન્ટાઇન કરી દીધા. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો. હવે આખાયે કેસની તપાસ સીબીઆઈ હાથમાં છે ત્યારે મહારાષ્ટ્રની શિવસેનાના નેતૃત્વ હેઠળની સરકાર ફફડી ઊઠી છે.

કારણ શું ?  

આ ઘટનાને અને શિવસેનાના કોઈ નેતાના પુત્રને સીધો કે આડકતરો સંબંધ છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. એ માત્ર અટકળોનો જ વિષય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સુશાંતસિંહની આત્મહત્યા બાદ હવે સામાન્ય લોકોના મનમાં જાતજાતના સવાલો પેદા થઈ રહ્યા છે. દા.ત. (૧) આ કેસની તપાસ કરવા આવેલા બિહારના પોલીસ અધિકારીને મહારાષ્ટ્ર સરકારે સહકાર કેમ ના આપ્યો ? (૨) બોલિવૂડના દાદા ગણાતા કલાકારોનો કોઈ રોલ હતો કે નહીં ? (૩) શું મુંબઈ માત્ર મુંબઈગરાઓ માટે જ છે ? (૪) મુંબઈમાં બીજા પ્રાંતના લોકોને વસવાનો અધિકાર નથી?

જાહેરમાં હિંમતપૂર્વક બોલવા માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે આ ઘટના અંગે કાંઈક કહ્યું તો તેના માટે ના વાપરવા જેવા શબ્દો એક નેતાએ વાપરીને રાજનીતિની ગરિમાને નિમ્નકક્ષાએ મૂકી દીધી છે. કંગના રનૌતને મુંબઈમાં પ્રવેશવા નહીં દઈએ એવી ધમકીથી કેટલાક રાજનેતાઓનું પ્રાંતવાદી કલ્ચર ઉઘાડું પડી ગયું. પરંતુ એ લોકોને એ વાતની ખબર નહોતી કે કંગના પણ તેમના કરતાં વધુ નીડર અને હિંમતવાળી સ્ત્રી છે. શિવસેનાએ કંગનાનો જેટલો વિરોધ કર્યો એ કરતાં કંગનાને વધુ સહયોગ આખા દેશમાંથી મળ્યો. મહારાષ્ટ્રની શિવસેના જાતે જ પોતાની જાળમાં ફસાઈ ગઈ. શિવસેનાએ સમજ્યા વગર જ ભાજપના હાથમાં શિવસેના સામે ઉગામવાનું ‘કંગના’ નામનું ‘બ્રહ્માસ્ત્ર’ આપી દીધું. શિવસેનાની ધમકી બાદ કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારે સમયસર જ ‘વાય’ કેટેગરીનું સુરક્ષા કવચ આપી દીધું. કંગના મુંબઈ પહોંચે તે પહેલાં મહારાષ્ટ્રની શિવસેનાના નેતૃત્વવાળી સરકારે ઉતાવળે ઉતાવળે તેનું ‘મણિર્કિણકા’ નામના ઓફિસ બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવી તોડવાની પ્રક્રિયા શરૂ કરી.

મહારાષ્ટ્ર સરકારના આ પગલાંને બદલાની નીતિ તરીકે આખા દેશની મોટાભાગની પ્રજાએ જોયું. બુલડોઝર ફેરવવાના પાસાં ઊંધા પડયા. કંગનાને દેશના મીડિયામાં અસાધારણ પબ્લિસિટી મળી. કંગના એક સ્ટાર હતી પરંતુ શિવસેનાએ કંગનાને ‘સુપરસ્ટાર’ બનાવી દીધી. કંગના હવે માત્ર બોલિવૂડની સ્ટાર જ નહીં પરંતુ પોલિટિકલ સ્ટાર પણ છે. આવનારા દિવસોમાં તેને વિધાનસભાની કે લોકસભાની ટિકિટ મળે તો નવાઈ નહીં. બીએમસીએ મુંબઈમાં તેની ઓફિસને ગેરકાયદે કહી તોડવાની શરૂઆત કરી પરંતુ કંગનાએ જવાબ આપ્યો : ‘ઉદ્ધવ, આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે.’

આવા સખત શબ્દો ઉદ્ધવ ઠાકરને પહેલી જ વાર સાંભળવા પડયા હશે. આવનારા સમયમાં કંગના પાસેથી વધુ સખત અને વેધક નિવેદનો સાંભળવાની તૈયારી રાખવી પડશે. કંગનાએ કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરીને શિવસેનાની વિચારસરણી પર પણ તીખો પ્રહાર કર્યો છે.

લાગે છે કે મહારાષ્ટ્ર સરકાર પોતાના જ વિષચક્રમાં ફસાઈ ગઈ છે. મહારાષ્ટ્રની સંયુક્ત સરકારમાં હિસ્સેદાર એવા એનસીપીના વડા શરદ પવારે પણ કહેવું પડયું કે, મુંબઈમાં અનેક ગેરકાયદે મકાનો છે તે બધા પર કાર્યવાહી કરવાના બદલે એક માત્ર કંગનાના મકાન પર કાર્યવાહી કેમ ?

અને શરદ પવારની વાત તો સાચી જ છે. મુંબઈ દોઢ કરોડથી વધુ વસતીવાળું મહાનગર છે. અહીં એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી ધારાવીથી માડીને દેશના બડા બડા ધનવાનોની ભવ્ય ઇમારતો છે. રાજનેતાઓ અને અભિનેતાઓના ઉચ્ચ આશિયાના છે. ડોન દાઉદના પરિવારની અને ડ્રગ્સ માફિયાઓની પણ ઇમારતો છે. મુંબઈમાં ગેરકાયદે ઇમારતો શોધવાનાં પ્રયાસ કરીને તેની યાદી બનાવી તે બધાની સામે કાર્યવાહી કરવાના બદલે એક માત્ર કંગનાની ઓફિસને ટાર્ગેટ બનાવવી તે કેટલે અંશે યોગ્ય છે તે એ ચર્ચાનો વિષય છે.

હા, એક વાત ચોક્કસ છે કે મહારાષ્ટ્ર સરકારની આ કામગીરીથી સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની ઘટનાના સંદર્ભમાં રાજનેતાઓના કબાટમાંથી બીજાં અનેક કંકાલ બહાર આવી શકે છે. કંગના સાથેનું શિવસેનાનું યુદ્ધ શિવસેનાને લાભ કરતાં નુકસાન વધુ પહોંચાડી શકે છે. આવું લાંબુ ચાલે તો મહારાષ્ટ્રની શિવસેનાના નેતૃત્વવાળી હાલની સરકાર અલ્પજીવી નીવડી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ જોતાં લાગે છે કે એક તરફ મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની શિવસેનાએ કોરોના સામે લડવાનું બાજુમાં મૂકીને કંગના સામે લડવાની વાતને પ્રાધાન્ય આપી દીધું છે. શિવસેનાએ આમ કરવાની જરૂર નહોતી. મહારાષ્ટ્રમાં આજે પણ શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની લોકપ્રિયતા છે. ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર છે અને મહારાષ્ટ્રની મરાઠી જનતા આજે પણ બાલાસાહેબ ઠાકરેનો આદર કરે છે પરંતુ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ જે કોઈ ઘટનાઓ ઘટી રહી છે તે શિવસેનાને નુકસાન પહોંચાડી શકે છે. અલબત્ત લોકમિજાજ પારખીને શિવસેનાએ હાલ પૂરતો કંગના સામે યુદ્ધવિરામ કર્યો હોય તેમ લાગે છે. પરંતુ ‘ઉદ્ધવ આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે’ એવું બોલવાની હિંમત કંગનાને ક્યાંથી આવી તે માટે શિવસેના ખુદ આત્મચિંતન કરે.

દેશની એક સ્ત્રી માટે શિવસેનાના નેતાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો કહેવાય છે. જો એમ થયું હોય તો એ ભારતીય સંસ્કૃતિમાં શોભે તેવું ઉચ્ચારણ નહોતું. કંગના આ દેશની દીકરી છે અને દેશની દીકરી માટે આવા નિમ્ન પ્રકારના શબ્દો વાપરવા તે ભારતીય સંસ્કૃતિને શોભે તેમ નથી.

આ મુદ્દે કંગનાના સમર્થકો અને કંગનાના વિરોધીઓ વચ્ચેનું યુદ્ધ હવે બંધ થાય અને સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તટસ્થ તપાસ થાય તે જરૂરી છે. એમ થશે તો જ સુશાંતસિંહને ન્યાય મળશે.

અત્રે એ પણ નોંધવું જોઈએ કે કંગના રનૌતના ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યું તે એક પ્રશ્નચિહન ઊભો કરે છે એ જેટલું સાચું છે તેટલું જ સાચું એ પણ છે કે કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે કે જેઓ મુખ્યમંત્રી છે તેમને સંબોધીને જે તોછડી અને તુંકારની ભાષામાં નિવેદન કર્યું તે પણ અસ્વીકાર્ય છે. કંગના રનૌતે બોલતી વખતે ભાષાની મર્યાદા જાળવી નથી. કંગના રનૌતે પણ એ પણ સમજી લેવું જોઈએ કે આ જગતમાં કોઈ પણ સંપૂર્ણ નથી, કંગના પણ નહીં. બોલવાની બાબતમાં કંગનાએ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની સ્પર્ધા કરવાની જરૂર નથી. ભૂતકાળમાં સંજય રાઉતની ભાષાએ શિવસેનાનને ઘણું નુકસાન પહોંચાડયું છે. કંગના બોલવામાં સંયમ નહીં રાખે તો અત્યારે લોકોની તેમના માટે જે સહાનુભૂતિની લહેર છે તે તેઓ ગુમાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન