Shiv Sena moves ahead with Plan B, next 48 hours crucial
  • Home
  • Assembly Election
  • શિવસેનાએ ભાજપને આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ, કહ્યું- સરકાર રચવા પ્લાન-B તૈયાર

શિવસેનાએ ભાજપને આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ, કહ્યું- સરકાર રચવા પ્લાન-B તૈયાર

 | 5:31 pm IST

મહારાષ્ટ્ર્રમાં શિવસેનાએ ભાજપને કોરાણે મુકીને એનસીપી અને કોંગ્રેસનો દાણો દબાવી જોયો. હવે શિવસેનાએ પોતાના જ સાથી પક્ષ ભાજપને 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. સાથે જ જણાવ્યું છે કે, તેની પાસે પ્લાન-B તૈયાર છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં આગમી 48 કલાક ખુબ જ મહત્વના બની ગયા છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે અને જણાવ્યું છે કે તેની પાસે પ્લાન-B તૈયાર છે. ભાજપ તરફથી શિવસેના સાથેનો સંવાદ બિલકૂલ બંધ છે. પ્લાન-B અંતર્ગત શિવસેના અને એનસીપી ભેગામળીને સરકાર બનાવી શકે છે અને કોંગ્રેસનો બહારથી ટેકો લઈ શકે છે.

શિવસેનાના એક મોટા નેતાનો દાવો છે કે, હવે પ્લાન-B અમારો પ્લાન-A બની ગયો છે. બધાની સાથે અમારી વાટાઘાટો થઈ ચૂકી છે. આમ શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને 145 ધારાસભ્યોના બહુમતનો અપેક્ષિત આંકડો પણ સરળતાથી પાર થઈ જશે.

અલ્ટિમેટમ આપ્યા પહેલા જ ઉદ્ધવના ખાસ નેતાએ RSSને લખ્યો પત્ર

આજે સવારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. ટોપ પ્રાયોરિટીવાળા આ પત્રમાં તિવારીએ સંઘ પ્રમુખને આગ્રહ કર્યો છે કે તેઓ સરકાર બનાવવાને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે મધ્યસ્થતા કરાવે. જેથી કરીને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદનો સહમતિથી ઉકેલ આવી શકે.

શિવસેનાને આ વાતનો મલાલ

શિવસેનાને એ વાતનો અફસોસ છે કે અત્યાર સુધી ઔપચારિક રીતે ભાજપ સાથે સરકારની રચના અંગે વાટાઘાટો થઈ નથી. મુખ્યમંત્રી પદની વહેંચણીની સાથે-સાથે શિવસેના એ વાતથી પણ નારાજ છે કે, અત્યાર સુધી ભાજપના એક પણ મોટા નેતાનો આદિત્ય ઠાકરેને અભિનંદન આપવા માટે ફોન સુધ્ધાં આવ્યો નથી. શિવસેનાને આશા હતી કે ઠાકરે પરિવારનો પ્રથમ વ્યક્તિ ચૂંટણી જીત્યા પછી ગઠબંધનના નેતાઓ અભિનંદન આપશે, પરંતુ આવું થયું નથી. શિવસેનાને એ વાતનો પણ અફસોસ છે કે જ્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહનું નોમિનેશન ફોર્મ ભરવાનું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે જાતે તેમની સાથે ગયા હતા પણ જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય પહેલીવાર ચૂંટણી લડ્યો અને જીત્યો તો ટોચના નેતૃત્વ તરફથી કોઈ જ અભિનંદન ના આપવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન