શિવજીની આરાધનાનો ભવ્ય માસ શ્રાવણ પ્રારંભ   - Sandesh
  • Home
  • Astrology
  • શિવજીની આરાધનાનો ભવ્ય માસ શ્રાવણ પ્રારંભ  

શિવજીની આરાધનાનો ભવ્ય માસ શ્રાવણ પ્રારંભ  

 | 1:40 am IST

“ૐ તત્પુરુષાય વિદહે, મહાદેવાય ધિમહિ તન્નો રુદ્ર પ્રચોધ્યાત”

શ્રાવણ મહિનો શિવજીનો પ્રિય મહિનો છે. શ્રાવણ મહિનાની આપણે આતુરતાથી રાહ જોતાં હોઈએ છીએ. આ વર્ષે ૧૨ ઓગષ્ટ રવિવારે માઘ નક્ષત્રમાં શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. તો આવા શુભ મહિનામાં ભોળાનાથ મહાદેવને કેવી રીતે પ્રસન્ન કરીશું.

શિવજીનેે જળાભિષેક, દૂધ, બીલીપત્રથી રીકી જાય છે. સાથે સાથે તેમને પ્રસન્ન કરવા ૩ વ્રત મુખ્યત્વે રાખવામાં આવે છે અને આ બધા વ્રતોમાં સાવન સોમવાર, સોળ સોમવાર અને પ્રવેષવ્રત મહત્ત્વનું છે. આ બધા વ્રતો કરતાં સમયે નિયમાનુસાર પૂજા કરી ‘ૐ નમઃ શિવાય’ નું ઉચ્ચારણ જરૂરી છે.

જ્યોતિષ વિજ્ઞાાનનાં અનુસાર આ મહિનાની પૂર્ણિમાની રાત્રે શ્રાવણ નક્ષત્રનો યોગ બને છે. માટે આ મહિનાનું નામ શ્રાવણ છે. આ મહિનાથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આ મહિનો ખૂબ પવિત્ર છે. ચાર્તુમાસમાં આ મહિનામાં ચોથ, પાંચમ, છઠ્ઠ, સાતમ, આઠમ, એકાદશી, ત્રયોદશી, પૂર્ણિમા, અમાસ મહત્ત્વની છે. જેમાં વિસ્તારમાં ગણેશચતુર્થી, મંગલાગૌરીવ્રત, મૌનાપંચમી, શ્રાવણનો શનિવાર, કામિકા એદાદશી, કલ્કિ અવતાર, સુદ-૬, ઋષિ પંચમી, હિંડોળા વ્રત, હરિયાળા ત્રીજ / અમાવસ્યા. વિનાયક ચતુર્થી, નાગપંચમી, પુત્રદા એકાદશી, ત્રયોદશી,વરાલક્ષ્મીવ્રત, ગોવત્સ અને બાહુબાવ્રત, નાળિયેરી પૂર્ણિમા/રક્ષાબંધન, પવિત્રારોપણ, શિવચર્તુદશી અને જન્માષ્ટમી વગેરે…

આવા પવિત્ર શ્રાવણ મહિનાના વ્રતનાં નિયમો પર પણ ધ્યાન આપીશું. સંપૂર્ણ શ્રાવણ માસમાં ફળાહાર સિવાય કંઈ જ જમતાં નથી છતાં કેટલાક લોકો છે જે તપસ્વી છે તે ફળાહાર પણ નથી કરતા. ધર્મના નિયમો અનુસાર આ મહિનામાં વ્રતનું પાલન કરવું જોઈએ. આ મહિનામાં ભોગ, સંભોગ, ઝઘડો, નિંદા, ક્રોધ કોઈપણ પ્રકારનું ધર્મ વિરુદ્ધનું કર્મ નિષેધ છે. સંપૂર્ણ મહિનામાં ધર્મ અનુસાર વ્રતનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે, સાથે શારીરિક અને માનસિક પાપોનો પણ નાશ થાય છે. આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે.

આ શ્રાવણ મહિનાથી ચાર્તુમાસની શરૂઆત થઈ જાય છે. ચાર્તુમાસ ધાર્મિક દ્રષ્ટિ એ બહુ  મહત્ત્વ રાખે છે. શ્રાવણ, ભાદરવો, આસો, કારતક મહિનામાં સંત-મહાત્માથી લઈને જનતામાં ધર્મ અને અધ્યાત્મના રંગમાં રંગાઈ જાય છે. આ દરમિયાન હિન્દુ ધર્મનાં દરેક ઉત્સવ, પર્વ અને તહેવાર મનાવવામાં આવે છે. જેની શરૂઆત શ્રાવણ મહિનાથી થાય છે.

શ્રાવણ મહિનો ભગવાન શિવની આસ્થા સાથે જોડાયેલો છે. આ સમયે શિવ આરાધનાનું મહત્ત્વ વિશેષ છે. આશાઓની ર્પૂિતનો સમય છે. જે પ્રકારે પ્રકૃતિ થપેડા ગરમીને સહન કરતી વર્ષાની બુંદોથી પોતાની તરસ છિપાવતી અસીમ તૃપ્તિનો આનંદ લે છે તેવી જ રીતે પ્રાણીઓની ઈચ્છાઓને તૃપ્ત કરવા માટે આ મહિનો ભક્તિ અને પૂર્ણતાનો અનોખો સંબંધ બતાવે છે. અને બધાની અતૃપ્ત ઈચ્છાઓને પૂર્ણ કરવાની કોશિશ કરે છે.

લિખ્યતેચ મયાદત્તમ્ અભિષેકાત્મકપરમ્ ।

જલેન વૃષ્ટિ વ્યાપ્નોતિ વ્યાથિ. શાંતિ કુશોદકે ।।

અર્થાત્ અભિષેક મહાદેવને ખૂબ પ્રિય છે. ભગવાન શિવ આ મહિનામાં પોતાની અનેક લીલાઓ રચે છે. આ મહિનામાં મહામૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, શિવમહિમ્ન સ્તોત્ર, રુદ્રષ્ટકમ અને શિવપુરાણનું પઠન કરવાથી શુભફળમાં વૃદ્ધિ થાય છે. પૂર્ણિમા તિથિ ઉપર શ્રાવણ નક્ષત્રનો યોગ બનવાથી શ્રાવણ મહિનાનું સ્વરૂપ પ્રકાશિત થાય છે. શ્રાવણ મહિનાના સમયે ભક્તો શિવાલયમાં સ્થાપિત, પ્રાણ-પ્રતિષ્ઠિત, શિવલિંગ તથા ધાતુથી નિર્મિત લિંગનો ગંગાજળ અને દૂધથી રુદ્રાભિષેક કરે છે. શિવલિંગનો રુદ્રાભિષેક શિવને અતિપ્રિય છે. આ દિવસોમાં ગંગાજળ દ્વારા અભિષેક કરવાથી ભગવાન શિવ અતિપ્રસન્ન થાય છે. જે દરેક દળને પ્રદાન કરવાવાળા હોય છે. દૂધનાં અભિષેકથી તથા ઘીનાં અભિષેકથી મનુષ્યને યોગ્ય ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે તેવું શાસ્ત્રોક્ત કથન છે. શેરડીનાં રસથી ધનની પ્રાપ્તિ થાય છે. દૂર્વાનાં અભિષેકથી સમસ્ત વ્યાધિ શાંત થાય છે. દહીંથી પશુધનની પ્રાપ્તિ થાય છે, અને મધથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ અભિષેકમાં ઉત્તમ જલાભિષેક માનવામાં આવ્યો છે. ઉપર પ્રમાણે કોઈપણ અભિષેક ન કરી શકાય તો ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી તેઓ જલાભિષેક દ્વારા પણ શુભત્વ પ્રાપ્ત કરી શકે છે.

જલાભિષેકનાં સંદર્ભમાં એક કથા પ્રચલિત છે. જેના અનુસાર દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી ‘કાલફટ’ નામનું હળાહળ ઝેર નીકળ્યું. જેની જવાળાઓ સમસ્ત બ્રહ્માંડને જલાવવા લાગી આ સંકટમાંથી ઉગારવા માટે ભગવાન શિવ પાસે પહોંચ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે બધાની પ્રાર્થના સાંભળી ભગવાન શિવે સૃષ્ટિ બચાવવા માટે એ વિષને પોતાનાં કંઠમાં ઉતારી લીધું અને ત્યાં સ્થિર કર્યું. જેનાથી તેમનો કંઠ નીલો થઈ ગયો. જેના લીધે તે “નીલકંઠ” કહેવાયા.

સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ ઝેરને લીધે શિવજીને તાપ લાગ્યો. બળતરાને શાંત કરવા માટે દેવતાઓએ ગંગાજળથી ભગવાન શિવનું પૂજન તેમજ જલાભિષેક કર્યો. તેથી તેમની જલન શાંત થવાથી તે પ્રસન્ન થયા. અને આજે પણ તેમનાં તાપને શાંત કરવા આજે પણ ‘જલાભિષેક’ કરવામાં આવે છે. જેનાથી પ્રસન્ન થઈ ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મેળવી શકીએ છીએ. તેમની કૃપા પ્રાપ્ત કરવા અને જીવનનાં મુખ્ય અમૃતને પોતાની અંદર સમાવવાનો પ્રયાસ કરે છે.

શ્રાવણ માસમાં શિવજીની પૂર્વદિશા તરફ મોઢું રાખીને પૂજા કરવી જોઈએ. બીલીપત્ર ચઢાવવું ત્યારબાદ સ્વસ્તિ-પાઠ કરી સંકલ્પ લઈ ભગવાન ગણેશ, ગૌરીમાતા, પાર્વતીનું પૂજન કરવું. જો ભક્ત રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર આદિ વિશેષ અનુષ્ઠાન કરે છે. તેમણે ષોડષ-માતૃકાઓનું પૂજન કરવું જોઈએ.

– શિવજીનું ધ્યાન કરી આસન, આચમન, દહીં સ્નાન, ઘી સ્નાન, મધ સ્નાન, સાકર સ્નાન કરાવવું. પંચામૃત સ્નાન બાદ જલસ્નાન કરાવી શુદ્ધ કરવું.

– ત્યારબાદ ચોખાનાં રૂપમાં વસ્ત્ર ચઢાવવા. જનોઈ ચઢાવવી. બાદમાં અત્તર, ફૂલ, બીલીપત્ર ફરીથી ચઢાવવું.

– હવે વિવિધ પ્રકારનાં ફળ ચઢાવવા. ત્યારબાદ ધૂપ-દીપ કરવા.

– નૈવેદ્ય પછી ફળ, પાન, નાળિયેર, દક્ષિણા ચઢાવી આરતી કરવી અને ક્ષમા-યાચના કરવી.

ક્ષમામંત્ર- આહવાનં ના જાનામિ, ના જાનામિ તર્વાચનમ ।

પૂજાશ્વૈવ ન જાનામિ, ક્ષમ્યતાં પરમેશ્વરઃ ।।

આ પૂજા સંકલ્પ લઈને શ્રાવણ માસમાં શિવલિંગ બનાવતા હોય તેમને ખાસ કરવી અને બાકી સામાન્ય પૂજા પાઠ દ્વારા પણ પૂરી શ્રદ્ધાથી પણ ભોળાનાથને ભજી શકાય છે અને પ્રસન્ન કરી શકાય છે.

આ ઉપરાંત શિવભક્ત જયોર્તિલિંગોનાં દર્શન તેમજ જલભિષેક કરવાથી અશ્વમેઘ યજ્ઞા સમાન ફળ પ્રાપ્ત કરે છે અને શિવલોકને પામે છે. તો આ શ્રાવણ માસમાં આપ શિવમય બની શ્રદ્ધા સાથે ભક્તિ કરી પૂર્ણતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ સાથે હર હર મહાદેવ…

– ડો.મૌલીરાવલ

[email protected]