શિવસેનાનું અજબગજબ, “જે સરકારોએ જીએસટીનો ઢોલ વગાડયો હોય તે ફરી ચૂંટાઈને આવી નથી” - Sandesh
  • Home
  • Featured
  • શિવસેનાનું અજબગજબ, “જે સરકારોએ જીએસટીનો ઢોલ વગાડયો હોય તે ફરી ચૂંટાઈને આવી નથી”

શિવસેનાનું અજબગજબ, “જે સરકારોએ જીએસટીનો ઢોલ વગાડયો હોય તે ફરી ચૂંટાઈને આવી નથી”

 | 11:35 pm IST

શિવસેનાએ તેનાં મુખપત્ર સામનામાં મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં મંજૂર કરેલા જીએસટી ખરડા વિશે મંતવ્ય આપતાં અગ્રલેખમાં જણાવ્યું છે કે જીએસટીની પ્રેતલીલા ભયાવહ એટલા માટે છે કે દુનિયામાં જે દેશે જીએસટીનો સ્વીકાર કર્યો છે તેમણે તેમાં પછી પીછેહઠ કરવી પડી છે અને જે સરકારોએ જીએસટીનો ઢોલ વગાડયો હોય તે ફરી ચૂંટાઈને આવી નથી. આને તમે અંધશ્રદ્ધા કહો કે પ્રેતલીલા પણ પછી તમે કહેતા નહીં કે અમે ચેતવ્યા નહોતા.

હવે આર્થિક સુધારાનું પારણું હલાવવામાં હરકત નથી
શિવસેનાએ જણાવ્યું છે કે છેવટે મહારાષ્ટ્રમાં જીએસટી એટલે કે વસ્તુ અને સેવાકર વિધેયકને મંજૂરી મળી ગઈ છે. જીએસટી વિધેયકની પ્રસૂતિ નહીં થાય તો દેશમાં અને રાજ્યમાં આર્થિક સુધારામાં ગતિ આવશે નહીં તેમ કહેવાતું હતું, હવે જીએસટીની પ્રસૂતિ સુખરૃપ થઇ ગઇ છે એટલે હવે આર્થિક સુધારાનું પારણું હલાવવામાં હરકત નથી.
જીએસટી ખરડાને મંજૂર કરવાનું વડાપ્રધાન મોદીનું સ્વપ્ન હતું. હવે રાજ્યો અને દિલ્હીમાં જીએસટીને મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે સોનિયા ગાંધી જે સ્વપ્ન જુએ તે જ સ્વપ્ન રાજ્યમાં તેમનો ગઢ સાચવનારાએ જોવાં પડતાં, હવે એ જ ન્યાયે કેન્દ્રમાં વડાપ્રધાન મોદી જે સ્વપ્ન જુએ તે જ સ્વપ્ન ભાજપનાં રાજ્યમાં તેમના ગઢ સાચવનારાઓએ જોવાં ફરજિયાત છે. મહારાષ્ટ્રના ગઢ સાચવનારાઓ હવે સ્વપ્નર્પૂતિનાં નામે એકમેકને પેડા ખવડાવી કૌતુક કરે છે.
જીએસટી આવવાથી 17 કરમાંથી છુટકારો મળશે, મોંઘવારી ઘટશે અને ભ્રષ્ટાચારને પણ બેડીઓ પડશે તેમ કહેવામાં આવ્યું છે. આ બધું સાચું પડે અને રાજ્યનું ભલું થાય એવું પગલું ભરવા બદલ અમે ફડણવીસ સરકારને શુભેચ્છા આપીએ છીએ તેમ સામનાના અગ્રલેખમાં જણાવાયું છે.

મુંબઇને હાથમાં કટોરો લઇને ભીખ માગવાની વેળા આવી શકે
શિવસેના સહિત મોટા ભાગના રાજકીય પક્ષોએ મુંબઈ મહાનગરપાલિકાની સ્વાયત્તતા બાબતે શંકા વ્યક્ત કરી. નવા કરના આગમન સાથે મુંબઇનાં જકાતનાકાં બંધ થશે અને લગભગ સાત-આઠ હજાર કરોડ રૃપિયાનું નુકસાન થશે. જેને કારણે મુંબઇની આર્થિક હાલત કફોડી બની શકે છે. સંપૂર્ણ દેશને આર્થિક આધાર આપનાર મુંબઇને હાથમાં કટોરો લઇને ભીખ માગવાની વેળા આવી શકે. મુંબઇનું મહત્ત્વ ઓછું કરવાના પ્રયાસ અગાઉ પણ કરવામાં આવ્યા છે પણ મરાઠી માણુસે વાઘની ત્રાડ પાડી આ પ્રયાસોને નાકામ બનાવ્યા છે. જીએસટી પણ મુંબઇને વિકલાંગ અને ભિખારી બનાવી દિલ્હીશ્વરોની દાસી બનાવવાનો નવો પ્રયોગ છે કે કેમ ? આ શંકાનું સમાધાન ફક્ત શબ્દો વડે આશ્વાસન આપી થઇ શકે તેમ નથી.

સોનાનાં ઇંડાં આપતી મરઘીને જ કાપી નખાશે ?
મુંબઈ મહાનગરપાલિકાએ સંપૂર્ણ રાજ્ય અને દેશને નાગરિક સુવિધા આપવાનું કામ કર્યું છે પણ હવે મુંબઇ મહાપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપ કરવા મુખ્ય પ્રધાનના દૂત તરીકે કમિશનરને નીમવામાં આવે છે. તે મુખ્ય પ્રધાનના આદેશ અનુસાર કાગળના ઘોડા નચાવી મુંબઇની સ્વતંત્રતાનાં પીંછાં ખેંચે છે, હવે જીએસટી વડે સોનાનાં ઇંડાં આપતી મરઘીને જ કાપી ખાવાનું ઠરાવવામાં આવ્યું છે પણ જ્યાં સુધી શિવસેના છે ત્યાં સુધી આ કારસો સફળ થવા દઇશું નહીં. મુખ્ય પ્રધાને વચન આપ્યું છે કે જીએસટીને કારણે મહારાષ્ટ્રને એક પણ રૃપિયાનું નુકસાન થવા દઇશું નહીં. મુંબઇ મહાનગરપાલિકાએ નુકસાન ભરપાઇ માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે હાથ લાંબો કરવો પડશે નહીં. રાજ્યની સ્વાયત્તતા અને મુંબઇ મહાનગરપાલિકાનાં સ્વાભિમાનને જરાય આંચ આવવા દઇશું નહીં તેવાં વચનો આજે કેન્દ્ર સરકારે આપ્યાં હોવા છતાં મુંબઇના પ્રશ્ને આપણે અતિ સાવધ રહેવું પડશે તેમ સામનામાં જણાવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન